મંગળવારે પાટીદાર સંસ્થાઓ ના આગેવાનોની સરકાર સાથે મહત્વપૂર્ણ બેઠક થઇ હતી. આ બેઠકમાં હાજર રહેલા આગેવાન સી.કે.પટેલે બેઠક બાદ જણાવ્યું કે સમાજના આગેવાનોની સરકાર સાથે બેઠક થઇ હતી. સરકાર સાથે સમાજના વિવિધ મુદ્દાઓને લઈને ચર્ચા કરવામાં આવી હતી. પાટીદાર સમાજના મુદ્દાઓને લઈને સરકાર ચિંતિત છે. સરકારને હાર્દિકની પણ ચિંતા છે, તેમજ સરકારનો સકારત્મક અભિગમ છે.
એમણે આગળ જણાવ્યું કે અનામત મુદ્દે સરકાર સાથે વિશેષ ચર્ચા થઇ હતી. હજુ વધારે ચર્ચા પણ થશે. સરકારે ચિંતા દર્શાવી કે હાર્દિકે પોતાની તંદુરસ્તીનું ધ્યાન રાખતા, પારણાં કરી લેવા જોઈએ.
સી.કે.પટેલે જણાવ્યું કે પાટીદાર સંસ્થાઓ અને સરકાર વચ્ચેની બેઠકમાં કોઈ ઉકેલ આવ્યો નહતો. કોઈ પણ મુદ્દે સ્પષ્ટતા વગર જ આ બેઠક પૂર્ણ થઇ હતી. જણાવી દઈએ કે બે કલાકથી વધારે સમય ચાલેલી આ બેઠકમાં કોઈ સ્પષ્ટ સમાધાન આવ્યું નથી.
બેઠકમાં અનેક મુદ્દે ચર્ચા થઇ હતી. પરંતુ અનામત મુદ્દે સરકારનું વલણ સ્પષ્ટ ન હોવાનું સી.કે.પટેલએ જણાવ્યું. હાર્દિકની માંગ પર સરકારની નીતિ વિષે સી.કે.પટેલે કોઈ સ્પષ્ટતા કરી નહતી. એમણે આગળ કહ્યું કે સમાજ પાસે હાર્દિક સિવાય પણ બીજા ઘણા મુદ્દા છે.
હાર્દિક મુદ્દે ચિંતા દર્શાવતા સી.કે.પટેલે જણાવ્યું કે અમારી એવી લાગણી છે કે હાર્દિક પારણાં કરી લે. હાર્દિકના માણસોને જ મધ્યસ્થી માટેની જવાબદારી સોંપવામાં આવી છે. અમે પણ, સરકાર સમક્ષ હાર્દિકની માંગણીઓ મુકીશું.