કેન્દ્ર સરકારે કોર્ટમાં હિન્દુની વસ્તી જે રાજ્યમાં ઓછી હોય તેમાં લઘુમતીમાં તેમની ગણતરી થાય અને તેમે તે દરજજો આપવામાં આવે. સરકારેસુપ્રીમ કોર્ટને કહ્યું છે કે રાજ્યો પોતાના અધિકારમાં કોઈપણ સમુદાય અથવા ભાષાને લઘુમતીનો દરજ્જો આપી શકે છે. તે તેમના અધિકારક્ષેત્ર હેઠળ આવે છે. રાષ્ટ્રીય લઘુમતી આયોગની રચનાને પડકારતી અરજી પર કેન્દ્રએ આ જવાબ દાખલ કર્યો છે. આ અરજીમાં દરેક રાજ્યમાં વસ્તીના હિસાબે લઘુમતીઓના નિર્ધારણની માંગ કરવામાં આવી છે.
ભાજપના નેતા અને વકીલ અશ્વિની ઉપાધ્યાયે 1992ના રાષ્ટ્રીય લઘુમતી આયોગ અધિનિયમ અને 2004ના રાષ્ટ્રીય લઘુમતી આયોગ એજ્યુકેશન ઈન્સ્ટિટ્યૂશન એક્ટને પડકાર્યો છે. તેમનું કહેવું છે કે 9 રાજ્યોમાં હિન્દુઓ લઘુમતી છે. લદ્દાખમાં હિન્દુઓની વસ્તી 1 ટકા છે. મિઝોરમમાં 2.75 ટકા, લક્ષદ્વીપમાં 2.77 ટકા, કાશ્મીરમાં 4 ટકા, નાગાલેન્ડમાં 8.74 ટકા, મેઘાલયમાં 11.52 ટકા, અરુણાચલ પ્રદેશમાં 29.24 ટકા, પંજાબમાં 38.49 ટકા અને મણિપુરમાં 41.29 ટકા હિંદુ વસ્તી છે. પરંતુ તેમ છતાં તેમને સરકારી યોજનાઓ લાગુ કરતી વખતે લઘુમતીઓ માટે નક્કી કરાયેલો કોઈ લાભ મળતો નથી.
અરજીમાં 2002ના TMA પાઈ વિરુદ્ધ કર્ણાટક કેસમાં સુપ્રીમ કોર્ટના નિર્ણયનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. ત્યારે સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે જે લોકો કોઈપણ ક્ષેત્રમાં ઓછી સંખ્યામાં છે તેઓને બંધારણની કલમ 30 (1) હેઠળ તેમના ધર્મ અને સંસ્કૃતિની રક્ષા માટે શાળા, કોલેજો ખોલવાનો અધિકાર છે. ઉપાધ્યાય કહે છે કે જે રીતે લઘુમતીઓ દેશભરમાં ચર્ચ સંચાલિત શાળાઓ અથવા મદ્રેસાઓ ખોલે છે, તે રીતે 9 રાજ્યોમાં હિન્દુઓને પણ મંજૂરી આપવી જોઈએ. આ શાળાઓને વિશેષ સરકારી રક્ષણ મળવું જોઈએ.
આ મામલે સુપ્રીમ કોર્ટે 28 ઓગસ્ટ 2020ના રોજ નોટિસ જારી કરી હતી. આ વર્ષે 7 જાન્યુઆરીએ કોર્ટે સરકારને જવાબ દાખલ કરવાની છેલ્લી તક આપી હતી. જસ્ટિસ સંજય કિશન કૌલ અને એમએમ સુંદરેશની ખંડપીઠે, આ વર્ષે 31 જાન્યુઆરીએ, કેન્દ્રીય લઘુમતી કલ્યાણ મંત્રાલય દ્વારા જવાબ દાખલ કરવામાં ઘણા વિલંબથી નારાજ થઈને 7500 રૂપિયાનો ટોકન દંડ ફટકાર્યો હતો.
કેન્દ્રએ અરજીના જવાબમાં કહ્યું છે કે રાષ્ટ્રીય લઘુમતી આયોગનું બંધારણ સંપૂર્ણપણે બંધારણીય છે. લઘુમતી કલ્યાણ એ બંધારણની સમવર્તી યાદીમાં એક વિષય છે. રાજ્યો આ અંગે કાયદો પણ બનાવી શકે છે. એવું નથી કે સંસદ દ્વારા બનાવવામાં આવેલ કાયદો રાજ્યને તેના પ્રદેશમાં કોઈપણ સમુદાય અથવા ભાષાને લઘુમતીનો દરજ્જો આપતા અટકાવે છે.
કેન્દ્ર સરકારે પોતાના સોગંદનામામાં મહારાષ્ટ્ર અને કર્ણાટકનું ઉદાહરણ આપ્યું છે. કેન્દ્રએ કહ્યું છે કે મહારાષ્ટ્રે તેના રાજ્યમાં યહૂદી સમુદાયને લઘુમતીનો દરજ્જો આપ્યો છે. એ જ રીતે કર્ણાટકમાં ઉર્દૂ, તેલુગુ, તમિલ, મલયાલમ, તુલુ, હિન્દી, લમાણી, કોંકણી અને ગુજરાતીને લઘુમતી ભાષાઓનો દરજ્જો આપવામાં આવ્યો છે.