Special/ ફેબ્રુઆરી ફેસ્ટિવલ મજા તો આવશે જ..

વાત માત્ર વૅલેન્ટાઇન-ડે કે પછી વૅલેન્ટાઇન વીક નથી પરંતુ પુરા પંદર દિવસની સુંદર સફરની છે, આ મહિનામાં  એક પછી એક જુદા-જુદા દિવસ અને તેની સાથે વહેંચાતી લાગણીઓની વાત છે

Mantavya Exclusive Trending
1 5 ફેબ્રુઆરી ફેસ્ટિવલ મજા તો આવશે જ..

‘બધીયે અટકળોનો એવી રીતે અંત મળે, કોઈ પરબીડિયામાં જે રીતે વસંત મળે’ વસંતના વાયરા વિતેલાં વર્ષોમાં યુવાનોને લાગણીની આપ-લે કરાવતા હતા. એવી જ રીતે આજની જનરેશન માટે ફેબ્રુઆરી મહિનો છે. વાત માત્ર વૅલેન્ટાઇન-ડે કે પછી વૅલેન્ટાઇન વીક નથી પરંતુ પુરા પંદર દિવસની સુંદર સફરની છે. આ મહિનામાં  એક પછી એક જુદા-જુદા દિવસ અને તેની સાથે વહેંચાતી લાગણીઓની વાત છે.

યુવાનો માટે વર્ષમાં સૌથી ફેવરિટ મહિનો હોય તો તે ફેબ્રુઆરી છે. થોડાં વર્ષો પહેલાં આ મહિનામાં માત્ર વેલેન્ટાઈન વૅલેન્ટાઇન-ડેની જ ઉજવણી કરવામાં આવતી હતી. ધીમે-ધીમે વૅલેન્ટાઇન વીકની શરૃઆત થઈ અને હવે તો ૭ તારીખથી લઈને ૨૧ તારીખ સુધીનો નવો જ ફેસ્ટિવલ શરૃ થયો છે. તહેવાર એટલા માટે કહી શકાય કે આ દિવસોમાં યુવાનો પોતાની ઇચ્છા પ્રમાણે જુદા-જુદા દિવસોને એન્જોય કરે છે. પ્રેમમાં કોઈની હાર તો કોઈની જીત થાય છે. સ્કૂલ સમયથી મિત્ર બનવાની ભાવના રાખતા યુવાનો ગિફ્ટ, ચોકલેટ, રોઝ આપીને વર્ષો સુધી દોસ્તી નિભાવવાના બંધનમાં બંધાઈ જાય છે. એ જુદી વાત છે કે દોસ્તી કે પ્રેમ કેટલો સમય ટકી રહે છે. તો બીજી બાજુ લગ્ન કરી ઠરીઠામ થયેલા અને ઉંમરના પડાવ પાર કરી ચૂકેલી વ્યક્તિઓ પણ આ દિવસોમાં પોતાની જૂની યાદો તાજી કરે છે અને નવી યાદો બનાવે છે.

7થી 21 તારીખની સફર…

2 6 ફેબ્રુઆરી ફેસ્ટિવલ મજા તો આવશે જ..

ફેસ્ટિવલ-ડેની ઉજવણી શરૃ થઈ ગઈ છે. ઘણા ઓછા લોકો જાણતા હશે કે સાત તારીખથી શરૃ થતા ડે છેક એકવીસ તારીખ સુધી ઉજવવામાં આવે છે. ૭- રોઝ-ડે, ૮-પ્રપોઝ-ડે, ૯-ચોકલેટ-ડે, ૧૦-ટેડી-ડે, ૧૧-પ્રોમિસ-ડે, ૧૨-હગ-ડે, ૧૩-કિસ-ડે, ૧૪- વેલેન્ટાઇન-ડે, ૧૫- સ્લેપ ડે, ૧૬- કિક-ડે, ૧૭-પરફ્યુમ ડે, ૧૮-ફ્લર્ટિંગ ડે, ૧૯-કન્ફેશન ડે, ૨૦- મિસિંગ ડે અને આ દિવસો દરમિયાન એકબીજાને સંપૂર્ણ જાણવાની વાતો કરતા યુવાનોને જો એકબીજાનો સાથ પસંદ ના આવે તો તે યુવાનો ૨૧ તારીખે બ્રેકઅપ ડે ઉજવી પોતાના સંબંધો પર પૂર્ણવિરામ મુકે છે.

