Gujarat News/ OBC કમિશન સરકારની અડગતા ઉપર HCએ અરજદારનો જવાબ માંગ્યો

સુપ્રીમ કોર્ટના ચુકાદા મુજબ એક મેમ્બરનું મિશન હોઇ શકે નહીં

Top Stories Gujarat

Gujarat News : ગુજરાત હાઈકોર્ટમાં ચાર અરજદારે એડવોકેટ વિશાલ દવે મારફત જાહેરહિતની અરજી દાખલ કરી હતી, જેની સુનાવણી ચીફ જજ સુનિતા અગરવાલ અને જજ પ્રણવ ત્રિવેદીની બેન્ચ સમક્ષ હાથ ધરાઈ હતી. અરજીમાં જણાવાયું હતું કે રાજ્યમાં OBC કમિશનની સ્થાયી રૂપે રચના કરાઈ નથી. કમિશન સુપ્રીમ કોર્ટના નિર્દેશો અને સેન્ટ્રલ OBC કમિશનની જેમ નથી, એ ફક્ત એક જ સભ્યનું કમિશન છે, જેના ચેરમેન નિવૃત્ત હાઈકોર્ટના જજ છે. દર 10 વર્ષે OBC જ્ઞાતિઓને લઇને સમીક્ષા કરવાની હોય એ પણ થતી નથી.

અરજદારે કોર્ટને જણાવ્યું હતું કે સરકારે આ માટે સમય માગ્યો હતો. આ કમિશનમાં ચેરપર્સન સાથે અન્ય બે સભ્યોની નિમણૂક કરાશે એમ જણાવ્યું હતું. આ અંગે સરકારી વકીલે જણાવ્યું હતું કે આ અંગેની ફાઈલ રાજ્યના મુખ્યમંત્રીના એપ્રૂવલ માટે મોકલી આપી છે. જાન્યુઆરી મહિનામાં સરકારે સમય માગ્યો હતો, જેના સાત મહિના વીત્યા બાદ આજે સરકારે જણાવ્યું હતું કે બે મેમ્બરની નિમણૂક કરવા માટે હજી પણ નિર્ણય લેવાનો બાકી છે. જોકે કમિશન અસ્તિત્વમાં છે અને એક મેમ્બરથી પણ ચાલી રહ્યું છે.હાઈકોર્ટે સરકારની ઝાટકણી કાઢી હતી કે વાર્તાની જગ્યાએ શું કામ થયું એ વિશે જણાવો.

કમિશન ફક્ત પેપર પર છે. સુપ્રીમ કોર્ટના ચુકાદા મુજબ એક મેમ્બરનું મિશન હોઇ શકે નહીં. જો સુપ્રીમ કોર્ટના ચુકાદાનું અર્થઘટન કરીને સરકાર એક મેમ્બરના કમિશનથી કામ ચલાવવા માગતી હોય તો શા માટે બીજા બે મેમ્બર લેવા માટે ઠરાવ કરવામાં આવ્યો? શા માટે કમિશનની ફેરરચના કરવામાં આવી? જો સરકાર પાસે જવાબ ના હોય તો તે કોર્ટ પાસે સમય માગે, નકામી દલીલો કરે નહીં. પહેલા મહિનામાં તમે કોર્ટને બે સભ્યોના નિમણૂક કરવાની બાંયધરી આપી હતી તો 7 મહિનામાં તમે શું કર્યું? કોર્ટને ગેરમાર્ગે દોરવામાં આવે નહીં. હાઈકોર્ટે ઓબીસી કમિશનની રચના મુદ્દે રાજ્યના ચીફ સેક્રેટરીનો જવાબ માગ્યો હતો.

