Surat Tapi River Collective Suicide: સુરત શહેરમાં વરિયાવ બ્રિજ નજીક એક પરિણીત યુવતી અને પરિણીત યુવકના મોતનો બનાવ સામે આવ્યો છે. પ્રાથમિક માહિતી મુજબ, વરાછામાં રહેતી 29 વર્ષીય પરિણીતા અને ઉત્રાણના 40 વર્ષીય પરિણીત યુવક વચ્ચે પરિચય બાદ પ્રેમસંબંધ હતો. બંને વરિયાવ બ્રિજ નીચે સિદ્ધનાથ મહાદેવ મંદિર નજીક તાપી નદીના કાંઠે બેભાન હાલતમાં મળી આવ્યા હતા. સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા બાદ બંનેના મોત થયા હતા. પ્રાથમિક તપાસમાં અંગત મનદુઃખને કારણે બંનેએ આ પગલું ભર્યું હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે.
પત્ની ઘરે પરત ન ફરતાં પરિવાર ચિંતામાં
મૂળ મહારાષ્ટ્રની વતની અને હાલ વરાછા (Surat ) વિસ્તારમાં રહેતી 29 વર્ષીય યુવતી, નામ બદલ્યું છે, મંગળવારે સવારે સફાઈ કામ માટે ઘરેથી નીકળી હતી. સાંજ સુધી તે ઘરે પરત ન ફરતાં તેના પતિએ મોબાઇલ પર સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો હતો. આ દરમિયાન ફોન અન્ય વ્યક્તિએ ઉપાડ્યો હતો અને યુવતી તથા એક યુવક વરિયાવ બ્રિજ નજીક બેભાન હાલતમાં મળ્યા હોવાની જાણ કરી હતી.
હોસ્પિટલમાં સારવાર દરમિયાન બંનેના મોત
માહિતી મળતાં પરિવારજનો ઘટનાસ્થળે (Surat) પહોંચ્યા હતા અને બંનેને 108 એમ્બ્યુલન્સ મારફતે સ્મીમેર હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. તબીબી તપાસ બાદ યુવકને મૃત જાહેર કરવામાં આવ્યો હતો. બીજી તરફ યુવતીની સ્થિતિ ગંભીર હોવાથી તેને વધુ સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી, પરંતુ સારવાર દરમિયાન તેનું પણ મોત થયું હતું.
બંનેના લગ્ન થઈ ચૂક્યા હતા
પોલીસની (Surat) પ્રાથમિક તપાસમાં યુવકની ઓળખ ઉત્રાણ લેક ગાર્ડન નજીક રહેતા 40 વર્ષીય પરેશ નાનજી ચૌહાણ તરીકે થઈ છે. પોલીસ તપાસ મુજબ પરેશ પરિણીત હતો. બીજી તરફ યુવતીના પણ આશરે 12 વર્ષ પહેલાં લગ્ન થયા હતા અને તેને એક પુત્ર તથા એક પુત્રી હોવાનું સામે આવ્યું છે. તેના પતિ પાલિકાના વરાછા ઝોનમાં ફરજ બજાવે છે.
એક જ સ્થળે કામ દરમિયાન થયો પરિચય
પ્રાથમિક માહિતી પ્રમાણે બંને એક જ સ્થળે કામ કરતા હોવાથી તેમની વચ્ચે પરિચય થયો હતો અને બાદમાં બંને વચ્ચે સંબંધો બંધાયા હતા. બંને પરિણીત હોવા છતાં સંપર્કમાં રહેતા હતા. કોઈ અંગત કારણોસર બંને વચ્ચે મનદુઃખ અથવા વિવાદ થયો હોવાની પોલીસને આશંકા છે. જોકે, બનાવ પાછળનું ચોક્કસ કારણ હજુ સ્પષ્ટ થયું નથી. આ મામલે સિંગણપોર પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. પોલીસ બંનેના સંબંધો, ઘટનાક્રમ અને મોત પાછળના ચોક્કસ કારણ અંગે વધુ તપાસ કરી રહી છે.
