Rajkot News : રાજકોટના રતનપર ગામમાં વિદેશી વિદ્યાર્થીઓનો મુદ્દો ગરમાયો છે. આ વિદેશી વિદ્યાર્થીઓ કથિત આતંક અને ગેરકાયદે પ્રવૃતિ સાથે સંકળાયેલા હોવાની ચર્ચા છે. સ્થાનિક લોકો દ્વારા વિદેશી વિદ્યાર્થીઓ પર ડ્રગ્સ, સેક્સ રેકેટ સહિતની પ્રવૃત્તિઓમાં સંડોવાયેલા હોવાના ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા હતા. આ મામલે રાજકોટના ધારાસભ્ય દર્શિતાબેન શાહે પોલીસ કમિશનરને કડક કાર્યવાહી કરવા માટે સત્તાવાર રજૂઆત કરી હતી. રતનપર ગામના રહીશો લાંબા સમયથી મારવાડી કોલેજમાં અભ્યાસ કરતા વિદેશી વિદ્યાર્થીઓની ગતિવિધિઓથી પરેશાન હોવાનું જણાવી રહ્યા હતા.
ધારાસભ્ય દર્શિતાબેન શાહના મતે આ વિદ્યાર્થીઓ દ્વારા ગામમાં અસામાજિક અને ગેરકાયદેસર પ્રવૃત્તિઓ આચરવામાં આવી રહી છે જેના કારણે ગામનું વાતાવરણ દૂષિત થઈ રહ્યું હતુ. ધારાસભ્ય દર્શિતાબેન શાહે પોલીસ કમિશનરને કરેલી રજૂઆતમાં આ સમગ્ર મામલે વિગતવાર તપાસ કરવાની માંગ કરી હતી. તેમણે ખાસ કરીને આ વિદેશી વિદ્યાર્થીઓના ભાડા કરાર, પાસપોર્ટ અને વીઝા સહિતના દસ્તાવેજોની ચકાસણી કરવા પર ભાર મૂક્યો હતો. જેથી તેમની કાયદેસરતા અને રહેઠાણની સ્થિતિ સ્પષ્ટ થઈ શકે.
ભૂતકાળમાં પણ મારવાડી યુનિવર્સિટી પરિસરમાંથી ગાંજાના છોડવા મળી આવવાનો કિસ્સો સામે આવ્યો હતો. જેમાં નશીલા પદાર્થોની હેરાફેરી અને તેના વપરાશ અંગે ગંભીર સવાલો ઉભા કર્યા હતા. ધારાસભ્યએ આ જૂના કિસ્સાનો ઉલ્લેખ કરીને તે અંગે પણ કડક પગલાં લેવામાં આવે તેવી માંગ કરી હતી. જેથી ભવિષ્યમાં આવી પ્રવૃત્તિઓ પર લગામ કસી શકાય. પોલીસ કમિશનરને આ મામલે તાત્કાલિક અને કડક પગલાં ભરવા માટે વિનંતી કરવામાં આવી હતી.
આ પણ વાંચો:તું અહીથી જવાદે મારા સામેથી, રાજકોટ સિવિલ સ્ટાફની લૂખી દાદાગીરી, મીરા આહિરને થયો કડવો અનુભવ
આ પણ વાંચો:રાજકોટ જન્માષ્ટમી લોકમેળો 2025: રાઇડ્સની મજા સાથે ટિકિટ દરમાં વધારો, સલામતી અંગે ચિંતા
