કાવતરું/ ટિકટોક સ્ટાર અને ભાજપ નેતા સોનાલી ફોગાટના મોતનુ ઘૂંટાતું રહસ્ય

રિન્કુના જણાવ્યા અનુસાર સુધીરે ત્રણ વર્ષ પહેલાં હિસાર સ્થિત ઘરમાં તેને નશીલો પદાર્થ ખાવામાં મેળવીને ખવડાવ્યો અને દુષ્કર્મ આચર્યું. જેનો તેને વીડિયો પણ બનાવી લીધો હતો…

Mantavya Exclusive
Mystery of Sonali Phogat

Written By: Parth Amin

Mystery of Sonali Phogat: બીજેપી નેતા અને ટિકટોક સ્ટાર સોનાલી ફોગાટનું 23 ઓગસ્ટે ગોવામાં હાર્ટ એટેકના કારણે નિધન થયું હતું. જોકે, આ સાથે કેટલાક લોકો શંકા પણ વ્યક્ત કરી રહ્યા છે. તેમની પ્રગતિ અને વધતી ખ્યાતિને કારણે કોઈ તેને રસ્તામાંથી બહાર કાઢવા માંગતું હતું? શું કોઈ તેને ખાવા માટે ધીમું ઝેર આપી રહ્યું હતું? શું છે સોનાલીના મોતનું સત્ય? સોનાલીનું અચાનક હાર્ટ એટેકના કારણે મોત થતાં આવા અનેક સવાલો ઉભા થયા છે.

સોનાલીના અન્ય પરિવારજનોએ પણ તેના મોત પાછળ ષડયંત્ર હોવાની શંકા વ્યક્ત કરી છે. જમ્યા બાદ તેમની તબિયત બગડી તો સવાલ એ છે કે શું તેમના ભોજનમાં કોઇ કંઈ ઉમેરી રહ્યું હતું? જો એવું જ હોય, તો કાવતરા પાછળ કોઈ નજીકની વ્યક્તિ હોય શકે છે. પરિવારની જણાવેલી વાતોથી અનેક સવાલો ઊભા થાય છે અને સત્ય જાણવા માટે આ સવાલોના ઊંડાણમાં પહોંચવું ખૂબ જ જરૂરી છે.

સોનાલી ફોગાટના ભત્રીજા એડવોકેટ વિકાસે તેમના મૃત્યુ માટે તેમના અંગત સચિવ સુધીર સાંગવાનને જવાબદાર ઠેરવ્યા છે. વકીલ વિકાસે સુધીર સાંગવાન પર સોનાલી ફોગાટની હત્યાનું કાવતરું ઘડવાનો આરોપ લગાવ્યો છે. આટલું જ નહીં, વિકાસનું કહેવું છે કે સુધીર સાંગવાનના કહેવા પર ફાર્મ હાઉસમાંથી લેપટોપ અને જરૂરી ચીજવસ્તુઓ લેવામાં આવી છે. જેમાં તમામ ડેટા અને જમીન અને મિલકતના કાગળો પણ સાચવવામાં આવ્યા છે.

સોનાલીની બહેન રૂપેશનું કહેવું છે કે મા સાથે ફોનમાં વાત થઈ ત્યારે તેણે ખાવામાં કંઈક ગરબડ છે એવી વાત કરી હતી. એમ પણ જણાવ્યું હતું કે ખોરાકની અસર તેના શરીર પર થઈ રહી છે. એટલે અમને શંકા છે કે તેની હત્યા કરવામાં આવી હોઈ શકે છે. મારી બહેનના મૃત્યુની તપાસ CBI પાસે કરાવવી જોઈએ.

સોનાલીની બહેને વધુમાં જણાવ્યું કે, અમારે પરમ દિવસે જ વાત થઈ હતી. તે એકદમ સ્વસ્થ હતી અને પોતાના ફાર્મ હાઉસ પર હતી, પણ મા સાથે વાત કરી ત્યારે તેમણે કહ્યું કે તેની હાલત બરાબર નથી. કોઈએ કંઈક કર્યું હોય એવું લાગે છે. ખાવામાં પણ કંઈક ગરબડ લાગે છે. ગઈકાલે સાંજે જ મા સાથે આ મુદ્દે વાત થઈ હતી અને સવારે જ અમને મેસેજ મળ્યો કે તેને હાર્ટએટેક આવવાથી મૃત્યુ થયું છે.

