હોબાળો/ BULLI BAI એપ પર મુસ્લિમ મહિલાઓની હરાજી મામલે ભારે હોબાળો,કેસ નોંધાયો

આ એપ પર મુસ્લિમ મહિલાઓ વિશે અભદ્ર ટિપ્પણી કરવામાં આવી રહી છે અને તેમની તસવીરો અપલોડ કરવામાં આવી છે.

Top Stories India
MUSLIM BULLI BAI એપ પર મુસ્લિમ મહિલાઓની હરાજી મામલે ભારે હોબાળો,કેસ નોંધાયો

હવે સોશિયલ મીડિયા પર એક એપને લઈને હોબાળો મચી ગયો છે, આ એપનું નામ છે ‘બુલ્લી બાઈ’. આરોપ છે કે આ એપ પર મુસ્લિમ મહિલાઓ વિશે અભદ્ર ટિપ્પણી કરવામાં આવી રહી છે અને તેમની તસવીરો અપલોડ કરવામાં આવી છે. આટલું જ નહીં આ તસવીરો સાથે ડીલ થઈ રહી હોવાનો પણ આરોપ છે. આ મામલામાં હંગામો ત્યારે થયો જ્યારે એક મહિલા પત્રકારના ફોટા પણ વાંધાજનક સામગ્રી સાથે શેર કરવામાં આવી રહ્યા છે. શિવસેનાના સાંસદ પ્રિયંકા ચતુર્વેદીએ પણ આ મામલે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.

વાસ્તવમાં આરોપ છે કે ‘બુલ્લી બાઈ’ નામની એપ પર મુસ્લિમ મહિલાઓની તસવીરો સાથે છેડછાડ કરવામાં આવી રહી છે. તેનો ઉપયોગ સોશિયલ મીડિયા પર હેશટેગ તરીકે પણ થઈ રહ્યો છે. મહિલા પત્રકારે આરોપ લગાવ્યો કે તેની સાથે પણ આવું જ કરવામાં આવ્યું છે, તેના તરફથી પોલીસમાં ફરિયાદ પણ કરવામાં આવી છે. આ મામલો ઉઠાવતા, શિવસેનાના સાંસદ પ્રિયંકા ચતુર્વેદીએ શનિવારે કહ્યું કે હોસ્ટિંગ પ્લેટફોર્મ GitHub નો ઉપયોગ કરીને સેંકડો મુસ્લિમ મહિલાઓના ફોટા એક એપ પર અપલોડ કરવામાં આવ્યા છે.

પ્રિયંકા ચતુર્વેદીએ કહ્યું કે તેણે આ મામલો મુંબઈ પોલીસ પાસે ઉઠાવ્યો છે અને ગુનેગારોની વહેલી તકે ધરપકડ કરવામાં આવે તેવી માંગ કરી છે. તેણે ટ્વિટ કર્યું કે તેણે મુંબઈ પોલીસ કમિશનર અને ડેપ્યુટી કમિશનર ઑફ પોલીસ, ક્રાઈમ રશ્મિ કરંદીકર સાથે વાત કરી છે. તેઓ તેની તપાસ કરશે. મહારાષ્ટ્રના ડીજીપીને દરમિયાનગીરી કરવા વાત કરી હતી. આશા છે કે આવી ખોટી સાઈટ પાછળના લોકો પકડાઈ જશે.

આ ઉપરાંત, તેમણે કહ્યું કે મેં માહિતી પ્રૌદ્યોગિકી મંત્રી માનનીય અશ્વિની વૈષ્ણવને વિનંતી કરી છે કે આવા જેટલા સોશિયલ  પ્લેટફોર્મ છે કે જેના દ્વારા મહિલાઓને ટાર્ગેટ કરી રહ્યા છે તેમની સામે કડક કાર્યવાહી કરે. તે શરમજનક છે કે તેની અવગણના કરવામાં આવી રહી છે. બીજી તરફ, મુંબઈ પોલીસે એક નિવેદનમાં જણાવ્યું હતું કે આ બાબતને ધ્યાનમાં લેવામાં આવી છે અને સંબંધિત અધિકારીઓને પગલાં લેવા માટે કહેવામાં આવ્યું છે.

એક અધિકારીએ જણાવ્યું કે મુંબઈ સાયબર પોલીસે વાંધાજનક સામગ્રીના સંબંધમાં તપાસ શરૂ કરી છે. ઉલ્લેખનીય છે કે  કે બુલ્લી બાઈની જેમ સુલી ડીલ પણ એક એપ છે જેના પર આરોપ છે કે અહીં પણ મુસ્લિમ મહિલાઓની તસવીરો શેર કરવામાં આવી છે અને તેમના પર અભદ્ર ટિપ્પણી કરવામાં આવી છે.