Surat News/ સુરતમાં ડ્રગ્સ સામે મેગા ડ્રાઈવ: 24 કલાકમાં 17 કેસ, 22 આરોપીઝડપાયા; 72 કિલો ગાંજો અને MD ડ્રગ્સ જપ્ત

ડ્રગ્સના વેચાણ અને હેરાફેરી સાથે સંકળાયેલા લોકો પર નજર રાખીને પોલીસે અલગ-અલગ વિસ્તારોમાં દરોડા (Surat Drug Raid)અને તપાસ હાથ ધરી હતી

Gujarat Surat
સુરત શહેરને નશાના કારોબારથી મુક્ત (Drugs Free Surat) કરાવવા માટે શહેર પોલીસે મેગા કોમ્બિંગ ડ્રાઈવ (Surat Drug Raid)હાથ ધરીને ડ્રગ્સના વેપારીઓ સામે મોટી કાર્યવાહી કરી છે

Surat News : સુરત શહેરને નશાના કારોબારથી મુક્ત (Drugs Free Surat) કરાવવા માટે શહેર પોલીસે મેગા કોમ્બિંગ ડ્રાઈવ (Surat Drug Raid)હાથ ધરીને ડ્રગ્સના વેપારીઓ સામે મોટી કાર્યવાહી કરી છે. છેલ્લા 24 કલાક દરમિયાન પોલીસે NDPS એક્ટ હેઠળ 17 અલગ-અલગ કેસ નોંધીને કુલ 22 આરોપીઓની ધરપકડ કરી છે. આ કાર્યવાહી દરમિયાન 72 કિલોથી વધુ ગાંજો, મેફેડ્રોન (MD Drugs) અને હાઈબ્રિડ ગાંજો સહિત કુલ રૂ.36.88 લાખનો નશીલો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. પકડાયેલા આરોપીઓમાં ગુજરાત ઉપરાંત ઓડિશા, ઉત્તર પ્રદેશ, મહારાષ્ટ્ર અને રાજસ્થાનના લોકોનો પણ સમાવેશ થાય છે.

1. સુરત પોલીસની મેગા ડ્રાઈવમાં 36.88 લાખનો મુદ્દામાલ જપ્ત

સુરત પોલીસ કમિશનર વાબંગ જમીરના માર્ગદર્શન હેઠળ શહેરના તમામ પોલીસ મથકો દ્વારા એકસાથે આ વિશેષ અભિયાન ચલાવવામાં આવ્યું હતું. ડ્રગ્સના વેચાણ અને હેરાફેરી સાથે સંકળાયેલા લોકો પર નજર રાખીને પોલીસે અલગ-અલગ વિસ્તારોમાં દરોડા (Surat Drug Raid)અને તપાસ હાથ ધરી હતી.

આ કાર્યવાહીમાં મેફેડ્રોન (MD Drugs)ના 2 કેસમાં 22.556 ગ્રામ જથ્થો મળી આવ્યો હતો, જેની કિંમત રૂ.68,910 આંકવામાં આવી છે. જ્યારે ગાંજાના (Ganja) 14 કેસમાં 72 કિલો 25 ગ્રામ 799 મિલીગ્રામ જથ્થો જપ્ત કરાયો હતો. તેની કિંમત રૂ.36,03,322 થાય છે. આ ઉપરાંત હાઈબ્રિડ ગાંજાના એક કેસમાં 4.730 ગ્રામ જથ્થો મળી આવ્યો હતો, જેની કિંમત રૂ.16,555 છે.આમ, કુલ 17 કેસમાં 22 આરોપીઓની ધરપકડ સાથે રૂ.36,88,787નો નશીલો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે.

2. સાત ઝોનમાં કાર્યવાહી, ઝોન-1માં સૌથી વધુ 5 કેસ

સુરત શહેરના સાતેય પોલીસ ઝોનમાં આ મેગા ડ્રાઈવ ચલાવવામાં આવી હતી. તેમાં ઝોન-1 સૌથી આગળ રહ્યો હતો. અહીં કુલ 5 NDPS કેસ નોંધાયા હતા. અન્ય ઝોનમાં થયેલી કામગીરીની વિગતો નીચે મુજબ છે.

  • ઝોન-1 (કાપોદ્રા, વરાછા, અશ્વિનીકુમાર, લસકાણા, પુણા): 5 કેસ

  • ઝોન-2 (સલાબતપુરા, લિંબાયત, ઉધના): 3 કેસ

  • ઝોન-3 (ચોકબજાર, મહિધરપુરા): 2 કેસ

  • ઝોન-4 (પાંડેસરા): 1 કેસ

  • ઝોન-5 (રાંદેર, અમરોલી, અડાજણ): 3 કેસ

  • ઝોન-6 (સચીન GIDC, ભેસ્તાન): 2 કેસ

  • ઝોન-7 (પાલ): 1 કેસ

આ આંકડા દર્શાવે છે કે શહેરના અલગ-અલગ વિસ્તારોમાં નશીલા પદાર્થોના વેચાણ અને હેરાફેરી સામે પોલીસ દ્વારા વ્યાપક કાર્યવાહી કરવામાં આવી છે.

