ગાંધીનગર/ સાહિત્યસભા દ્વારા પ્રતિષ્ઠિત સંક્ષેપકાર મહેન્દ્ર મેઘાણીને શ્રદ્ધાંજલિ અર્પણ કરાઈ

ગાંધીનગર સાહિત્યસભા અને સૌરાષ્ટ્ર કચ્છ સમાજસેવા દ્વારા સ્વ. મહેન્દ્ર મેઘાણીને શ્રદ્ધાંજલિ આપવાનો કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો હતો.

Top Stories Gujarat
j5 1 2 સાહિત્યસભા દ્વારા પ્રતિષ્ઠિત સંક્ષેપકાર મહેન્દ્ર મેઘાણીને શ્રદ્ધાંજલિ અર્પણ કરાઈ

રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીના સૌથી મોટા પુત્ર મહેન્દ્ર મેઘાણીનું 100 વર્ષની વયે હાલમાં જ અવસાન થયું છે. ગુજરાતી સાહિત્યક્ષેત્રના પ્રતિષ્ઠિત સંપાદક, સંક્ષેપકાર, અનુવાદક, સાહિત્યપ્રસારક, ગુજરાતીના અનોખા ડાયજેસ્ટ માસિક ‘મિલાપ’ના તંત્રી મહેન્દ્રભાઈ મેઘાણીનું ઑગસ્ટ 3, 2022ની રાત્રે તેમના ભાવનગરના નિવાસસ્થાને અવસાન થયુ હતું.

ગાંધીનગર સાહિત્યસભા અને સૌરાષ્ટ્ર કચ્છ સમાજસેવા દ્વારા સ્વ. મહેન્દ્ર મેઘાણીને શ્રદ્ધાંજલિ આપવાનો કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો હતો. શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ હાઈસ્કૂલ હૉલ ખાતે આયોજિત શ્રદ્ધાંજલિ કાર્યક્રમમાં સ્વ. મહેન્દ્ર મેઘાણીની તસવીરને પુષ્પાંજલિ અર્પણ કરી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી. ગાંધીનગર સાહિત્યસભાના અધ્યક્ષ સંજય થોરાતે બે મિનિટનું મૌન પાળી મહેન્દ્ર મેઘાણીની વિશિષ્ટ વાતો યાદ કરી એમની પ્રતિષ્ઠિત સંક્ષેપકાર તરીકેના કાર્યને યાદ કર્યું હતું.

સૌરાષ્ટ્ર કચ્છ સમાજસેવાના ટ્રસ્ટી મહેન્દ્રભાઈ ત્રિવેદીએ સ્વ. મહેન્દ્ર મેઘાણીને શ્રદ્ધાંજલિ અર્પણ કરતા મિલાપ મેગૅઝિનથી લઈ ફિલ્મની વાતો વાગોળી હતી. ગુજરાત સાહિત્ય અકાદમીના અધ્યક્ષ ભાગ્યેશ જહાએ મહેન્દ્ર મેઘાણીની મુલાકાત દરમિયાનના સંસ્મરણો યાદ કર્યા હતા. સૌરાષ્ટ્રના સાહિત્યના અભ્યાસી વસંત ગઢવીએ એમના પુસ્તકો અને પ્રસંગો યાદ કર્યા હતા. આચાર્ય ચેતના બુચે મહેન્દ્ર મેઘાણીના સાહિત્યને એમની શાળાના વિદ્યાર્થીઓ સમક્ષ રજૂ કરવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો.

સ્વ. મહેન્દ્ર મેઘાણીને શ્રદ્ધાંજલિ અર્પણ કરવા કવિ શ્રી કિશોર જિકાદરા, જયરાજસિંહ સરવૈયા, અરૂણભાઈ બુચ, અશોકભાઈ ત્રિવેદી, જીલુભા ધાંધલ, નિલેશ થાનકી, ડૉ. અનિલ પટેલ, ડૉ. પ્રવીણ વાટલીયા, રણછોડભાઈ પરમાર વગેરે હાજર રહ્યા હતા.