ગુજરાતમાં ગતરોજ શિયાળામાં ચોમાસા જેવો માહોલ જોવા મળ્યો. અનેક જિલ્લાઓમાં ભારે વરસાદને કારણે ખેતરોમાં પાણી ભરાઈ જતા પાકને નુકસાન થયું. રાજ્યમાં થયેલ માવઠાના કારણે ખેડૂતોને ખેતીમાં મોટું નુકસાન થવાનો ડર છે. જેને લઈને સરકાર સમક્ષ ખેડૂતોએ વળતરની માંગ કરી છે. રાજ્યમાં શિયાળુ પાક તરીકે મોટાભાગે ઘંઉ, ચણા, જીરું, કપાસ, વરીયાળી, ધાણાં અને મકાઈનો પાક લેવાતો હોય છે. પરંતુ કમોસમી વરસાદને પગલે ખેતીની મોટું નુકસાન થવાની ભીતિ છે. ખેડૂતોને સમર્થન આપતા ભાજપના એક નેતા તરફથી પણ ખેતીને નુકસાન થવાની ભીતિને પગલે ખેડૂતોને મદદ કરવાની રજૂઆત કરવામાં આવી.
શિયાળાની શરૂઆત સાથે ખેડૂતો શિયાળુ પાકનું વાવેતર કરતા હોય છે. અત્યાર સુધી શિયાળુ પાકનું 60 ટકા જેટલું વાવેતર થયું છે. ધાણાં, જીરું અને ઘંઉ સાથે બટાકા, રાયડો, અને લીલા શાકભાજીની વધુ વાવણી કરવામાં આવી છે. પરંતુ કમોસમી વરસાદ થતા ખેડૂતોની મહેનત પર પાણી ફરી વળ્યું છે. રાજ્યના ખેડૂતોએ વરિયાળી અને જીરાનું મોંઘુ બિયારણ વાવ્યા બાદ વરસાદ ખાબકતા જગતના તાત એવા ખેડૂતોના જીવ ઉંચા થઈ ગયા હતા. છેલ્ખેલા 24 કલાકમાં થયેલ ભારે વરસાદના કારણે ખેતરોમાં પાણી ભરાઈ ગયા હતા.
ચોમાસામાં ભારે વરસાદના કારણે ખેડૂતોના પાક ધોવાઈ ગયા હતા. ત્યારબાદ શિયાળુ પાકને પણ માવઠાનો માર પડતા ખેડૂતોમાં ચિંતા પેઠી છે. ખેડૂતો તરફથી ભાજપના ધારાસભ્યએ મુખ્યમંત્રીને પત્ર લખી સહાયની માંગણી કરી છે. રાધનપુરાના ભાજપના ધારાસભ્ય લવિંગજી ઠાકોરે મુખ્યમંત્રી અને કૃષિમંત્રીને પત્ર લખી માંગ કરી છે કે, રાજ્યમાં કમોસમી વરસાદથી ખેડૂતોને મોટુ નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. જેના કારણે જીરું, ઇસબગુલ, એરંડા, સવા સહિતના પાકોમાં માવઠામાં ધોવાઈ ગયા છે. આ મુદ્દે તાત્કાલિક સર્વે કરીને ખેડૂતોને સહાય કરવા અંગે રજૂઆત કરી.
રાજ્યમાં રવિવારે અનેક વિસ્તારોમાં ભારે વરસાદ ખાબકયો. ભારે વરસાદના કારણે પશુધન અને જાનહાનિની ઘટના બનવા પામી. ભારે વાવાઝોડાં સાથે વરસાદ પડતા 14 લોકોના મોત નિપજયા અને 30થી વધુ પશુ મૃત્યુ પામ્યા. સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર (SEOC)ના જણાવ્યા મુજબ રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં થયેલ ભારે વરસાદમાં મૃત્યુ પામવાની ઘટનામાં હજુ પણ વધારો થઈ શકે છે. અન્ય સ્થાનો પરથી વધુ વિગતો મંગાવવામાં આવી રહી હોવાની એક અધિકારીએ જણાવ્યું. હવામાન વિભાગ મુજબ આજના દિવસે પણ રાજ્યમાં અનેક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આજે દેવદિવાળી પર્વ નિમિત્તે અનેક સ્થાનો પર ઉજવણીનો માહોલ હશે ત્યારે વરસાદની સંભાવના લોકોના રંગમાં ભંગ પાડી શકે છે.
આ પણ વાંચો : કમોસમી વરસાદઃ આજે ગુજરાતના આ ત્રણ જિલ્લાઓનું આવી બન્યું
આ પણ વાંચો : હેબતપુરનો 26 વર્ષીય યુવક ઘર પાસેના ખેતરમાંથી મૃત હાલતમાં મળી આવ્યો
આ પણ વાંચો : વરસાદની આગાહી વચ્ચે કાલાવડ પંથકમાં વીજળીના કડાકા ભડાકા સાથે આવ્યું માવઠું


