Surat News: સુરત શહેરના ઉધના રોડ નંબર 6 વિસ્તારમાં શનિવારે મોડી રાત્રે થયેલી એક હત્યા (Surat Murder Case)ની ઘટનાએ સમગ્ર શહેરમાં ચકચાર મચાવી દીધી છે. ભાજપ (BJP) સંગઠન સાથે સક્રિય રીતે જોડાયેલા અને ડીંડોલી વોર્ડ યુવા મોરચાના ઉપપ્રમુખ તરીકે કામગીરી સંભાળતા 21 વર્ષીય જય દલાલ પર ત્રણ શખ્સોએ તીક્ષ્ણ હથિયારોથી હુમલો કરી દીધો હતો. ગંભીર રીતે ઇજાગ્રસ્ત હાલતમાં તેમને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત થયું હતું.
માહિતી મુજબ, ઘટનાની રાત્રે જય દલાલને તેમના એક મિત્રનો ફોન આવ્યો હતો. ત્યારબાદ તેમણે પરિવારને જણાવ્યું હતું કે તેઓ મોડા આવશે અને જમવાનું નહીં કરે. થોડા સમય બાદ પરિવારને સીધો હોસ્પિટલમાંથી ફોન આવ્યો હતો, જેને લઈને પરિવાર પર આભ તૂટી પડ્યું હતું.જય દલાલ ભાજપના સ્થાનિક સંગઠનમાં સક્રિય યુવા ચહેરા તરીકે ઓળખાતા હતા. તેઓ ધારાસભ્ય સંગીતાબેન પાટીલની નજીકના કાર્યકરોમાં ગણાતા હતા. તેમની હત્યાના સમાચાર બહાર આવતા રાજકીય તેમજ સામાજિક વર્તુળોમાં ભારે ચર્ચા શરૂ થઈ ગઈ છે.

માતાનો આક્ષેપ: “મારા એકના એક દીકરાની નિર્દયી હત્યા (Surat Murder Case) થઈ”
મૃતક જય દલાલની માતાએ આ ઘટનાને લઈને ગંભીર આક્ષેપો કર્યા છે. તેમના જણાવ્યા અનુસાર, મિલિન ચકલી, પંકજ પાટીલ સહિત ત્રણ શખ્સોએ મળીને તેમના પુત્ર પર હુમલો કર્યો હતો. તેમણે કહ્યું કે હોસ્પિટલ પહોંચ્યા બાદ જય દલાલ માત્ર એટલું કહી શક્યા હતા કે “મમ્મીને ફોન કરો”, ત્યારબાદ તેમની સાથે કોઈ વાત થઈ શકી નહોતી.પરિવારે આરોપીઓને કડક સજા આપવા માંગ કરી છે. માતાએ જણાવ્યું હતું કે તેમનો પુત્ર કોઈ સાથે દુશ્મની રાખતો નહોતો અને આરોપીઓ અગાઉ પણ અનેક ગુનાઓમાં સંડોવાયેલા રહ્યા છે.
Surat Murder Case: ACPએ શું કહ્યું?
આ સમગ્ર મામલે ACP ચિરાગ વાડોદરિયાએ જણાવ્યું હતું કે ઘટના રાત્રે આશરે 12:30 વાગ્યાની આસપાસ બની હતી. જય દલાલ તેમના મિત્રો સાથે રોડ નંબર 6 પર આવેલી એક ભંગારની દુકાન નજીક ઊભા હતા, ત્યારે બાઇક પર આવેલા ત્રણ શખ્સોએ તેમના પર ચપ્પુ વડે હુમલો કર્યો હતો.પોલીસે પ્રાથમિક તપાસમાં આરોપીઓની ઓળખ કિશન ઉર્ફે ચકલી સોમાભાઈ પરમાર, પંકજ પાટીલ અને મિલિંદ કોળી તરીકે કરી છે. હુમલા બાદ જય દલાલને હોસ્પિટલ લઈ જવાયા હતા, જ્યાં તેઓએ અંતિમ શ્વાસ લીધા હતા.

ત્રણ મહિના જૂના ઝઘડાની દિશામાં તપાસ
પોલીસ તપાસમાં જાણવા મળ્યું છે કે લગભગ ત્રણ મહિના પહેલા મૃતક અને આરોપીઓ વચ્ચે કોઈ મુદ્દે ઝઘડો થયો હતો. આ જ જૂની અદાવત હત્યાનું કારણ હોઈ શકે તેવી આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.પોલીસ મુજબ, આરોપી કિશન ઉર્ફે ચકલી પર અગાઉથી પણ અનેક ગુનાઓ નોંધાયેલા છે અને તેના વિરુદ્ધ PASA હેઠળ કાર્યવાહી પણ થઈ ચૂકી છે. હાલ પોલીસ દ્વારા આરોપીઓને પકડવા માટે અલગ-અલગ ટીમો કાર્યરત કરવામાં આવી છે.આ ઘટનાએ સુરત શહેરમાં કાયદો અને વ્યવસ્થાને લઈને ફરી સવાલો ઊભા કર્યા છે. સ્થાનિક લોકોમાં પણ ભય અને રોષનો માહોલ જોવા મળી રહ્યો છે.
આ પણ વાંચો:સુરતમાં હત્યાના આરોપીનું ‘હાફ એન્કાઉન્ટર’
આ પણ વાંચો:સુરતમાં કરોડપતિ કુટુંબની પુત્રવધુની આત્મહત્યાઃ હાઈપ્રોફાઇલ કુટુંબોમાં પણ તનાવ અને સંઘર્ષ !
આ પણ વાંચો:સુરત પોલીસે 24 વર્ષથી ભાગતા ફરતા હત્યાના આરોપીને ઝડપ્યો
