Gujarat/ મહાદેવ સોમનાથ મંદિરની એવી છે આભા, અસંખ્યવાર લૂંટાયું પણ અડીખમ અસ્તિત્વ

દિવસ, સપ્તાહ, મહિના, વર્ષ, કે સદી નહીં, અનેક સદીઓથી સૌરાષ્ટ્રનાં સાગરકાંઠે ઉભેલાં જ્યોતિર્લિંગ મહાદેવ સોમનાથ મંદિરનું અસ્તિત્વ મિટાવવાના પ્રયત્નો થતાં રહ્યાં છે….

Gujarat Others
Makar 1 મહાદેવ સોમનાથ મંદિરની એવી છે આભા, અસંખ્યવાર લૂંટાયું પણ અડીખમ અસ્તિત્વ

દિવસ, સપ્તાહ, મહિના, વર્ષ, કે સદી નહીં, અનેક સદીઓથી સૌરાષ્ટ્રનાં સાગરકાંઠે ઉભેલાં જ્યોતિર્લિંગ મહાદેવ સોમનાથ મંદિરનું અસ્તિત્વ મિટાવવાના પ્રયત્નો થતાં રહ્યાં છે. પણ મહાદેવ તો મહાદેવ છે. સોમનાથ મહાદેવ મંદિર અસંખ્ય હુમલાખોરોનાં નિર્લજ્જ ઘા વેઠ્યાં પછી પણ વ્રજની જેમ અડીખમ છે. દેવાધીદેવ મહાદેવનું સોમનાથ મંદિર હવે સુવર્ણ અવતારમાં સજ્જ થઈ રહ્યું છે. જાણે કે એના સ્વર્ણિમ ભૂતકાળની ઝાંખી કરાવતું હોય.

Makar 2 મહાદેવ સોમનાથ મંદિરની એવી છે આભા, અસંખ્યવાર લૂંટાયું પણ અડીખમ અસ્તિત્વ

એક હજારથી પણ વધુ વર્ષ પુરાણા ઘા વેઠીને એક સમયે મહાદેવ સોમનાથનું ભવ્યાતિભવ્ય મંદિર ગત સદીનાં મધ્યભાગ સુધી તો જાણે કે રાહ જોઈ રહ્યું હતું કોઈ લોખંડી વ્યક્તિત્વનું. અને અંતે લોખંડી પુરુષ સરદાર વલ્લભ ભાઈનાં પ્રયત્નોથી સોમનાથ મંદિર ફરી એના એ જ રૂતબામાં પહોંચ્યું. જો કે આ મંદિરને સુવર્ણથી સજ્જ કરવાનું મહાકાર્ય વર્ષ 2012માં શરુ થયું. અને આજે સોમનાથ મંદિરનો સુવર્ણયુગ જાણે કે પરત ફર્યો છે.

