મદદ/ ગારીયાધારના મામલતદારે ગામની ૭૫ મહિલાઓનાં નામ દાખલ કરવાની ફી પોતાના ખિસ્સામાંથી ચૂકવી

ભાવનગરની ધરતી પરથી થયેલું આ મહિલા સશક્તિકરણનું આ નાનું પગલું ભવિષ્યમાં વિરાટ કદમ બની રહે અને અન્યો પણ તેમાંથી પ્રેરણા લેવાં પ્રેરાય તે જ સાચું મહિલા સશક્તિકરણ છે.

Gujarat Others Trending
ગારીયાધારના મામલતદાર

મહિલા સશક્તકરણની થીમ પર ભાવનગર જીલ્લાનાં ગારીયાધાર તાલુકાના મોટા ચારોડિયા ગામમાં વંદે ગુજરાત વિકાસ યાત્રાની અનોખી ઉજવણી કરવામાં આવી હતી. ભારતની આઝાદીના ૭૫ વર્ષના અમૃત મહોત્સવની ઉજવણી આ કાર્યક્રમમાં શ્રોતા, વક્તા સહિતની તમામ જગ્યાઓએ મહિલાઓને અગ્રેસર કરીને કરવામાં આવી હતી. છેલ્લાં બે દાયકામાં થયેલ વિકાસની વાત પહોંચાડવાની સાથે મહિલા સશક્તિકરણ જેવાં સમાજને સશક્ત કરનારા ઉપક્રમો પણ આ યાત્રા સાથે જોડવામાં આવ્યાં હતાં. ગારીયાધાર…

આ કાર્યક્રમ સાથે એક નોંધપાત્ર બાબત એ હતી કે, ગઇકાલે ગામની ૭૫ મહિલાઓના રેશનકાર્ડમાં નામ ઘરના મોભી તરીકે ચડાવવામાં આવ્યાં હતાં. એક જ ગામમાં એક જ દિવસે આઝાદી કા અમૃત મહોત્સવને ધ્યાનમાં રાખીને ૭૫ મહિલાઓના નામ રેશન કાર્ડમાં ચડે અને તે પણ ઘરના મોભી તરીકે તે એક સારી દિશાનું પગલું કરી શકાય. આમાં વધુ મહત્વની બાબત એ હતી કે, રેશનકાર્ડમાં નામ ચડાવવાં માટે પ્રતિ કાર્ડ રૂા. ૨૦ ની ફી હોય છે. જે મામલતદારની સહીથી આ કાર્ડમાં નામ ચડવાના હતાં તે મામલતદાર આર.એસ. લવાડિયાએ આ તમામ ૭૫ મહિલાઓની ફી પોતાના ખિસ્સામાંથી ચૂકવીને એક અનોખી સંવેદનાના દર્શન કરાવ્યાં હતાં.

ગારીયાધાર

રાજ્ય સરકાર તો છેવાડાના માનવીનો વિકાસ થાય તે માટે સંવેદનશીલ છે જ પરંતુ તેના અધિકારીઓ પણ આ હદે સંવેદનશીલ હોય તે રાજ્યનો વિકાસ થવો નિશ્ચિત છે. આ કોઇ રકમની વાત નથી. એ તો ગમે તે સખાવતી માણસ આપી શકે પરંતુ સત્તામાં રહેલ માણસ જ્યારે નાના માણસો માટે આવી મોટી દરિયાદીલી બતાવે ત્યારે સમાજ પરિવર્તન થતું હોય છે. દિકરો દિકરી એક સમાન, બેટી બચાવો બેટી પઢાવો, નારી તું નારાયણી જેવાં સૂત્રો ફક્ત દેખાવ પૂરતાં ન રહી જાય તે માટે ગારીયાધાર મામલતદારએ ગઇકાલની વંદે ગુજરાતની ઉજવણી પણ માત્ર મહિલાઓ આગેવાની લઇને કરે તે માટે કરેલી વ્યવસ્થા પણ અભિનંદનને પાત્ર છે. વંદે ગુજરાતના વક્તા, શ્રોતા, લાભ લેનાર તથા આપનાર તમામ મહિલાઓ હોય તેવો આ કાર્યક્રમ સાચા અર્થમાં મહિલા સશક્તિકરણનો કાર્યક્રમ બની રહ્યો હતો. મહિલાઓ પણ પુરૂષ સમોવડી છે અને તે પણ પુરૂષ સાથે ખભેખભા મીલાવીને કાર્ય કરી શકે છે તે તેમના ચહેરા પર સ્પષ્ટ વાંચી શકાતું હતું. આમ, ભાવનગરની ધરતી પરથી થયેલું આ મહિલા સશક્તિકરણનું આ નાનું પગલું ભવિષ્યમાં વિરાટ કદમ બની રહે અને અન્યો પણ તેમાંથી પ્રેરણા લેવાં પ્રેરાય તે જ સાચું મહિલા સશક્તિકરણ છે.

આ પણ વાંચો : છોટાઉદેપુરનાં પાવીજેતપુરના કદવાલ રેફરલ હોસ્પિટલમાં એક્સ-રે મશીનની માગ