તપાસનું તરકટ/ દુર્ઘટનાની ઇન્કવાયરી સત્ય સુધી પહોંચતી જ નથી

એક નાનકડી બોધકથા છેઃ સત્ય અને અસત્ય બે બહેનો હતી. એક વખત તળાવમાં ન્હાવા માટે પડી. અસત્ય વહેલી નીકળી ગઈ અને સત્યના કપડા લેતી ગઈ. ત્યારથી પૂર્ણ સત્ય બહાર આવી શકતું નથી. માત્ર હાથ બતાવે કે મો ઊંચુ કરી સ્માઇલ આપે, પૂર્ણ નગ્ન સત્ય નહી. આ કથા એટલા માટે યાદ આવી કે કોઈ તપાસ કમિટી સત્ય સુધી પહોંચી જ શકતી નથી. મુખ્યત્વે તો તગડા આરોપીઓ સુધી તપાસ કમિટીના લાંબા હાથ પહોંચી શકતા નથી. પકડાય છે સ્લીપર સેલ-પ્યાદાઓ.

Gujarat Mantavya Exclusive
તપાસનું તરકટ દુર્ઘટનાની ઇન્કવાયરી સત્ય સુધી પહોંચતી જ નથી

પ્રફુલ્લ ત્રિવેદી, એસો. એડિટર

મોટી દુર્ઘટના સર્જાય, સંખ્યાબંધ લોકોના કરૂણ મૃત્યુ નીપજે, લોકોનો રોષ પરાકાષ્ઠાએ પહોંચે ત્યારે તેને ઠારવા માટે સરકાર કે સત્તાવાળાઓ બે ઉપાય કરતા હોય છેઃ (1) આર્થિક સહાયની જાહેરાત અને (2) તપાસ કમિટીની રચના. કોઈ ચમરબંધીને નહી છોડાય તેવા હાકલા પડકારા કરાય, પણ તમે નીમેલી તપાસ કમિટીના લાંબા હાથ ચમરબંધી સુધી પહોંચે તો ને? દુર્ઘટનાનો ઓછાયો હળવો થતા અખબારોમાં આવતા સમાચારો બંધ થાય અને પછી તો લોકો તેમજ પત્રકારો પણ ભૂલી જાય. પત્રકારો પણ ક્યારેય સત્તાવાળાઓને સવાલ પૂછતા નથી કે પેલી તપાસ કમિટીનો રિપોર્ટ શું આવ્યો અને કોને સજા થઈ?

મૂળ તગડા આરોપીઓ સામે નજર સુદ્ધા કરવાના બદલે કોઈ પ્યાદાને પકડીને પૂરી દેવાય છે. આ રમત હવે તો સામાન્ય લોકો પણ સમજી ગયા છે. કેટલાક રિપોર્ટ તો માળિયે જ ચઢી જાય છે.મોરબીની કાળજુ કંપાવી દે તેવી દુર્ઘટનાની તપાસ માટે પાંચ સભ્યોની સમિતિની રચના સરકારે કરી છે. આ કમિટી સત્ય સુધી પહોંચી શકશે, સાચા ગુનેગારોને સજા કરી શકશે કે પછી દર વખત જેવું થશે તે સવાલ છે. સુરતની તક્ષશિલાની આગ અને ઉપરથી પડતા મૂકતા બાળકોની ચિચિયારીઓ, નવરંગપુરાની આગમાં ભડથું થઈ ગયેલા કોરોનાના દર્દીઓ, કાંકરિયાની રાઇડ તૂટી પડતા થયેલો હાહાકાર આ બધી તપાસ કમિટીઓએ કયા મોટા માથાને પકડ્યા? પોલીટેકનિક પાસે નવનિર્મિત ઇમારતમાં મજૂરોના મૃત્યુ થયા, પકડાયા કોણ, મજૂર પૂરા પાડતા નાના કોન્ટ્રાક્ટરો, બિલ્ડરો બચી ગયા. પૈસા માનવતા પણ ખરીદી શકે છે!

યુરોપીયન ઢબના ઝુલતા પુલનું નિર્માણ 1879માં મહારાજા વાઘજી ઠાકોરે કરાવ્યું હતું. આ પુલ સૌરાષ્ટ્રનું નજરાણુ ગણાતો હતો અને લોકોને ત્યાં મફતનું મનોરંજન મેળવવાનો હક્ક હતો. હવે તો મળતિયા કોન્ટ્રાક્ટરોને 15 વર્ષનો કોન્ટ્રાક્ટ પધરાવી દેવાય છે.
ઝુલતા પુલના સમારકામ બાદ ઊભા થતાં અનેક સવાલો

(1) સમારકામ કરનાર કંપનીએ કેવું સમારકામ કર્યુ હતુ? આ પ્રકારની કામગીરીનો તેને પૂર્વ અનુભવ હતો? રાષ્ટ્રીય કક્ષાનું ટેન્ડર બહાર પાડ્યું હતું? ટેસ્ટિંગ કે ફિટનેસ સર્ટિ.ની પરવા કેમ નહોતી કરાઈ! (2) મોરબી નગરપાલિકાના ચીફ ઓફિસર સંદીપસિંહ ઝાલા કહે છે કે અમને પૂછ્યા વગર જ બ્રિજ ચાલુ કરી દેવાયો. સવાલ એ થાય છે કે ચીફ ઓફિસરે તેને બંધ કેમ કરાવી ના દીધો? છાપામાં સમાચાર આવ્યા હતા કે એક જ દિવસમાં દસ હજાર લોકોએ ઝુલતા પુલની મુલાકાત લીધી. ગામ આખાએ વાંચ્યા હતા, તમે નહોતા વાંચ્યા? નગરપાલિકાની માલિકી હતી અને 15 વર્ષનો કોન્ટ્રાક્ટ ઓરેવા કંપનીને આપ્યો હતો, તો મૂળ માલિક તરીકે નગરપાલિકાની કોઈ જવાબદારી જ નહી. બ્રિજના લોકાર્પણનો વિડીયો વાઇરલ થયો હતો, તે પણ ચીફ ઓફિસરે નહોતો જોયો? (3) ક્ષમતા કરતાં વધુ લોકોને ટિકીટો કેમ વેચી? ત્યાં સિક્યોરિટી કે સુરક્ષાની કોઈ વ્યવસ્થા કેમ નહોતી? (4) ઉપર પુલ અને નીચે નદી હોવાથી સુરક્ષાની શરતો નગરપાલિકા સાથેના એમઓયુમાં હતી ખરી? તે નહતી તો કેમ અને હતી તો તેનું પાલન થયું હતું ખરું? (4) હવે અમને બ્રિજ ચાલુ થયાની ખબર નહોતી તેમ કરી દોષનો ટોપલો બીજે ઢોળવાનો પ્રયાસ થાય છે?

સવાલો ઘણા છે કેટલાનો જવાબ મળશે તે પ્રશ્ન છે. જેમણે પોતાના પ્રિય સ્વજન ગુમાવ્યા તેમને ન્યાય મળશે ખરો?