Makar 3 મહાદેવ સોમનાથ મંદિરની એવી છે આભા, અસંખ્યવાર લૂંટાયું પણ અડીખમ અસ્તિત્વ

દેવાધિદેવ મહાદેવ..! ઈતિહાસના પન્ના ફેરવો તો સૌરાષ્ટ્રના ઘૂઘવતા સમુદ્રકાંઠે ઉભેલા અસ્મિતાના પ્રતીકસમા સોમનાથ મહાદેવ મંદિરની રુંવાડા ઉભા કરી દેતી ગાથા અચૂક જાણવા મળશે. છેક 1500 વર્ષ પૂર્વેથી દેવાધિદેવના આ મહામંદિરને મિટાવવા માટે વિદેશી આક્રાંતાઓએ તમામ હદો વટાવી દીધી હતી. જો કે 21મી સદીમાં આજે મહાદેવ સોમનાથના મંદિરમાં એ જ સુવર્ણયુગની રોનક પાછી આવી છે. કોરોનાકાળના નિયંત્રણો દરમિયાન તમે મંદિરની મુલાકાતે જઈ શક્યા નહોતા તો હવે જ્યારે તમે મુલાકાત લેશો તો ઘડીભર સ્તબ્ધ થઈ જશો એટલું નક્કી છે. આઝાદી પછી તુરંત સરદાર વલ્લભભાઈએ એ વખતે અનેક વિદેશી આક્રમણખોરોના હુમલાથી જીર્ણ અવસ્થામાં રહેલાં સોમનાથ મંદિરનો જીર્ણોદ્ધાર કરાવ્યો એ પછી છેક હવે આટલાં વર્ષો પછી સોમનાથ મંદિરની સુવર્ણ કાયાપલટ કરવાનું છેલ્લાં 8 વર્ષથી ચાલુ છે. છેક 2012માં હીરાના એક વેપારીએ આ માટે દાન આપવાની તૈયારી દર્શાવી. સોમનાથ મંદિરમાં સુવર્ણનું કામકાજ ચાલી જ રહ્યું હતું ત્યાં 2017માં નક્કી કરાયું કે મંદિરની ઉપર બંને મંડપની છતમાં સુવર્ણ કળશ લગાવવા. અહીં કુલ 1451 કળશ હતાં જેને સ્વર્ણિમ સ્વરૂપ આપવાનું કામ હાલમાં ચાલું છે.

Makar 4 મહાદેવ સોમનાથ મંદિરની એવી છે આભા, અસંખ્યવાર લૂંટાયું પણ અડીખમ અસ્તિત્વ

અજાયબ છે મહાદેવ સોમનાથની લીલા. દેશના જ્યોતિર્લિંગો પૈકીના એક સોમનાથ મહાદેવના સાન્નિધ્યમાં જ્યારે તમે આવો અને દેવાધિદેવના દર્શન કરો તો તમારી આંખો ગર્ભગૃહના સુવર્ણ અવતારથી ચકિત થઈ જશે તેની સાથે મંદિરની અંદર સભામંડપની કમાનને પણ તમે સુવર્ણ અવતારમાં જોઈ શકશો. મંદિરના સભા મંડપ અને નૃત્યમંડપની બાકીની કમાન પણ સોનેરી ધાતુથી મઢવાની કવાયત ચાલુ છે. આ જ બંને મંડપની ઉપર રહેલાં તાંબાના કળશને હવે સુવર્ણ વરખ ચઢાવવાનું કાર્ય ચાલી રહ્યું છે. જે પૈકી 551 કળશને સુવર્ણ વરખ ચઢાવાઈ ચૂક્યાં છે. તમામ કળશને અલગ અલગ દાનવીરોના દાનથી સ્વર્ણિમ સ્વરૂપ આપવામાં આવી રહ્યું છે. હાલમાં જેટલાં સુવર્ણ કળશ લાગી ચૂક્યાં છે. તેના પર નજર કરવાથી લાગે કે મહાદેવ સોમનાથના ચરણોમાં સૂર્ય દેવ પોતાનું તેજ વહાવી રહ્યાં હોય. આંખોને આંજી નાખતો આ નજારો દેશની અસ્મિતા સમાન સોમનાથ મહાદેવ મંદિરનું અદ્દભુત ગૌરવ છે.