આજે આ મુદ્દે ચીફ સેક્રેટરીએ એફિડેવિટ ફાઈલ કરતાં જણાવ્યું હતું કે રાજ્યમાં એક જ સભ્યનું OBC કમિશન રહેશે, જેના ચેરમેન નિવૃત્ત હાઈકોર્ટ જજ છે. જ્યારે અરજદારે જણાવ્યું હતું કે નેશનલ કમિશનમાં પાંચ સભ્ય હોય છે. તેના આધારે જ રાજ્યમાં કમિશનની રચના થવી જોઇએ. ઉલ્લેખનીય છે કે આ અરજી વર્ષ 2018થી ગુજરાત હાઈકોર્ટમાં પેન્ડિંગ છે. જ્યારે વર્ષ 1993થી રાજ્યમાં એક જ સભ્યનું OBC કમિશન છે. હાઈકોર્ટે કહ્યું હતું કે એક સભ્યનું કમિશન હોઇ શકે નહીં. 1993થી આગળ ચાલતી આવતી રીતને વધુ લંબાવી શકાય નહીં. જો રાજ્યમાં કમિશનની જરૂર ના હોય તો એની જોઇવાઇ પણ કરવામાં આવતી નહીં. હાઈકોર્ટે અરજદારને રાજ્ય દ્વારા કરાયેલી એફિડેવિટનો જવાબ આપવા જણાવ્યું છે. આ ઉપરાંત અન્ય રાજ્યમાં OBC કમિશનની રચનાનો અભ્યાસ કરીને આગામી સમયમાં રજૂ કરવામા માટે નિર્દેશ આપ્યા છે. આ મુદ્દે વધુ સુનાવણી બે અઠવાડિયાં બાદ હાથ ધરાશે.

અગાઉ આ કેસમાં કોર્ટમાં રજૂઆતો થઈ હતી કે આ કમિશનની રચના લેજિસ્લેટિવ બોડી દ્વારા થવી જોઇએ. સુપ્રીમ કોર્ટ દ્વારા ઇન્દિરા સહાનીના કેસમાં કેન્દ્રમાં અને દરેક રાજ્યમાં સ્થાયી OBC કમિશનની રચનાના નિર્દેશ આપ્યા છે, પરંતુ ગુજરાતમાં કામચલાઉ રીતે કમિશન રચવામાં આવ્યું છે. OBC કમિશને અન્ય પછાત જાતિઓને ઓળખી એની પરખ કરીને સ્ટેટ OBC લિસ્ટમાં સમાવેશ કરવાનો હોય તેની સત્તા હાઇકોર્ટ જેટલી હોય છે.કોર્ટે કહ્યું હતું કે દર પાંચ વર્ષે કમિશનના ચેરપર્સન નિવૃત્ત થાય છે. કમિશન કાયમી જ છે. સ્થાયી કમિશનની રચના માટે લેજિસ્લેટિવ દ્વારા થવી જોઇએ. કોર્ટે સરકારને પૂછ્યું હતું કે કમિશનમાં સુપ્રીમ કોર્ટના નિર્દેશ અનુસાર કેમ કોઇ તજજ્ઞને રખાયા નથી?

બોડીનો અર્થ ફક્ત એક વ્યક્તિ હોઇ શકે નહીં. બોડીનું કાર્ય સમયાંતરે OBC જ્ઞાતિઓની સમીક્ષા કરવાનો છે. ફક્ત કમિશન પાસે આવતી ફરિયાદો જોવાનું નથી. અરજદારે જણાવ્યું હતું કે અન્ય પછાત જ્ઞાતિઓ માટે જ્યારે નીતિઓ બનાવવાની હોય ત્યારે સરકારે કમિશનનો સંપર્ક કરવો પડે. OBC કમિશનનું કાર્ય ભલામણો કરવાનું છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: ફૂડ એન્ડ ડ્રગ ઇન્સ્પેક્ટર મહેશ બક્ષીની લાંચના આરોપમાં ધરપકડ

આ પણ વાંચો:  ACBની સફળ ટ્રેપ, બહુમાળી ફલેટના વેચાણમાં લેવાતી લાંચનો ભાંડો ફૂટયો

આ પણ વાંચો: અમદાવાદમાં વડીલોપાર્જીત મિલ્કત મ્યુનિ. દ્વારા તોડી પડાતા વૈકલ્પિક જગ્યા માટે 20 લાખની લાંચ માંગનારો આસિ. ટીડીઓ ઝડપાયો