તમારી માટે વિશ્વ અને મારું વિશ્વ તમે..

suhani ફેબ્રુઆરી ફેસ્ટિવલ મજા તો આવશે જ..

ફેબ્રુઆરીની 7 તારીખ એટલે રોઝ ડે, યુવાનો માટે સૌથી ફેવરીટ દિવસ, પરંતુ હવે આ દિવસ માત્ર યુવાનો પૂરતોજ સીમિત નથી રહ્યો, કારણ કે હવે રોઝ ડેના દિવસે કોઇ પણ વ્યક્તિ પોતાના જીવનની ખાસ વ્યક્તિને ગુલાબ આપીને લાગણી વહેંચે છે. ‘તમે જ મારા દાતા અને તમે જ મારું જીવન..તમારી માટે વિશ્વ અને મારું વિશ્વ તમે..’ આ શબ્દોમાં નિતરતો પ્રેમ એક દીકરીનો છે જે તેના પિતા માટે છે. સુહાની જોષી મંતવ્ય સાથે વાત કરતા કહે છે, “આમ તો વર્ષના બારે મહિના મારા પિતા માટે પ્રેમ છલકતો જ રહે છે અને મને જ્યારે પણ ઇચ્છા થાય તેમને ગુલાબ આપું છું. મને ફૂલ ખૂબ ગમે છે અને લાગણી માટે ફૂલથી વધારે શું હોઇ શકે. હું રોઝ ડેના દિવસે મારા પિતાને લાલ ગુલાબ આપું છું અને તેની સાથે આપું છું અકલ્પનીય પ્રેમ. તેઓ મારા પિતા જ નથી, બેસ્ટ ફ્રેન્ડ, વેલવિશર, માર્ગદર્શક અને મારી દુનિયા છે. મારા માટેગુલાબના રંગો નહીં, પરંતુ તેમાં રહેલું સન્નમાન, લાગણી અને તેમાંથી વ્યક્ત થતો પ્રેમ મહત્વનો છે. હું સમજણી થઇ ત્યારથી જ મારા માટે ફેબ્રુઆરી મહિનો ફેસ્ટિવલ જેવો રહ્યો છે અને મારા પપ્પા આ ફેસ્ટિવલનો પ્રાણ છે. હું હંમેશા કહું છું અને આજે પણ કહીશ, આઇ લવ યુ પપ્પા..હેપી રોઝ-ડે..”

મારી લાગણી માત્ર તમે જ સમજો છો..

મન ફેબ્રુઆરી ફેસ્ટિવલ મજા તો આવશે જ..

‘તમે મારી દુનિયા છો અને તમારા જેવું દુનિયામાં બીજું કોઇ નથી. મારી લાગણીને માત્ર તમે જ સમજો છો. કોઇ પણ સ્થિતીમાં તમે મને આગળ વધતા રહેવાની શક્તિ અને પ્રેરણા આપો છો. તમે મારું બ્રહ્માંડ છો મારા વ્હાલા મમ્મી.. હું તમને પ્રોમીસ કરું છું કે તમારા સંસ્કારોનું કાયમ જતન કરીશ.’ આ શબ્દો છે ધોરણ 12માં અભ્યાસ કરતાં મન ધીરેન શાહના. આમ તો દરેક દીકરી તેના પિતા સાથે અને દીકરો તેની માતા સાથે એટેચ હોય છે જ પરંતુ મન માટે તેનું વિશ્વ તેની માતા છે, 11 ફેબ્રુઆરી, 2022 પ્રોમિસ ડેના દિવસે મન તેની માતાને સંસ્કારોનું જતન કરશે તેવી પ્રોમિસ કરવાનો છે. વાત જરા નવાઇ પમાડે તેવી છે પરંતુ મન તેની મમ્મીને દર વર્ષે પ્રોમિસ ડેના દિવસે વચન આપે છે. છેલ્લાં ત્રણ વર્ષથી મન માટે આ દિવસ ખાસ બની ગયો છે. આ વિશે વાત કરતા મન મંતવ્યને કહે છે, “માતા-પિતા ભગવાનનું સ્વરૂપ હોય છે તેમ કહેવામાં આવે છે. પરંતુ મારી માટે મારી મમ્મી સાક્ષાત ભગવાન જ છે. મારા દરેક પ્રશ્નોનું સમાધાન હોય કે યોગ્ય દિશા ચીંધવાની વાત હોય, મમ્મી સહજતાથી મને સમજાવી દે છે. મારા માટે મારી મમ્મી શું છે તેનું આલેખન હું શબ્દોમાં નથી કરી શકતો. માટે જ એક શબ્દમાં મારી મમ્મીને કહું છું, મા તમે મારું સર્વસ્વ છો. માટે જ હવે પ્રોમિસ ડેના દિવસે મારી મમ્મીને નવી નવી પ્રોમિસ કરીને તેમનું ઋણ ઉતારવાના પ્રયત્ન કરું છું. મારા માટે ફેબ્રુઆરી મહિનો અને પ્રોમિસ ડે ખૂબ જ મહત્વનો છે.”

