Supreme Court SC Status Conversion: સુપ્રીમ કોર્ટે મંગળવારે એક મહત્વપૂર્ણ ચુકાદો આપતા સ્પષ્ટ કર્યું છે કે, જો કોઈ વ્યક્તિ હિન્દુ, શીખ કે બૌદ્ધ ધર્મ સિવાયનો અન્ય કોઈ ધર્મ અપનાવે છે, તો તે અનુસૂચિત જાતિ (SC) તરીકે મળતા તમામ લાભો અને દરજ્જો ગુમાવી દેશે. કોર્ટે ભારપૂર્વક જણાવ્યું છે કે માત્ર હિન્દુ, બૌદ્ધ અને શીખ ધર્મ સાથે જોડાયેલા લોકો જ અનુસૂચિત જાતિના લાભો પર દાવો કરી શકે છે.
ખ્રિસ્તી ધર્મ અપનાવનાર ‘દલિત’ને SC-ST એક્ટનું રક્ષણ નહીં
જસ્ટિસ પીકે મિશ્રા અને જસ્ટિસ મનમોહનની બેન્ચે આંધ્ર પ્રદેશ હાઈકોર્ટના ચુકાદાને યથાવત રાખતા જણાવ્યું કે જો કોઈ વ્યક્તિ ખ્રિસ્તી ધર્મ કે અન્ય કોઈ ધર્મમાં પરિવર્તન કરે છે, તો તે SC-ST (અત્યાચાર નિવારણ) અધિનિયમ હેઠળ મળતા કોઈપણ કાયદાકીય રક્ષણ કે લાભનો દાવો કરી શકતો નથી. કોર્ટે સ્પષ્ટ કર્યું કે SC/ST એક્ટનો ઉદ્દેશ્ય તે સમુદાયોનું રક્ષણ કરવાનો છે જેઓ તે ધર્મ અને જ્ઞાતિમાં રહીને ભેદભાવ સહન કરે છે, નહીં કે એવા લોકોનું જેઓ ધર્મ પરિવર્તન કરી ચૂક્યા છે.

શું હતો સમગ્ર મામલો?
આ મામલો આંધ્ર પ્રદેશના વિશાખાપટ્ટનમનો છે. મૂળ SC (માલા સમુદાય) ના ચિન્થદા આનંદ નામના વ્યક્તિએ ખ્રિસ્તી ધર્મ અપનાવ્યો હતો અને તેઓ છેલ્લા 10 વર્ષથી પાદરી તરીકે કામ કરી રહ્યા હતા. તેમણે કેટલાક લોકો સામે જાતિગત ભેદભાવની ફરિયાદ કરી SC-ST એક્ટ હેઠળ કેસ દાખલ કર્યો હતો. જોકે, તપાસમાં બહાર આવ્યું કે ખ્રિસ્તી ધર્મ અપનાવવાને કારણે તેમનું જાતિનું પ્રમાણપત્ર રદ કરવામાં આવ્યું હતું. હાઈકોર્ટે તેમની અરજી ફગાવ્યા બાદ મામલો સુપ્રીમ કોર્ટ પહોંચ્યો હતો.

બંધારણ સાથે છેતરપિંડી ગણાશે : Supreme Court
સુપ્રીમ કોર્ટે અગાઉ પણ એક કેસમાં ટિપ્પણી કરી હતી કે માત્ર અનામત કે અન્ય લાભો મેળવવાના ઉદ્દેશ્યથી ધર્મ બદલવો એ બંધારણ સાથે છેતરપિંડી સમાન છે. જો કોઈ વ્યક્તિ ખ્રિસ્તી બન્યા બાદ ફરીથી હિન્દુ ધર્મમાં આવે, તો તેણે SC દરજ્જો મેળવવા માટે સમુદાયની સ્વીકૃતિ અને મજબૂત પુરાવા રજૂ કરવા પડશે.
આંધ્ર હાઈકોર્ટના અવલોકન પર મહોર
હાઈકોર્ટે અગાઉ કહ્યું હતું કે જ્યારે કોઈ વ્યક્તિ પોતે સ્વીકારે છે કે તે વર્ષોથી ખ્રિસ્તી ધર્મ પાળે છે, ત્યારે તેની ફરિયાદ પર SC/ST એક્ટ લાગુ કરી શકાય નહીં. માત્ર તેની પાસે જાતિનું પ્રમાણપત્ર રદ નથી થયું તેવો ટેકનિકલ આધાર તેને આ કાયદાનું રક્ષણ અપાવી શકે નહીં.
આ પણ વાંચો:સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો! નાડું ખેંચવું અને બ્રેસ્ટ પકડવા એ ‘રેપનો પ્રયાસ’ જ ગણાશે
આ પણ વાંચો:‘લગ્ન પહેલાં સેક્સ કેવી રીતે કરી શકાય?’ સુપ્રીમ કોર્ટે લિવ-ઇન રિલેશનશિપને ફટકાર લગાવી
આ પણ વાંચો:વિદ્યાર્થીએ શિક્ષકો અંગે મીમ્સ શેર કર્યા,સુપ્રીમ કોર્ટે પરીક્ષા માટે આપી મંજૂરી!