આટલું જ નહી પણ હરિયાણાના ભાજપ લીડર સોનાલી ફોગાટના મોત સાથે જોડાયેલા મામલે હવે તેમની સાથે દુષ્કર્મ અને બ્લેકમેલ કરવાના આરોપ લાગ્યા છે. હરિયાણાના ફતેહાબાદ જિલ્લાના ભૂથનકલાં ગામમાં રહેતા સોનાલીના નાના ભાઈ રિન્કુ ઢાકાએ પોતાની બહેનના PA સુધીર સાંગવાન અને તેમના મિત્ર સુખવિંદર પર સોનાલીના ખાવામાં નશીલા પદાર્થ મેળવીને તેની સાથે દુષ્કર્મ કરવાનો અને વીડિયો બનાવીને બ્લેકમેઇલ કરવાનો આરોપ લગાવ્યો છે. આ સાથે જ સોનાલીની સંપત્તિ હડપવા તેમજ રાજકીય ષડયંત્ર રચતા આ હત્યા કરી હોવાની વાત પણ કરી છે. આ અંગે રિન્કુએ એક લેખિત ફરિયાદ ગોવા પોલીસને આપીને કાર્યવાહી કરવાની માગ કરી છે. જણાવી દઈએ કે, ભૂથનકલાં સોનાલીનું પૈતૃક ગામ છે. સોનાલીના માતા-પિતા, બંને ભાઈ અને ભાભીઓ આ ગામમાં જ રહે છે. આ વચ્ચે ગોવાના મુખ્યમંત્રી પ્રમોદ સાવંતે કહ્યું હતું કે સોનાલી ફોગાટના મોત સાથે જોડાયેલાં કેસની ગોવા પોલીસ ઉંડાણપૂર્વક તપાસ કરી રહી છે. ગોવાના DGP પોતે આ કેસનું મોનિટરિંગ કરી રહ્યાં છે.

રિન્કુ ઢાકાએ સોનાલી વિશે વિસ્તૃતમાં જણાવ્યું કે તેની બહેન સોનાલી ફોગાટના લગ્ન હિસારમાં થયા હતા. થોડાં વર્ષ પહેલાં જીજા સંજય ફોગાટનું નિધન થયું હતુ. જે બાદ સોનાલી ભાજપમાં સામેલ થઈ અને રાજનીતિની સાથે પોતાના કરિયરમાં વ્યસ્ત રહી. 2019ની ચૂંટણી દરમિયાન રોહતક નિવાસી સુધીર સાંગવાન તેમજ ભિવાની નિવાસી સુખવિંદર કાર્યકર્તા તરીકે આવ્યા અને સોનાલી સાથે જોડાઈ ગયા

સુધીર તેમજ સુખવિંદરે સોનાલીને વિશ્વાસમાં લીધી અને સુધીર સોનાલીના PA તરીકે કામ કરવા લાગ્યા. ફરિયાદકર્તા રિન્કુ મુજબ 2021માં સોનાલીના ઘરે ચોરી થઈ, તે પણ સુધીરે જ કરાવી હતી. જે બાદ કુક તેમજ અન્ય સ્ટાફને હટાવી દીધા અને ખાવાની વ્યવસ્થા સુધીર કરવા લાગ્યો. રિન્કુએ કહ્યું કે સોનાલીએ પોતે મને જણાવ્યું હતું કે સુધીરે તેને ખીર ખવડાવી, જે બાદ તેના હાથ-પગ કાંપવા લાગ્યા હતા અને શરીરમાં નબળાઈ આવવા લાગી હતી.

રિન્કુએ જણાવ્યું કે તમામ લેવડ-દેવડ તેમજ કાગળકીય કાર્યવાહી સુધીર કરતો હતો. હાલ 22 ઓગસ્ટે સોનાલીએ પોતાના નાના જીજા અમનને ફોન કરીને જણાવ્યું હતું કે, સુધીરે તેને કંઈક ખવડાવી દીધું છે, જેનાથી તેને બેચેની લાગી રહી છે. રિન્કુના જણાવ્યા અનુસાર સુધીરે ત્રણ વર્ષ પહેલાં હિસાર સ્થિત ઘરમાં તેને નશીલો પદાર્થ ખાવામાં મેળવીને ખવડાવ્યો અને દુષ્કર્મ આચર્યું. જેનો તેને વીડિયો પણ બનાવી લીધો હતો. તે વીડિયો જોઈને તે સોનાલીને બ્લેકમેલ કરીને વારંવાર દુષ્કર્મ કરતો રહ્યો.

