Tharad Municipality BJP Victory: રાજ્યની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પરિણામોએ રાજકીય પંડિતોને પણ વિચારતા કરી દીધા છે. ભાજપ એકંદરે આગળ હોવા છતાં, કેટલાક એવા કિલ્લાઓ ધરાશાયી થયા છે જેની કલ્પના કોઈએ નહોતી કરી. ક્યાંક આઝાદી પછી પહેલીવાર ભગવો લહેરાયો છે, તો ક્યાંક વિકાસના નામે થયેલી તોડફોડ ભાજપને ભારે પડી છે.
Tharad માં આઝાદી પછી પહેલીવાર ભાજપની જીત
કોંગ્રેસના કદાવર નેતા ગેનીબેન ઠાકોરના ગઢ ગણાતા વાવ-થરાદ વિસ્તારમાં ભાજપે ઐતિહાસિક ગાબડું પાડ્યું છે. થરાદ નગરપાલિકામાં આઝાદી પછી પહેલીવાર ભાજપનો વિજય થયો છે. નવો જિલ્લો બન્યા બાદ યોજાયેલી આ પ્રથમ ચૂંટણીમાં જનતાએ ભાજપ પર ભરોસો મૂકીને કોંગ્રેસના વર્ષો જૂના શાસનનો અંત આણ્યો છે.
બગસરામાં ‘આપ’ નો પાવર, ભાજપ-કોંગ્રેસ સાફ
અમરેલીના બગસરા તાલુકા પંચાયતમાં આમ આદમી પાર્ટીએ (AAP) સત્તાના સમીકરણો બદલી નાખ્યા છે. 16 બેઠકોમાંથી 9 બેઠકો પર વિજય મેળવીને ‘આપ’ એ કબજો કર્યો છે. આ સાથે જ ધારીના ધારાસભ્ય જે.વી. કાકડીયાના ગઢમાં મોટું ગાબડું પડ્યું છે. ગોપાલ ઇટાલિયાના વિસ્તાર વિસાવદરની નજીક હોવાનો ફાયદો પણ અહીં આમ આદમી પાર્ટીને મળ્યો હોય તેમ જણાય છે.
અંબાજીમાં ‘કોરિડોર’ ભાજપને નડ્યો
યાત્રાધામ અંબાજીમાં ભાજપના મજબૂત કિલ્લાને કોંગ્રેસે ધ્વસ્ત કર્યો છે. અંબાજી તાલુકા પંચાયતની બેઠક નંબર 1, 2 અને 3 પર કોંગ્રેસના ઉમેદવારો વિજેતા થયા છે. અહીં જીત પાછળનું મુખ્ય કારણ ‘અંબાજી કોરિડોર’ વિકાસ અંતર્ગત થયેલી દબાણ હટાવવાની કામગીરી સામેનો જનરોષ મનાઈ રહ્યો છે. લોકોના ઘર તૂટતા મતદારોએ ભાજપ વિરુદ્ધ મતદાન કરીને પોતાનો આક્રોશ વ્યક્ત કર્યો છે.
સુરતમાં 5 વર્ષ પછી કોંગ્રેસનું પુનરાગમન
સુરત મહાનગરપાલિકામાં છેલ્લા પાંચ વર્ષથી ખાતું ખોલાવવા તરસતી કોંગ્રેસે આખરે સફળતા મેળવી છે. વોર્ડ નંબર 12 (નાણાવટ-સૈયદપુરા) માં ભાજપની પેનલ તૂટી છે. કોંગ્રેસના ઉમેદવાર અરશદ જરીવાલાએ શાનદાર જીત મેળવીને સુરતમાં કોંગ્રેસની એન્ટ્રી કરાવી છે, જેનાથી કાર્યકરોમાં નવો ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
ભૂજમાં AIMIM એ મચાવ્યો કમાલ
ભૂજના વોર્ડ 1 માં સૌને ચોંકાવતા પરિણામો આવ્યા છે. અહીં 3 બેઠકો પર AIMIM અને 1 બેઠક પર કોંગ્રેસનો વિજય થયો છે. ભાજપ, કોંગ્રેસ અને આપની ત્રિપાંખિયા જંગ વચ્ચે AIMIM એ બાજી મારી લેતા રાજકીય ગણિતો ખોરવાઈ ગયા છે.
આ પણ વાંચો:ભેંસાણ જિલ્લા પંચાયતની બેઠક પર પૂર્વ ધારાસભ્ય ભૂપત ભાયાણી હાર્યા
આ પણ વાંચો:સુરતમાં આમ આદમી પાર્ટીના મહામંત્રી પ્રદેશ મહામંત્રી મનોજ સોરઠિયાનો પરાજય થતા આંચકો
આ પણ વાંચો: આ પણ વાંચો:રાજકોટમાં ભાજપને જંગલેશ્વરમાં ડિમોલિશન નડ્યુ, કોંગ્રેસની આખી પેનલ જીતી
