Ahmedabad News : અમદાવાદમાં શિક્ષણ વ્યવસ્થાને લઈને મોટો વિવાદ સામે આવ્યો છે. શહેરની અનેક શાળાઓમાં શિક્ષકો દ્વારા વિદ્યાર્થીઓને બ્લેકમેલ કરીને ટ્યુશન (Tuition)કરાવવામાં આવતું હોવાનો ગંભીર આક્ષેપ કરવામાં આવ્યો છે. આ મુદ્દે આજે અમદાવાદ એજ્યુકેશન ગ્રુપ અને ફેડરેશન દ્વારા જિલ્લા શિક્ષણાધિકારી (DEO) કચેરી બહાર ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું.
વિદ્યાર્થી ટ્યુશન(Tuition) નહીં રાખે તો ઈન્ટરનલ માર્ક્સ કાપી નાખવાની ધમકી

પ્રદર્શનકારીઓએ આક્ષેપ કર્યો કે કેટલાક શિક્ષકો શાળામાં યોગ્ય રીતે ભણાવતા નથી અને વિદ્યાર્થીઓને ખાનગી ટ્યુશનમાં આવવા માટે દબાણ કરે છે. જો વિદ્યાર્થી ટ્યુશન નહીં રાખે તો ઈન્ટરનલ માર્ક્સ કાપી નાખવાની ધમકી આપવામાં આવે છે, જેના કારણે વિદ્યાર્થીઓ અને વાલીઓ પર માનસિક દબાણ સર્જાઈ રહ્યું છે.
ફેડરેશનના સભ્યો મુજબ, ‘ટ્યુશન અધિનિયમ એક્ટ 2002’ અનુસાર કોઈ પણ શાળાનો શિક્ષક ખાનગી ટ્યુશન કરી શકતો નથી. છતાં શહેરની કેટલીક નામી શાળાઓમાં આ કાયદાનું ઉલ્લંઘન થઈ રહ્યું હોવાનો આરોપ છે.
આ સાથે જ ગેરકાયદે ચાલી રહેલી ડે-સ્કૂલનો મુદ્દો પણ ઉઠાવવામાં આવ્યો હતો. રજૂઆત મુજબ રાજ્યમાં ડે-સ્કૂલ માટે કોઈ સત્તાવાર મંજૂરી નથી, છતાં કેટલીક શાળાઓ સવારથી સાંજ સુધી ડે-સ્કૂલ ચલાવી રહી છે અને વાલીઓ પાસેથી વધુ ફી વસૂલવામાં આવી રહી છે.
પ્રદર્શનકારીઓએ ચેતવણી આપી છે કે આગામી બે દિવસમાં ગેરકાયદે ડે-સ્કૂલ અને ટ્યુશન(Tuition) પ્રથા પર રોક લગાવવામાં નહીં આવે તો આંદોલન વધુ ઉગ્ર બનાવવામાં આવશે.