3. મજૂરીકામથી પાનના ગલ્લા સુધી, અલગ-અલગ વ્યવસાયની આડમાં કારોબાર

પોલીસની તપાસમાં ઝડપાયેલા આરોપીઓની પૃષ્ઠભૂમિ અંગે પણ વિગતો સામે આવી છે. આરોપીઓમાં કેટલાક મજૂરીકામ કરતા હતા, તો કેટલાક નોકરી, ઘરકામ, મહેંદી મૂકવા અને પાનના ગલ્લા જેવા વ્યવસાય સાથે સંકળાયેલા હતા. પોલીસના જણાવ્યા અનુસાર, આવા વ્યવસાયની આડમાં કેટલાક લોકો નશીલા પદાર્થોના વેચાણ અને હેરાફેરીમાં જોડાયેલા હતા.

ધરપકડ કરાયેલા 22 આરોપીઓમાં ત્રણ મહિલાઓનો પણ સમાવેશ થાય છે. તેમની ઉંમર 18 વર્ષથી લઈને 55 વર્ષ સુધીની હોવાનું સામે આવ્યું છે. અલગ-અલગ વિસ્તારોમાં છૂટક વેચાણ અને નશીલા પદાર્થોની હેરફેરી સાથે સંકળાયેલા લોકો સામે પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

4. પાંચ રાજ્યોના આરોપીઓ ઝડપાયા, બે વર્ષથી ઝીરો ટોલરન્સ નીતિ

આ સમગ્ર કાર્યવાહીમાં આંતરરાજ્ય કનેક્શન પણ સામે આવ્યું છે. ઝડપાયેલા 22 આરોપીઓમાંથી ગુજરાતના 10, ઓડિશાના 5, ઉત્તર પ્રદેશના 4, મહારાષ્ટ્રના 2 અને રાજસ્થાનના એક વ્યક્તિનો સમાવેશ થાય છે. આ વિગતો સુરતમાં નશીલા પદાર્થોના કારોબાર સાથે જોડાયેલા અલગ-અલગ રાજ્યોના લોકોની સંડોવણી તરફ ધ્યાન દોરે છે.

ક્રાઈમ બ્રાન્ચના એડિશનલ પોલીસ કમિશનર કરણ રાજ વાઘેલાએ જણાવ્યું હતું કે, ‘ડ્રગ્સ ફ્રી સુરત સિટી’ના (Drugs Free Surat)લક્ષ્ય સાથે પોલીસ ઝીરો ટોલરન્સ નીતિ અપનાવી રહી છે. તમામ પોલીસ સ્ટેશનના અધિકારીઓને 24 કલાકની વિશેષ ડ્રાઈવ હાથ ધરવા સૂચના આપવામાં આવી હતી. જેના પરિણામે 17 NDPS કેસ નોંધાયા અને 22 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, છેલ્લા બે વર્ષથી આ નીતિ હેઠળ સતત કાર્યવાહી કરવામાં આવી રહી છે. વર્ષ 2026માં 31 ઓક્ટોબર સુધીમાં સુરત પોલીસે NDPS એક્ટ હેઠળ અંદાજે 270 કેસ નોંધ્યા છે. આ કામગીરી સાથે સુરત શહેર પોલીસ ગુજરાતમાં NDPSના કેસ નોંધવામાં અગ્રેસર રહી હોવાનું પણ તેમણે જણાવ્યું હતું.આમ, નશાના કારોબાર સામે સુરત પોલીસની આ મેગા ડ્રાઈવથી ડ્રગ્સના વેચાણ અને હેરાફેરી સાથે સંકળાયેલા નેટવર્ક પર મોટી કાર્યવાહી કરવામાં આવી છે.


આ પણ વાંચો: ડ્રગ્સ કેસના આરોપીઓના 3 ગેરકાયદે મકાનો પર બુલડોઝર, AMC-પોલીસની કાર્યવાહી

આ પણ વાંચો: જામનગરમાં પોલીસ પર હુમલાથી ખળભળાટ, ડ્રગ્સની રેડ કરવા ગયેલી ટીમને ઘેરી પથ્થરમારો; કોન્સ્ટેબલ ઘાયલ

આ પણ વાંચો: અમદાવાદમાં રતનપોળ પાસે MD ડ્રગ્સ-ચરસનો જથ્થો લઈને ફરતો શખસ ઝડપાયો