India vs Newzealand/ આ ખેલાડી બે દેશો તરફથી T20 રમતી વખતે ફિફ્ટી ફટકારનાર પ્રથમ ખેલાડી બન્યો

ભારત સામે પ્રથમ વખત T20 મેચ રમવા ઉતરેલા માર્ક ચેપમેને ઝડપી બેટિંગ શરૂ કરી અને ઓપનર માર્ટિન ગુપ્ટિલની સાથે ઇનિંગ્સને ગતિ આપી. ચેપમેને ધમાકેદાર બેટિંગ કરતા 45 બોલમાં તેની બીજી T20I અડધી સદી પૂરી કરી.

Sports
માર્ક ચેપમેન

ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે ત્રણ T20 ઈન્ટરનેશનલ મેચોની સીરીઝ બુધવારથી શરૂ થઈ છે. બન્ને ટીમો જયપુરનાં સવાઈ માનસિંહ સ્ટેડિયમમાં સીરીઝની પ્રથમ T20 મેચ રમવા માટે ઉતરી હતી. આ મેચમાં ન્યૂઝીલેન્ડની ટીમ એક એવા બેટ્સમેનને રમવા માટે ઉતારે છે જેનું નામ મોટાભાગનાં ભારતીય ચાહકોએ પહેલીવાર સાંભળ્યું હશે. અમે વાત કરી રહ્યા છીએ માર્ક ચેપમેનની, જે લાંબા સમય બાદ T20 ટીમમાં પરત ફર્યો છે અને તેના આવતા જ તેના બેટની ગર્જના વિશ્વને સંભળાવવા લાગી છે. ટીમ માટે અનુભવી બેટ્સમેન માર્ટિન ગુપ્ટિલે 70 અને યુવા બેટ્સમેન માર્ક ચેપમેને 63 રન બનાવ્યા હતા. આ મેચમાં ચેપમેને પોતાની ફિફ્ટી પૂરી કરતાની સાથે જ ઈતિહાસ રચી દીધો હતો. ચેપમેન હવે બે દેશો તરફથી T20 રમતી વખતે ફિફ્ટી ફટકારનાર વિશ્વનો પ્રથમ ખેલાડી બની ગયો છે.

માર્ક ચેપમેન

આ પણ વાંચો – India vs Newzealand / ચહરે આપ્યો ગુપ્ટિલને વળતો જવાબ, આપ્યો એવો Look કે મળ્યો અનોખો એવોર્ડ

જયપુર T20 મેચમાં ભારતે ટોસ જીતીને પ્રથમ ફિલ્ડીંગ કરવાનો નિર્ણય કર્યો હતો. પ્રથમ બેટિંગ કરવા આવેલી ન્યૂઝીલેન્ડની ટીમે ઇનિંગ્સની પ્રથમ ઓવરનાં ત્રીજા બોલ પર પોતાની પ્રથમ વિકેટ ગુમાવી દીધી હતી. ન્યૂઝીલેન્ડનો સ્કોર 1 રન હતો ત્યારે ભુવનેશ્વર કુમારે ડેરીલ મિશેલને બોલ્ડ કરીને ભારતને પ્રથમ સફળતા અપાવી હતી. આ પછી, માર્ક ચેપમેન પીચ પર આવ્યો અને આ બેટ્સમેને શાનદાર રીતે ઇનિંગ્સને સંભાળી હતી. ભારત સામે પ્રથમ વખત T20 મેચ રમવા ઉતરેલા માર્ક ચેપમેને ઝડપી બેટિંગ શરૂ કરી અને ઓપનર માર્ટિન ગુપ્ટિલની સાથે ઇનિંગ્સને ગતિ આપી. ચેપમેને ધમાકેદાર બેટિંગ કરતા 45 બોલમાં તેની બીજી T20I અડધી સદી પૂરી કરી. ચેપમેને 50 બોલમાં 63 રનની ઇનિંગ રમી જેમાં 6 ચોક્કા અને 2 સિક્સ સામેલ હતી. માર્ક ચેપમેને ભારતની ધરતી પર રમતા પહેલા જ પોતાની ઓળખ બનાવી. આ દરમિયાન તેણે બીજી વિકેટ માટે માર્ટિન ગુપ્ટિલ સાથે 109 રનની શાનદાર સદીની ભાગીદારી પણ કરી હતી. તે 14મી ઓવરમાં અશ્વિનનાં હાથે બોલ્ડ થયો હતો.

માર્ક ચેપમેન

આ પણ વાંચો – T-20 SERIES / ટી-૨૦ વર્લ્ડ કપમાં મળેલી હારનો ટીમ ઇન્ડિયાએ લીધો બદલો, ન્યૂઝીલેન્ડને ૫ વિકેટથી હરાવ્યું….

માર્ક ચેપમેન ભલે આજે ન્યૂઝીલેન્ડની ટીમ માટે રમી રહ્યો છે, પરંતુ તેનો જન્મ 27 જૂન 1994નાં રોજ હોંગકોંગમાં થયો હતો. તે એક શાનદાર ઓલરાઉન્ડર છે જે તેની ડાબા હાથની બેટિંગ તેમજ સારી ડાબા હાથની સ્પિન બોલિંગ માટે જાણીતો છે. ચેપમેને તેની જુનિયર ક્રિકેટ કારકિર્દી 2014 માં શરૂ કરી હતી જ્યારે તેણે 15 વર્ષની ઉંમરે હોંગકોંગની અંડર-19 ટીમમાં સ્થાન મેળવ્યું હતું. આ પછી, નવેમ્બર 2015 માં, તે પ્રથમ વખત ODIમાં હોંગકોંગ તરફથી રમ્યો અને પ્રથમ જ મેચમાં UAE સામે સદી (124 અણનમ) ફટકારી હતી. આ પછી, વર્ષ 2018 માં, ચેપમેને ન્યૂઝીલેન્ડ માટે વનડે ડેબ્યૂ કર્યું. તેના પિતા ન્યૂઝીલેન્ડનાં હતા તેથી તેને ન્યૂઝીલેન્ડની નાગરિકતા પણ મળી હતી. તેણે ન્યૂઝીલેન્ડ માટે ચાર વનડે રમી હતી પરંતુ ચારેય મેચોમાં તે નિષ્ફળ રહ્યો હતો. તેની છેલ્લી વનડે મેચ ભારત સામે હતી. ફેબ્રુઆરી 2020માં ભારત સામેની મેચમાં ચેપમેન 1 રન પર આઉટ થયો હતો.