Makar 5 મહાદેવ સોમનાથ મંદિરની એવી છે આભા, અસંખ્યવાર લૂંટાયું પણ અડીખમ અસ્તિત્વ

મહાદેવના મંદિરને સુવર્ણ અવતારમાં ફેરવવા તાંબાના કળશને સોનામાં ફેરવવા એક ખાસ કંપનીને કામ સોંપાયું છે. આ કંપની અહીં જ તાંબાના કળશ પર સોનાના ઉપરા ઉપર એક પછી એક એમ ત્રણ વરખ ચઢાવે છે. સોનાના ત્રણ લેયર ચઢાવી દેવાયા બાદ તેના પર કેમિકલનું કોટિંગ થાય છે. કેમિકલના પણ સાત કોટિંગ ચઢાવાય છે. એટલા માટે કેમ કે સમુદ્રના બરાબર કાંઠે ઉભેલાં આ ઐતિહાસિક મંદિરને ક્ષાર સાથેની હવા નુકસાન પહોંચાડે તેવી સંભાવના છે ત્યારે મલ્ટિપલ લેયર ચઢાવેલાં કળશ સદીઓ સુધી અડીખમ રહે તેવી કોશિશ કરાય છે. કળશ ચઢાવવા માટે સોમનાથ મંદિર ટ્રસ્ટ દાતાઓને આમંત્રિત કરી ચૂક્યું છે. મંદિર પર ત્રણ સાઈઝના કળશ લગાવાય છે. જેમાં કોઈ 9 ઈંચનું કળશ દાન કરવા માગે તો 1 લાખ 11 હજાર રૂપિયા, 11 ઈંચનું કળશ દાન કરવા માગે તો 1 લાખ 21 હજાર રૂપિયા જ્યારે 14 ઈંચના કળશ માટે 1 લાખ 51 હજાર રૂપિયાની રકમ નિર્ધારિત કરવામાં આવી છે. દાનવીરની હાજરીમાં કળશની પૂજા કર્યાં બાદ જ કળશને મંદિર પર ચઢાવવામાં આવે છે.

Makar 6 મહાદેવ સોમનાથ મંદિરની એવી છે આભા, અસંખ્યવાર લૂંટાયું પણ અડીખમ અસ્તિત્વ

સોમનાથ મહાદેવ મંદિર દિવસે તો સૂર્ય દેવના કિરણો અને સુવર્ણ કળશના મિલનથી આંખોને આંજી નાખતા ચળકાટથી શોભે છે. પણ જો તમે રાત્રે પણ સોમનાથ મહાદેવ મંદિરના પ્રાંગણમાં પહોંચો તો તેની બીજી એક વિશેષતાથી રૂબરૂ થઈ શકશો. સોમનાથ મહાદેવ મંદિરમાં 750 મલ્ટિ ફંક્શન લાઈટ નખાઈ છે જે રાત્રે તેની અનોખી, અલૌકિક આભા ઉભી કરે છે. ખાસિયત એ છે કે આ લાઈટ્સ સમય અને પ્રસંગ પ્રમાણે અલગ અલગ રીતે સેટ કરી શકાય છે. દેવાધિદેવ સોમનાથ મંદિર પર વિદેશી હુમલાખોરો એ હદે વિકૃત હુમલા કરતાં રહ્યાં હતાં કે 17-17 વાર મંદિરને ભૌતિક સ્વરૂપે નષ્ટ કર્યું. જો કે જ્યાં સ્વયં મહાદેવનો વાસ હોય તેને કોઈ ગઝની, ઘોરી કે ખિલજી થોડા નામશેષ કરી શકવાના. એક સમય હતો જ્યારે આ મંદિરના તમામ 56 સ્તંભ સુવર્ણ હતાં, મંદિરનો ઘંટ પણ સોનાનો હતો તેને વગાડવા ખેંચવા અર્થે રાખેલી સાંકળ પણ સોનાની હતી. આક્રાંતા તેને ક્ષતિગ્રસ્ત કરીને ભલે લૂંટી ગયા પણ રાષ્ટ્રીય આસ્થા અને અસ્મિતાનું આ સ્વર્ગ ફરી એકવાર ઈતિહાસના ઘાને પૂરીને સ્વર્ણિમ યુગમાં આવી પહોંચ્યું છે. આ ઐતિહાસિક આસ્થાની અડીખમ વિરાસત છે. તેને નામશેષ કરવું અસંભવ છે. વિધ્વંશથી વધુ તાકાત નિર્માણમાં છે એ ઉક્તિ અહીં ફરી સાચી ઠરે છે. કદાચ આસ્થાની ઊંચાઈ પેલા સૂર્યકિરણોમાં ચળકતા સુવર્ણકળશથી પણ ક્યાંય ઊંચી છે.

જુઓ સમગ્ર અહેવાલ મંતવ્ય ન્યૂઝ સાથે…

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો