Gujarat Local Body Election 2026/ 1995 પછી પહેલીવાર સુરત પાલિકા વિપક્ષ વિહોણી બનશે, ‘આપ’ માત્ર 4 પર સમેટાઈ

Surat મહાનગરપાલિકામાં ભાજપે ૧૧૫ બેઠકો જીતીને વિપક્ષોના સૂપડા સાફ કર્યા છે. 1995 પછી પહેલીવાર સુરત પાલિકામાં સત્તાવાર વિપક્ષ નહીં હોય. જાણો ‘આપ’ની હારના કારણો.

Top Stories Gujarat Surat
Surat Municipal Corporation Election Result

Surat Municipal Corporation Election Result: સુરત મહાનગરપાલિકાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીએ તમામ જૂના રેકોર્ડ તોડીને ઇતિહાસ રચી દીધો છે. સુરતીઓએ “પહેલા કમળ અને પછી ખમણ”ના સૂત્રને સાર્થક કરતા ભાજપને રેકોર્ડબ્રેક બહુમતી આપી છે. સતત સાતમી વાર પાલિકામાં ભગવો લહેરાયો છે, પરંતુ સૌથી મોટું આશ્ચર્ય એ છે કે સુરત પાલિકા હવે ‘વિપક્ષ વિહોણી’ બનવા જઈ રહી છે.

Surat : ભાજપનો રેકોર્ડબ્રેક વિજય અને વિપક્ષનો સફાયો

સુરતની જનતાએ ભાજપના વિકાસ મોડલ પર અતૂટ ભરોસો મૂક્યો છે, જેના પરિણામે ચૂંટણીના અંતિમ આંકડાઓમાં ભાજપે 115 બેઠકો સાથે ઐતિહાસિક અને અત્યાર સુધીની સર્વોચ્ચ જીત મેળવી છે. બીજી તરફ, અગાઉ 27 બેઠકો ધરાવતી આમ આદમી પાર્ટી (AAP) આ વખતે સીધી 04 બેઠકો પર આવી ગઈ છે, જ્યારે કોંગ્રેસે લાંબા સમય બાદ માત્ર 01 બેઠક મેળવીને પોતાની હાજરી નોંધાવી છે.

કેમ ડૂબ્યું આમ આદમી પાર્ટીનું વહાણ?

ગઈ ચૂંટણીમાં 27 બેઠકો સાથે ધમાકેદાર એન્ટ્રી કરનાર ‘આપ’ આ વખતે માત્ર 4 બેઠકો પર સમેટાઈ ગઈ છે, જેના મુખ્ય કારણોમાં પક્ષપલટાનો રોષ મહત્વનો રહ્યો છે; અગાઉ જીતેલા 14 કોર્પોરેટરો ભાજપમાં જોડાઈ જતાં મતદારોમાં ભારે આક્રોશ જોવા મળ્યો હતો. આ ઉપરાંત, ‘આપ’ના નેતાઓ સોશિયલ મીડિયા પર સક્રિય હતા પરંતુ તેમની સામે ભાજપનું સાયલન્ટ ‘પેજ પ્રમુખ’ મોડલ જમીન સ્તરે વધુ ભારે પડ્યું હતું. સાથોસાથ બેફામ વાણીવિલાસ અને માત્ર આક્ષેપો કરવાની રાજનીતિ તેમજ સસ્તી પ્રસિદ્ધિ મેળવવાનો પ્રયાસ સુરતીઓને પસંદ ન પડતા પક્ષને મોટું નુકસાન વેઠવું પડ્યું છે.

વિપક્ષી નેતાની ગાડી, બંગલો અને ઓફિસ બધું જ જશે

નિયમ મુજબ, મહાનગરપાલિકામાં સત્તાવાર વિપક્ષનું પદ મેળવવા માટે કુલ બેઠકોના 10% એટલે કે ઓછામાં ઓછી 12 બેઠકો (અથવા કાયદાકીય જોગવાઈ મુજબ લઘુત્તમ સંખ્યા) હોવી જરૂરી છે. પરંતુ અહીં ‘આપ‘ અને કોંગ્રેસ ભેગા મળીને પણ આ આંકડો સ્પર્શી શકતા નથી. 1995 પછી ફરી એકવાર સુરત પાલિકા વિપક્ષી નેતા વગરની હશે. હવે પાલિકાના 11 હજાર કરોડના વહીવટ પર ભાજપનું એકહથ્થુ શાસન રહેશે.

ભાજપની શાંત રણનીતિ કામ કરી ગઈ

ભાજપની સભાઓમાં ભલે ભીડ ઓછી દેખાતી હતી, પરંતુ પરિણામોએ સાબિત કર્યું છે કે ભાજપનું માઇક્રો-મેનેજમેન્ટ વિપક્ષો કરતા ઘણું આગળ છે. ‘આપ’ના પૂર્વ વિપક્ષી નેતા અને ઉપનેતા પણ પોતાની બેઠક બચાવી શક્યા નથી, જે વિપક્ષ માટે આત્મમંથનનો વિષય છે.


આ પણ વાંચો: જેલમાંથી જીત્યા ‘ગુજસીટોક’ના આરોપીઓ! ભાજપના દબદબા વચ્ચે કોંગ્રેસનો સફાયો

આ પણ વાંચો: ભાજપનો 54 વર્ષ જૂનો અભેદ્ય ગઢ ‘ખાડિયા’ ધરાશાયી, કોંગ્રેસની આખી પેનલનો ક્લીન સ્વીપ

આ પણ વાંચો: આ પણ વાંચો: વડોદરા વોર્ડ-1 માં કોંગ્રેસની પેનલ તૂટી, અપક્ષ હરીશ પટેલનો ભવ્ય વિજય