@અમિત રૂપાપરા
Surat News: સુરતના અશ્વની કુમાર વિસ્તારમાં આવેલ રૂસ્તમબાગ સ્વામિનારાયણ મંદિરના સ્વામી સાથે 3 ઇસમો દ્વારા છેતરપિંડી કરવામાં આવી છે. સ્વામી પાસેથી આ ત્રણેય લોકો 12.43 લાખ રૂપિયાના સોના-ચાંદીના દાગીના લઈને ફરાર થઈ ગયા છે અને આ સમગ્ર મામલે કાપોદ્રા પોલીસ સ્ટેશનમાં છેતરપિંડીની ફરિયાદ નોંધાય છે.
સુરતના અશ્વનીકુમારમાં રોડ પર ધરમનગર પાસે રૂસ્તમબાગ સ્વામિનારાયણ મંદિર આવેલું છે. આ મંદિરના સ્વામી ન્યાલકરણદાસને સપ્ટેમ્બર મહિનામાં શૈલેષ ઉંધાડ તરીકે ઓળખ આપીને નવસારીના વ્યક્તિએ ફોન કર્યો હતો. આ વ્યક્તિએ જણાવ્યું હતું કે મારા ઘરે દીકરાનો જન્મ થયો છે અને હું બાળલાલજીને સોના ચાંદીના દાગીનાથી તોડવા માગું છું અને આ મારો સંકલ્પ છે. આવું કહી સ્વામીને વિશ્વાસમાં લઈ એક અઠવાડિયા સુધી ફોન પર વાત કરી હતી અને શૈલેષ 15 સપ્ટેમ્બરના રોજ સવારે રૂસ્તમબાગ મંદિરે ગયો હતો અને સ્વામીને સોના ચાંદીના દાગીનાની વ્યવસ્થા કરી આપવાનું જણાવ્યું હતું અને દાગીનાના જે પૈસા થશે તે રોકડા કે ચેકથી આપવાની પણ સ્વામીને વાત કરી હતી.
જેથી સ્વામીએ 3.43 લાખ રૂપિયાના ચાંદીના દાગીના અને 9 લાખ રૂપિયાના સોનાના દાગીના તૈયાર કરાવી રાખ્યા હતા. ત્યારબાદ શૈલેષ બપોરના સમયે મંદિરે ગયો હતો અને જમ્યા બાદ આરામ કરવાનું કહીને મંદિરમાં જ રોકાયો હતો અને અમારા ઘરેથી મહિલાઓ આવી રહી છે અને દાગીનાને છાબમાં મૂકવા છે તેવું કહી સ્વામી પાસેથી દાગીના લીધા હતા અને ત્યારબાદ સ્વામી પોતાના રૂમમાં ગયા હતા અને બીજી તરફ આ શૈલેષ દાગીના લઈને ફરાર થઈ ગયો હતો.
ત્યારબાદ સ્વામીએ મંદિરના મહેતાજી નવીનભાઈને શૈલેષને બોલાવવા મોકલતા આ ભાંડો ખૂટ્યો હતો કે, શૈલેષ 12 લાખ 43 હજાર રૂપિયાના દાગીના લઈને ભાગી ગયો છે. તેથી સ્વામીએ તરત જ અનિલ કાકડીયા નામના વેપારીને ફોન કર્યા બાબતે જાણ કરતા વેપારી અનિલ કાકડીયા મંદિરે પહોંચ્યા હતા અને તેમને કાપોદ્રા પોલીસ સ્ટેશનમાં શૈલેષ વિરુદ્ધ છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે. ત્યારે એવી પણ માહિતી સામે આવી રહી છે કે શૈલેષ નામનો જે વ્યક્તિ છે તે મૂળ જેતપુરનો વતની છે અને અમદાવાદના નિકોલ વિસ્તારમાં ઇન્દ્રપ્રસ્થ સોસાયટીમાં રહે છે.
અગાઉ આ જ પ્રકારે બોટાદના સ્વામિનારાયણ મંદિરમાંથી 200 ગ્રામ સોનુ પડાવ્યું હતું અને તે ગણતરીના કલાકોમાં પકડાઈ જતા તેને મંદિરને સોનુ પરત કરી દીધું હતું. તો બીજી તરફ પોલીસે શૈલેષને અઠવાડિયામાં ત્રણ વખત ડાયાલિસિસ કરવું પડતું હોવાથી આ બાબતે કોઈ ગુનો દાખલ કર્યો ન હતો અને આ વાતનો ફાયદો ઉઠાવી શૈલેષ ફરાર થઇ ગયો હતો.
સમગ્ર મામલે જ્યારે મંદિરના કોઠારી સ્વામીનો સંપર્ક કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો ત્યારે કોઠારી સ્વામી મંદિરમાં હાજર હોવા છતાં પણ તેમના દ્વારા અન્ય સ્વામી પાસે સંદેશો મોકલવામાં આવ્યો હતો કે હાલ કોઠારી સ્વામી મંદિરમાં નથી એટલે કે સ્વામી હવે મીડિયાથી મો સંતાડી રહ્યા છે.
આ પણ વાંચો:પિતા-પુત્રીના સંબંધને લાંછન લગાડતો કિસ્સો, સાવકા પિતાએ સાવકી પુત્રી સાથે કર્યા અડપલાં
આ પણ વાંચો:ચાચરચોકમાં ગરબા માટેનો નિયમ બદલાયો, જાણો શું કરાયો ફેરફાર
આ પણ વાંચો:મહેસાણામાં ધોરણ 6, 7 અને 8ના પેપર ફૂટ્યાનો દાવો
આ પણ વાંચો:છોટાઉદેપુરની સરકારી શાળામાં મધ્યાન ભોજનમાં સડેલુ અનાજ જોવા મળ્યુ