સુધીર સોનાલીને તેના રાજકીય તેમજ ફિલ્મી કરિયર ખતમ કરવાની ધમકી આપતો હતો. તેમના બંને ફોન, પ્રોપર્ટીના કાગળ, ATM કાર્ડ, ઘરની ચાવીઓ સુધીર પોતાની પાસે જ રાખતો હતો. રિન્કુના મુજબ સોનાલીએ કહ્યું હતું કે, સુધીર પોતાના મિત્ર સુખવિંદરની સાથે મળીને કંઈ પણ ખોટું કરી શકે છે, જે બાદ ફોન કાપી નાખ્યો અને સવારે સુધીરે તેમને જણાવ્યું કે ફિલ્મની શૂટિંગ દરમિયાન સોનાલીનું નિધન થઈ ગયું.

રિન્કુએ જણાવ્યું કે જ્યારે પરિવારના લોકો ગોવા પહોંચ્યા તો જાણ થઈ કે ત્યાં કોઈ શૂટિંગ નહોતું થઈ રહ્યું  રીન્કુએ આરોપ લગાવ્યો છે કે સુધીરે સોનાલીની સંપત્તિ હડપવા માટે અને રાજકીય ષડયંત્ર રચતા મિત્ર સુખવિંદરની સાથે મળીને તેમની હત્યા કરી છે. તેને જ સોનાલીના મોતના સમાચાર પરિવારને આપ્યા હતા. જે બાદ જ્યારે કોલ કરવામાં આવ્યો તો સુધીરે ફોન ન ઉઠાવ્યો. તેને પોતાનો અને સોનાલીનો ફોન બંધ કરી દીધો હતો. ભત્રીજા એડવોકેટ વિકાસના કહેવા પ્રમાણે સુધીર સાંગવાનની સાથેની વાતચીત દરમિયાન તે વારંવાર સોનાલી ફોગાટના મૃત્યુ અંગે પોતાનું નિવેદન બદલી રહ્યો હતો.

સોનાલી ફોગાટના મોત પછી તેની એકની એક પુત્રી યશોધરા બુધવારે પહેલી વખત કેમેરાની સામે આવી. પોતાની મમ્મીના હિસાર સ્થિત ફાર્મ હાઉસ પર માસી રેમન ફોગાટની સાથે રહેતી, યશોધરાએ ભીની આંખોની સાથે સરકારને અપીલ કરી હતી કે તેની માના ગુનેગારને પકડવામાં આવે. યશોધરાએ કહ્યું કે, આ મામલે ઉંડાણપૂર્વક તપાસ કરાવીને તેની માને ન્યાય અપાવવો જોઈએ. જે લોકોએ પણ તેની માનો જીવ લીધો છે, તેમના વિરૂદ્ધ કડક કાર્યવાહી થવી જોઈએ. આ વચ્ચે ગોવાના CM પ્રમોદ સાવંતે કહ્યું કે, સોનાલી ફોગાટના મોત સાથે જોડાયેલા કેસની ગોવા પોલીસ તપાસ કરી રહી છે. ગોવાના DGP પોતે આ કેસનું મોનિટરિંગ કરી રહ્યાં છે. પ્રાઈમરી ડોકટર તપાસમાં આ કેસ હાર્ટ એટેકનો લાગી રહ્યો છે. જો કે મોતનું સાચું કારણ પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ જ ખ્યાલ આવશે.

