Lifestyle: કેટલાક આસાન ઘરગથ્થું ઉપાયોથી તમે કાળી કડાઈને ફરીથી નવીનકોર બનાવી શકો છો.
રસોડામાં, ગૅસ પર વધારે સંપર્કમાં રહેતું વાસણ કડાઈ હોય છે. દરરોજ એનો ઉપયોગ થતો હોવાથી એ કાળી મેશ જેવી બની જાય છે. ઘણી વાર તો એ એટલી કાળી પડી જાય છે કે, દીઠી ગમતી નથી! આથી જ ઘણા લોકો નવી કડાઈ ખરીદવાનું પસંદ કરતા હોય છે. પણ કેટલાક આસાન ઘરગથ્થું ઉપાયોથી તમે કાળી કડાઈને ફરીથી નવીનકોર બનાવી શકો છો. અહિં અમે તમને એવી 3 સરળ ટિપ્સ બતાવીશું જેમની મદદથી, તમારી કડાઈ ચોખ્ખી થઇને નવા જેવી ચમકવા લાગશે!

રાખનો પરંપરાગત ઉપાય
જૂના જમાનાના લોકો કડાઈને સ્વચ્છ કરવા માટે રાખની મદદ લેતા હતા. જો તમારી પાસે કોલસા અથવા લાકડાની રાખ હોય તો, તમે પણ આ પરંપરાગત નુસખાને અજમાવી શકો છો. એ માટે, રાખમાં થોડું પાણી ભેળવી લેવું અને એક પેસ્ટ જેવું મિશ્રણ બનાવવું. હવે આ પેસ્ટથી કડાઈને બરાબર ઘસવી. ત્યારબાદ પાણીથી ધોઇ લેવી. આ રીતે તમે આસાનીથી કાળી મેશ કડાઈને ક્લીન કરી શકો છો.

લીંબુ તથા બેકિંગ સોડાનો ઉપાય
લીંબુ તથા બેકિંગ સોડાની મદદથી તમે કડાઈ પર લાગેલા કાળા પડને દૂર કરી શકો છો. આ માટે, સૌપ્રથમ કડાઈને હળવા તાપે સહેજવાર ગરમ કરવી અને એમાં લીંબુનો રસ નાંખવો તથા એની ઉપર બેકિંગ સોડા ભભરાવવો. આ પ્રયોગના પરિણામે, એમાં થોડી જ વારમાં ફીણ વળવા લાગશે. હવે એને કોઇ સ્ક્રબ કે બ્રશની સહાયતાથી બરાબર ઘસો. થોડીવાર ઘસ્યા પછી તમે જોશો કે, કડાઈની કાળાશ દૂર થવા લાગી છે! ત્યારબાદ એને પાણીથી ધોઇ લો.

મીઠા તથા વિનેગરનો ઉપાય
જો તમારી કડાઈમાં કાળાશ વધારેપડતી હોય તો તમે આ ઉપાય અજમાવી શકો છો. આ માટે તમને મીઠા અને વિનેગર (સરકો)ની જરુર પડશે. આ માટે સૌપ્રથમ કડાઈને હળવા તાપે સહેજવાર ગરમ કરી લો. હવે એમાં થોડું વિનેગર નાખો. એની ઉપર મીઠું ભભરાવો. થોડીવાર રાહ જુઓ. ત્યારબાદ થોડું પાણી નાખીને સ્ક્રબ કરી લો. આ પ્રમાણે થોડી જ મહેનતથી તમે કાળી મેશ કડાઈને ફરીથી નવા જેવી ચમકાવી શકો છો!
આ પણ વાંચો:ચરબી ઘટાડવાની સારવારની ભ્રામક જાહેરાતોને લઈને ગ્રાહક સુરક્ષા સંસ્થા દ્વારા VLCC ને ₹3 લાખનો દંડ
આ પણ વાંચો:ઉપવાસમાં બનાવો સાબુદાણા મોમોઝ, આ છે હેલ્ધી નાસ્તાનો ઑપ્શન…
