Lifestyle: શું તમે જાણો છો કે તમારા શરીરને દરરોજ કેટલી માત્રામાં વિટામિન સી ની જરુરિયાત હોય છે? કુદરતે આપણા માટે આની વ્યવસ્થા કરેલી જ છે અને અલગ-અલગ ઋતુમાં ઉગતા આમળા, સંતરા અને કીવી વગેરે ઋતુકીય ફળોનું સેવન કરીને સ્વસ્થ રહી શકાય છે. આ તમામ ફળોમાં કીવીને અવગણવામાં આવે છે, ઘણા લોકોને એના ફાયદાની જાણ ન હોવાથી એનું સેવન કરતા નથી પરંતુ, અહિં તમારે એ જાણવું જરુરી છે કે શરીરમાં વિટામિન સી ની આપૂર્તિ માટે આ ફળનું સેવન કરવું અત્યંત શ્રેષ્ઠ છે.

કીવી ધરાવે છે અઢળક પોષક દ્રવ્યો
રોગપ્રતિકારક શક્તિ અર્થાત્ શરીરની ઇમ્યુનિટી માટે વિટામિન સી અત્યંત આવશ્યક હોય છે. આ વિટામિન ખાટા ફળોમાંથી પ્રાપ્ત થાય છે. રોગોથી બચાવવા ઉપરાંત, વિટામિન સી આપણને ઑક્સિડેટિવ સ્ટ્રેસથી પણ દૂર રાખે છે તથા WBCs(White Blood Cells)અર્થાત્ શ્વેતકણોના ઉત્પાદનમાં વધારો કરે છે.
આ ઉપરાંત, કીવીમાંથી પૉટેશિયમ, વિટામિન કે, વિટામિન ઈ અને કેરોટીનૉઇડ તથા પૉલીફેનોલ જેવા વિવિધ એન્ટિઑક્સિડન્ટ્સ પણ પ્રાપ્ત થાય છે. આ તમામ ઘટકો હૃદયના સ્વાસ્થ્યમાં સુધારો કરે છે, સોજા ઓછા થાય છે અને ત્વચામાં પણ નિખાર આવે છે. એમાં કેલરીની માત્રા ઓછી હોય છે અને ફાઇબર અઢળક પ્રમાણમાં હોવાથી પાચનક્રિયા પણ સુવ્યવસ્થિત બને છે. આમ સમગ્રપણે, કીવીનું સેવન કરવું અતિ ગુણકારી હોય છે.

કીવીનું સેવન શા માટે ફાયદાકારક?
અમેરિકન હૅલ્થ વેબસાઇટ ‘હૅલ્થલાઇન’ દ્વારા જાહેર એક રિપોર્ટ મુજબ, એક મધ્યમ આકારના કીવીમાં આશરે 56 થી 62 મિલીગ્રામ જેટલું વિટામિન સી હોય છે. આપણા શરીરને જેટલી માત્રામાં વિટામિન સી ની જરુર હોય છે એની 62% માત્રા કેવળ એક જ કીવીના સેવનથી પૂર્ણ થઇ જાય છે. ખટમીઠાં સ્વાદ વાળું, નાના-નાના કાળા બીજ અને ચમકદાર પોપટી રંગનો માવો ધરાવતું એક અદ્ભૂત ફળ છે કીવી! એ ફક્ત ખાવામાં જ સ્વાદિષ્ટ નથી પરંતુ પોષક તત્વોનો ખજાનો છે.
જો તમારી ઇમ્યુનિટી નબળી થઇ ગઇ હોય તો, કીવી ખાવું તમારા માટે ફાયદાકારક સાબિત થઇ શકે છે. તમે એક દિવસમાં એક અથવા બે જેટલા કીવી ખાઇ શકો છો.
આ પણ વાંચો:ચરબી ઘટાડવાની સારવારની ભ્રામક જાહેરાતોને લઈને ગ્રાહક સુરક્ષા સંસ્થા દ્વારા VLCC ને ₹3 લાખનો દંડ
આ પણ વાંચો:ઉપવાસમાં બનાવો સાબુદાણા મોમોઝ, આ છે હેલ્ધી નાસ્તાનો ઑપ્શન…