સોનાલી ફોગાટના પોસ્ટમોર્ટમ માટે સ્પેશિયલ પેનલ નિયુક્ત કરવામાં આવી છે. આ સમગ્ર મામલે ગોવા પોલીસે સોનાલી ફોગાટના પોસ્ટમૉર્ટમ માટે પૅનલ બનાવવા માટે ફૉરેન્સિક ડિપાર્ટમેન્ટને કહ્યું છે. તેનું પોસ્ટમૉર્ટમ ગોવાની મેડિકલ કૉલેજમાં કરવામાં આવ્યું. આ કેસમાં અનનૅચરલ ડેથનો કેસ રજિસ્ટર કરવામાં આવ્યો છે. આ વિ‍શે ડેપ્યુટી સુપરિન્ટેન્ડન્ટ ઑફ પોલીસ જીવબા દળવીએ કહ્યું હતું કે ‘બુધવારે પોસ્ટમૉર્ટમ કરવામાં આવ્યું હતું. મંગળવારે નવ વાગ્યે અંજુનાની સેન્ટ ઍન્થની હૉસ્પિટલમાંથી સમાચાર આવ્યા હતા કે સોનાલી ફોગાટને મૃત હાલતમાં લાવવામાં આવ્યાં છે. પહેલી તપાસમાં અમને ખબર પડી હતી કે તેઓ બાવીસ ઑગસ્ટે ગોવા આવ્યાં હતાં. મંગળવારે સવારે તેમની તકલીફ બગડતાં તેમને હૉસ્પિટલમાં લાવવામાં આવ્યાં હતા. ગોવા મેડિકલ કૉલેજના ડિપાર્ટમેન્ટ ઑફ ફૉરેન્સિક મેડિસિનને તેમણે લેટર લખીને પોસ્ટમૉર્ટમ માટે ડૉક્ટરની એક પૅનલ બનાવવા કહ્યું હતું.

કોણ હતા સોનાલી ફોગાટ?

સોનાલીનો જન્મ વર્ષ 1979માં હરિયાણાના હિસાર પાસેના એક ગામમાં થયો હતો. સોનાલીએ 1995માં હરિયાણામાંથી 10મું પાસ કર્યું હતું. તેમનો પરિવાર હિસારના હરિતા ગામમાં ચાર પેઢીઓથી રહે છે. સોનાલીએ હરિયાણી દૂરદર્શન ટીવીમાં એન્કર તરીકે કામ કરવાનું શરુ કર્યું હતું સાથે જ ઘણા શો સહિત કેટલીક હરિયાણવી ફિલ્મોમાં પણ જોવા મળ્યાં હતાં. સોનાલી 2008માં પહેલીવાર ભાજપમાં જોડાયા હતા અને તે ભાજપ મહિલા મોરચામાં પણ રહ્યાં હતા. 2019 સુધી તેનો હરિયાણા અને આજુબાજુના વિસ્તારોમાં સોશિયલ મીડિયા પર ઘણો સારો ચાહક વર્ગ હતો. 2019માં સોનાલીના સોશિયલ મીડિયા ઍપ ટિકટૉક પર અંદાજીત 1 લાખ 25 હજાર ફૉલોઅર્સ હતા. સોનાલીના વીડિયોને લાખો વ્યૂઝ મળતા હતા.

