National Fish Farmers Day/ રાષ્ટ્રીય મત્સ્ય ખેડૂત દિવસે ભારત સરકારે તમિલનાડુમાં બે દિવસીય કોન્ફરન્સનું કર્યું આયોજન

ગુજરાત તરફથી મત્સ્યોદ્યોગ મંત્રી  રાઘવજીભાઈ પટેલ અને મત્સ્યોદ્યોગ કમિશ્નર  નીતીન સાંગવાન પણ આ કાર્યક્રમમાં સહભાગી થયા

Top Stories India
7 1 2 રાષ્ટ્રીય મત્સ્ય ખેડૂત દિવસે ભારત સરકારે તમિલનાડુમાં બે દિવસીય કોન્ફરન્સનું કર્યું આયોજન

ભારત સરકારના મત્સ્યોદ્યોગ પશુપાલન અને ડેરી મંત્રાલય અને નેશનલ ફિશરીઝ ડેવલપમેન્ટ બોર્ડ દ્વારા ૬૬માં રાષ્ટ્રીય મત્સ્ય ખેડૂત દિવસ નિમિત્તે તમીલનાડુના મહાબલીપુરમ ખાતે બે દિવસીય કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું છે. દરિયાકાંઠાના વિસ્તારોમાં હવામાન અને સુરક્ષા સંબંધિત જાગૃતતા લાવવા જેવા પ્રયાસોથી દેશના માછીમાર અને મત્સ્યોદ્યોગ સતત નવા શિખરો સર કરતા રહે તે માટે યોજાયેલા આ કાર્યક્રમમાં કેન્દ્રીય મત્સ્યોદ્યોગ મંત્રી  પરષોત્તમ રૂપાલા, રાજ્ય મંત્રી  એલ. મુરુગન તેમજ ડૉ. સંજીવ બલીયાન સહિત વિવિધ રાજ્યોના મંત્રીશ્રીઓ તેમજ મત્સ્યોદ્યોગ ખાતાના વડા ઉપસ્થિત રહ્યા છે. ગુજરાત તરફથી મત્સ્યોદ્યોગ મંત્રી  રાઘવજીભાઈ પટેલ અને મત્સ્યોદ્યોગ કમિશ્નર  નીતીન સાંગવાન પણ આ કાર્યક્રમમાં સહભાગી થયા છે.

ગુજરાત દેશનો સૌથી લાંબો ૧૬૦૦ કિમીનો દરિયાકિનારો ધરાવતો હોવાથી દરિયાઇ, આંતરદેશીય અને ભાંભરાપાણીનાં ક્ષેત્રમાં મત્સ્યોદ્યોગ વિકાસની વિપુલ પ્રમાણમાં તકો લભ્ય છે. જે તકોને પહોંચી વળવા ગુજરાત સરકાર દ્વારા બ્લ્યુ ઇકોનોમીને પ્રમોટ કરવામાં આવી રહી છે. મંત્રી  રાઘવજીભાઈ પટેલ દ્વારા આ કાર્યક્રમ દરમિયાન ગુજરાત સરકારની વિવિધ પહેલો અંગે માહિતી આપવામાં આવી હતી.

મત્સ્યોદ્યોગ મંત્રી  પટેલે જણાવ્યું હતું કે, રાજ્ય સરકારની વિવિધ પ્રોત્સાહક નીતિઓના પરિણામે ગુજરાતમાં માછલીઓનું ઉત્પાદન સતત વધી રહ્યું છે, અને સાથે સાથે રાજ્યના માછીમારો પણ દિન-પ્રતિદિન સમૃધ્ધ થઇ રહ્યા છે. વર્ષ ૨૦૨૧-૨૨ દરમિયાન રાજ્યમાં દરિયાઈ મત્સ્ય ઉત્પાદન ૬.૮૮ લાખ મેટ્રિક ટનથી વધુ થયું હતું, જ્યારે આંતરદેશીય મત્સ્ય ઉત્પાદન ૧.૮૫ લાખ મેટ્રિક ટન નોંધાયું હતું. બંને મળીને રાજ્યમાં કુલ ૮.૭૩ લાખ મેટ્રિક ટનથી વધુ મત્સ્ય ઉત્પાદન થયું છે. વર્ષ ૨૦૨૨-૨૩માં પણ રાજ્યનું કુલ માછલી ઉત્પાદન અંદાજીત ૯ લાખ મેટ્રિક ટનથી વધુ રહેવાની સંભાવના છે.

રાજ્યમાં મત્સ્યોદ્યોગ ક્ષેત્રે રહેલી સંભાવનાઓને સફળ બનાવવા મંત્રી રાઘવજીભાઈ પટેલ દ્વારા આ કાર્યક્રમમાં કેટલાક સૂચનો પણ કરાયા હતા. તેમણે જણાવ્યું હતું કે, સાગર પરિક્રમા, ગ્રીષ્મકાલીન સંમેલન જેવી વિવિધ આંતરરાષ્ટ્રીય સ્તરની કોન્ફરન્સનું ભવિષ્યમાં ગુજરાતમાં આયોજન કરવામાં આવે તો રાજ્યના મત્સ્ય ખેડૂતો નવી તકનીક અને મત્સ્યપાલન અંગે યોગ્ય માર્ગદર્શન સાથે વધુ સારું ઉત્પાદન કરી શકશે. આ ઉપરાંત વિધવ સમક્ષ પર્યાવરણ સંરક્ષણ પણ ખૂબ જ મોટો પડકાર છે. સમુદ્ર અને જળાશયોનું સંરક્ષણ અને પ્લાસ્ટિક પ્રદુષણ ઉપર નિયંત્રણ લાવવા મહત્વપૂર્ણ પગલા ભરવા મંત્રીશ્રીએ નિવેદન કર્યું હતું.

તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, દુર્ભાગ્યવશ હજુ પણ ગુજરાતના કેટલાક માછીમારો પાકિસ્તાનની જેલમાં કેદ છે. બાકી રહેલા માછીમારોને પણ સત્વરે પાકિસ્તાનની જેલમાંથી મુક્ત કરવાની દિશામાં કેન્દ્ર સરકારનો પૂરતો સહયોગ મળી રહ્યો છે. કેન્દ્ર સરકારના સહયોગથી જ તબક્કાવાર ગુજરાત સહિત દેશના માછીમારોની વતન વાપસી થઇ રહી છે, તે બદલ મંત્રીશ્રીએ ભારત સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો.