ન્યૂયોર્ક,
યુએસ ઓપનની રવિવારે રમાયેલા ફાઈનલ મુકાબલામાં જીત મેળવવાની સાથે જ સર્બિયાના દિગ્ગજ ખેલાડી નોવાક જોકોવિચે ખિતાબ પર કબ્જો કરી લીધો છે. ફાઈનલ મુકાબલામાં આર્જેન્ટીનાના ડેલ પોટ્રોને હરાવી યુએસ ઓપનનો ત્રીજો ખિતાબ જીત્યો છે.
ચાલુ વર્ષના અંતિમ ગ્રાન્ડસ્લેમ યુએસ ઓપનની મેન્સ ફાઈનલ મેચમાં જોકોવિચે પોટ્રોને ૬-૩, ૭-૬ (૭-૪) અને ૬-૩થી હરાવી આ ખિતાબ પોતાના નામે કરી લીધો છે. આ પહેલા ૨૦૧૧ અને ૨૦૧૫માં જોકોવિચ ચેમ્પિયન બની ચુક્યો છે.
૨૦૦૯ના યુએસ ઓપન ચેમ્પિયન ખેલાડી અને રેન્કિંગમાં ત્રીજું સ્થાન ધરાવતા સ્ટાર ખેલાડી ડેલ પોટ્રોને હરાવવાની સાથે જ જોકોવિચે પોતાના કેરિયરનું ૧૪મો ગ્રાન્ડસ્લેમ ખિતાબ પોતાના નામે કર્યો છે.
આ જીત સાથેજ દિગ્ગજ ટેનિસ ખેલાડી નોવાક જોકોવિચ સૌથી વધુ ગ્રાન્ડસ્લેમ જીતવાના મામલે ત્રીજા સ્થાન પર આવી ગયો છે. જોકોવિચ કરતા રોજર ફેડરર (૨૦) અને રાફેલ નડાલ (૧૭) સાથે અનુક્રમે પહેલા અને બીજા સ્થાને છે.
નોવાક જોકોવિચ અને ડેલ પોટ્રો વચ્ચે રમાયેલા અત્યારસુધીના મુકાબલાની જીત અને હારની વાત કરવામાં આવે તો આ આંકડો ૧૫ – ૪નો થઇ ગયો છે.
મહિલા સિંગલમાં જાપાનની ઓસાકા બની ચેમ્પિયન
આ પહેલા ન્યુયોર્કના અર્થર એશ સ્ટેડિયમ ખાતે રમાયેલી મહિલા સિંગલની ફાઈનલ મેચમાં ઓસાકાએ દુનિયાની પૂર્વ નંબર એક ખેલાડી વિલિયમ્સને હરાવી ખિતાબ પોતાના નામે કરી લીધો છે. ઓશાકાએ સેરેના વિલિયમ્સને સીધા સેટોમાં ૬-૨, ૬-૪થી હરાવી ખિતાબ પર કબ્જો કરી લીધો છે