આ લોકપ્રિયતાને ઇલેક્ટોરલ વોટમાં કન્વર્ટ કરવા માટે ભાજપે સોનાલી ફોગાટને હિસારની આદમપુર સીટ પરથી વિધાનસભા ચુંટણીમાં ટિકિટ આપી હતી. 2019માં સોનાલીએ તેમના ચૂંટણી ઍફિડેવિટમાં તેમની સંપત્તિ 2 કરોડ 74 લાખ રૂપિયા જાહેર કરી હતી. સોનાલીની વિરુદ્ધ કૉંગ્રેસના ઉમેદવાર કુલદીપસિંહ બિશ્નોઈ હતા. ચૂંટણી પરિણામો પહેલા એવું કહેવામાં આવી રહ્યું હતું કે સોનાલી ફોગાટ કુલદીપસિંહ બિશ્નોઈને ટક્કર આપશે. પરંતુ ચૂંટણી પરિણામોમાં સોનાલી ફોગાટનો પરાજય થયો હતો. જેમાં કુલદીપસિંહ બિશ્નોઈએ સોનાલીને અંદાજીત 29 હજાર મતોથી હરાવી હતી. આટલું જ નહી પરંતુ સોનાલી ફોગાટ ચૂંટણી હારી ગયાં બાદ પણ ચર્ચામાં રહ્યાં હતા. જૂન  2020માં સોનાલીનો માર્કેટિંગ યાર્ડના અધિકારીને ચપ્પલથી મારપીટ કરતો વીડિયો વાયરલ થયો હતો. આ વીડિયોમાં સોનાલી ઑફિસર સાથે ઝઘડો અને મારપીટ કરતાં જોવા મળ્યાં હતા. ઘટનાના કારણે ઘણી હો હા થઈ હતી અને ત્યારબાદ તેની સામે કેસ પણ નોંધવામાં આવ્યો હતો. વર્ષ 2019માં વિધાનસભા ચૂંટણી દરમિયાન સોનાલી પોતાના ભાષણને કારણે વિવાદોમાં રહી હતી. તેણે હિસારના એક ગામમાં રેલી દરમિયાન લોકોને ‘ભારત માતા કી જય’ ના નારા લગાવવાનું કહ્યું હતું. તેણે કહ્યું હતું કે, જે નારા નથી લગાવતા તે પાકિસ્તાનના હોવા જોઈએ. જો કે, બાદમાં સોનાલી ફોગાટે પોતાના વિવાદિત ભાષણ માટે માફી પણ માંગી હતી. સોનાલી ફોગાટે ગયા વર્ષે પોતાની બહેન અને દિયર વિરુદ્ધ મારપીટની ફરિયાદ પોલીસમાં નોંધાવી હતી. બિગ બોસ 14માં તેની વાઈલ્ડ કાર્ડ એન્ટ્રી થઈ હતી. ત્યાં થોડા સમય માટે પર્ફોર્મન્સમાં તેણે લોકોનું ધ્યાન ખેંચ્યું હતું

સોનાલીના પતિના મૃત્યુને લઈને સોશિયલ મીડિયા પર ઘણી બધી વાતો કહેવામાં આવી રહી છે. જેના વિશે સોનાલીએ એક વીડિયોમાં આ વિશે વાત કરતા જોવા મળ્યાં હતાં. વીડિયોમાં જણાવ્યું હતું કે, “જો મારા પતિએ આત્મહત્યા કરી હોત અથવા મેં તેને મારી નાખ્યા હોત તો શું હું ઘરમાં રહેતી હોત. મારા પતિ શા માટે આત્મહત્યા કરે? તેમની પાસે શું ખૂટતું હતું? મારા પતિ ખૂબ જ જીંદાદીલ માણસ હતા. હું આજે જ્યાં છું ત્યાં મારા પતિના કારણે પહોંચી છું. જે દિવસે મારા પતિનું અવસાન થયું તે દિવસે હું મુંબઈમાં હતી. હિસારના સિમાડે અમારી પાસે 7-8 કિમી દૂર ખેતર છે. ત્યાં પણ ઘર બાંધવામાં આવ્યું છે. મારી જેઠાણી ત્યાં રહે છે. તે સમયે તે બધા પણ હાજર હતા. રાત્રે તેમનું હૃદય બંધ પડી ગયું, સવારે તેમને હૉસ્પિટલ લઈ જવામાં આવ્યા. મારો આખો પરિવાર ત્યાં હાજર હતો અને હું રાત્રે ત્યાં પહોંચી હતી.”

સોનાલી ફોગાટ 2020-2021માં બિગબૉસમાં પણ જોડાયાં હતાં. આ શો દરમિયાન પણ સોનાલીએ તેમના પતિ અને પતિના મૃત્યુ પછીના સમય વિશે વાત કરી હતી. શોમાં રાહુલ વૈદ્ય સોનાલી ફોગાટને પૂછે છે – “તમારા પતિ બાદ તમે છેલ્લે ક્યારે પ્રેમમાં પડ્યાં હતાં?” ત્યારે સોનાલીએ જવાબ આપ્યો, “બે વર્ષ પહેલાં મારું દિલ કોઈના પર આવી ગયું હતું. પરંતુ કોઈ કારણસર વાત આગળ વધી શકી ન હતી. મને યોગ્ય નહોતું લાગ્યું.” સોનાલીએ એ જ શોમાં અન્ય સ્પર્ધક અલી પ્રત્યે પણ પ્રેમ વ્યક્ત કર્યો હતો.

આ પણ વાંચો: GOA/ સોનાલી ફોગાટના પોસ્ટમોર્ટમનો પ્રાથમિક રિપોર્ટ ચોંકાવનારો, શરીર પર માર્યા હતા પંચ