ગ્રૂપમાં બધા જ સાથે મળીને એન્જોય કરીએ છીએ

એન્જિનિયરિંગનો અભ્યાસ કરતો કૃપાલ પંડિત કહે છે, ‘અમારા ગ્રૂપમાં વેલેન્ટાઇન વીકની ઉજવણી તો ઘણી સારી રીતે કરવામાં આવે છે. ગ્રૂપમાં બધા જ સાથે મળીને એન્જોય કરીએ છીએ, પરંતુ હવે પુરા પંદર દિવસ મસ્તી કરીએ છીએ. જેમાં બોય્ઝ અને ગર્લ્સ બંને હોય છે, પરંતુ ૨૧ તારીખે બ્રેેકઅપ-ડેની ઉજવણી કરવાની જગ્યાએ તે દિવસે ફરી એકવાર સાથે રહેવાનું પ્રોમિસ કરીએ છીએ. મજા આવે છે આ દિવસો દરમિયાન.’

ફેબ્રુઆરીના દિવસોને કઇંક જુદી જ રીતે જોવે છે

3 6 ફેબ્રુઆરી ફેસ્ટિવલ મજા તો આવશે જ..

પહેલાં તો માત્ર વૅલેન્ટાઇન-ડેનું સાંભળ્યું હતું. પછી એક વીક અને હવે તો પુરા પંદર દિવસ અલગ-અલગ દિવસની ઉજવણી થાય છે, તેમ કહેતાં એકતા ગિફ્ટ શોપની ઓનર પલક નંદિની દાસ કહે છે, ‘આમ તો આ વિદેશી પરંપરા છે, પરંતુ આપણા છોકરાઓ કોઈને હેરાનગતિ ના થાય તે રીતે એન્જોય કરે તો તેમાં કોઈને તકલીફ નથી અને ખુશીઓ તો વહેંચવાથી વધે છે. આ મહિનામાં મારે પણ સારી આવક થાય છે.’ યુવાનો વૅલેન્ટાઇનના આ દરેક દિવસોને પોતાની રીતે જ એન્જોય કરે છે. હવે આ ઉત્સવોમાં ફેબ્રુઆરી ફેસ્ટિવલનો પણ ટ્રેન્ડ વધ્યો છે.જયારે એવી પણ જનરેશન છે જે ફેબ્રુઆરીના દિવસોને કઇંક જુદી જ રીતે જોવે છે.

પશ્વિમના દેશોમાં ફેબ્રુઆરી મહિનાને લઇને ઘણો રોમાંચ જોવા મળે છે. ધીમે-ધીમે આપણે ત્યાં પણ આ ઉજવણીને લઇને ઉત્સાહ વધતો જાય છે. સમયની સાથે પ્રેમની અભિવ્યક્તિનું સ્વરૂપ અને વ્યાખ્યા બંને બદલાતાં રહે છે. બસ, નથી  બદલાતી પ્રેમની લાગણી. દરેક વ્યક્તિ પાસે પ્રેમની જુદી જ ભાષા હોય છે અને તેને રજૂ કરવાની અલગ અદા અને દિવસો.