ભારત સામે ચીન પોતાની હરકતોથી બહાર આવવાનું નામ લેતું નથી. ગત વર્ષે ડોકલામમાં થયેલા સૈન્ય ગતિરોધ બાદ પણ તેણે 4057 કિલોમીટરના લાઈન ઓફ એક્ચ્યુલ કંટ્રોલ (એલએસી)માં અલગ અલગ જગ્યાઓ પર ભારતીય સીમા પર ઘૂસણખોરી કરવાનું યથાવત રાખ્યું છે. તાજેતરમાં જ આ પ્રકારની ઘટના ગત મહિને લદ્દાખના ડેમચોક સેક્ટરમાં બની હતી. અહીં ચીનની પીપલ્સ લિબરેશન આર્મી (પીએલએ)ના જવાન ભારતીય સીમા માં 300થી 400 મીટર સુધી ઘૂસી આવ્યા હતા અને પાંચ તંબુ ખોડી દીધા હતા. રક્ષા પ્રતિષ્ઠાન સાથે જોડાયેલા સૂત્રોએ કહ્યું કે પીએલએએ પોતાના ત્રણ ટેન્ટને ચેરડોંગ-નેરલોંગ ક્ષેત્રથી બન્ને સેનાઓ વચ્ચે બ્રિગેડિયર સ્તરની વાતચીત બાદ હટાવી લીધા છે પરંતુ બચેલા બે ટેન્ટમાં ચીનના સૈનિક હજુ પણ રહે છે. જ્યારે સેનાને આ અંગે પૂછવામાં આવ્યું તો તેમણે આ મામલે કંઈ પણ કહેવાનો ઈનકાર કરી દીધો હતો.
સૂત્રોના જણાવ્યા મુજબ પીએલએના સૈનિક જૂલાઈના પહેલાં સપ્તાહમાં સામાન્ય લોકોના વેશમાં મવેશિયો સાથે ભારતીય સીમા માં ઘૂસી આવ્યા હતા અને ભારતીય જવાનોના વારંવારના કહેવા છતાં પણ પરત ફર્યા નહોતા. એલઓસી પર અથડામણ રોકવા માટે ભારતીય સૈનિકોએ બેનર ડ્રીલ કરી હતી એટલે તેમને ઝંડા બતાવીને પોતાના ક્ષેત્રમાં પરત ફરી જવા કહ્યું હતું. જો કે સેનાના આ પ્રયાસ છતાં ચીની સૈનિકો પરત ગયા નહોતા.
એક સૂત્રએ જણાવ્યું કે જ્યારે ભારતે પોતાના હરિફ પર બ્રિગેડિયર સ્તરની વાતચીત માટે દબાણ બનાવ્યું તો ચીને ત્રણ ટેન્ટ હટાવી લીધા હતાં. સૂત્રોએ કહ્યું કે ચીની સૈનિકોએ નેરલોંગ વિસ્તારમાં સડક બનાવવાની લદ્દાખ તંત્રની કોશિશોની ફરિયાદ કરી હતી. ડેમચોક એ 23 સંવેદનશીલ અને વિવાદિત ક્ષેત્રમાં સામેલ છે જેની ઓળખ એલએસી પર થઈ છે. આ ક્ષેત્ર પૂર્વી લદ્દાખથી અરુણાચલ પ્રદેશ સુધી ફેલાયેલું છે.