Surat News/ આચાર્ય દેવવ્રતની ઉપસ્થિતિમાં સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ દ્વારા ‘થર્સ ડે થોટ્સ’ના 150મા કાર્યક્રમની ભવ્ય ઉજવણી

આચાર્ય દેવવ્રતની પ્રેરક હાજરીમાં સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ–સુરત દ્વારા‘થર્સ ડે થોટ્સ’ (Thursday Thoughts) કાર્યક્રમના 150મા મણકાની ઉજવણી ‘વિચાર મહોત્સવ’ તરીકે કરવામાં આવી અને ‘100 ‘થોટ્સ બુક’’નું વિમોચન થયું.

Top Stories Gujarat Surat Breaking News
Thursday Thoughts

Surat News: સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ- સુરત દ્વારા સમાજમાં સકારાત્મક વિચારધારાના પ્રસાર માટે છેલ્લા ત્રણ વર્ષથી સતત યોજાતો ‘થર્સ ડે થોટ્સ, (Thursday Thoughts) વિચારોનું વાવેતર’ કાર્યક્રમ 150 મા મણકા સુધી પહોંચતા રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીની પ્રેરક ઉપસ્થિતિમાં 150મા ‘થર્સ ડે થોટ્સ’ને ‘વિચાર મહોત્સવ’ના રૂપમાં ઉજવણી કરવામાં આવી હતી.

કાર્યક્રમ દરમિયાન છેલ્લા 150 અઠવાડિયાથી દર ગુરુવારે યોજાતા ‘થર્સ-ડે થોટ’ કાર્યક્રમમાં રજૂ થયેલા શ્રેષ્ઠ વિચારોના સંકલનરૂપી 1 થી 100 વિચારોના ‘100 Thoughts Book’નું વિમોચન રાજ્યપાલના હસ્તે કરવામાં આવ્યું હતું.

કેનાલ રોડ સ્થિત હેપ્પીનેસ બેન્ક્વેટ હોલ ખાતે આયોજિત સમારોહમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ જણાવ્યું હતું કે, વિચારોનું વાવેતર (Thursday Thoughts) એ રાષ્ટ્ર ઘડતરનો પાયો છે. સકારાત્મક વિચારો દ્વારા જ વ્યક્તિ અને સમાજનું પરિવર્તન શક્ય છે. વિચારોના વાવેતરથી નવી પેઢીમાં ઊર્જા, સકારાત્મક અભિગમ, પહેલવૃત્તિ અને સભ્યતાનું વટવૃક્ષ પાંગરે છે. સ્નાનથી માત્ર શરીરની શુદ્ધિ થાય છે, પરંતુ મનની શુદ્ધિ સત્ય બોલવાથી, આત્માની શુદ્ધિ વિદ્યા અને તપથી તથા બુદ્ધિની શુદ્ધિ જ્ઞાનથી થાય છે. જે વ્યક્તિના વિચારો જેટલા વ્યાપક, ઉદાર અને કલ્યાણકારી હોય છે, તેટલા જ તેના વિચાર, વર્તન, વ્યવહાર અને સ્વભાવ આદર્શ બને છે.

તેમણે હંમેશા ઉચ્ચ વિચાર  (Thursday Thoughts) અને આચારને જીવનનો ભાગ બનાવવા આહ્વાન કરતા ઉમેર્યું કે, ઈતિહાસ અને સમાજ હંમેશા એવા લોકોની કદર કરે છે, જેમણે પોતાના ઉત્તમ વિચારો દ્વારા વિશ્વને સુખ આપવાનું કાર્ય કર્યું છે. આપણે ઘરની દીવાલો પર એવા મહાપુરુષોના ચિત્રો લગાવીએ છીએ જેમણે માનવતાના કલ્યાણ માટે પોતાનું બલિદાન આપ્યું હોય.આ વિચારોની શક્તિ છે જે સત્સંગ, સ્વાધ્યાય અને મનન દ્વારા પ્રાપ્ત થાય છે.

રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ ભારતીય સંસ્કૃતિના 16 સંસ્કારો અને ઋષિ પરંપરાનું મહત્વ સમજાવતા જણાવ્યું કે, આપણા ઋષિમુનિઓએ નિર્ધારિત કરેલા સંસ્કારોનો મુખ્ય ઉદ્દેશ્ય વ્યક્તિને વિચારોથી પ્રબુદ્ધ અને મજબૂત બનાવવાનો છે. મનુષ્ય પોતાના કર્મો અને ઉમદા વિચારો દ્વારા આ પૃથ્વીને સ્વર્ગ બનાવવાની ક્ષમતા ધરાવે છે.

રાજ્યપાલએ પેઢી દર પેઢી થતા પરિવર્તન અંગે ચિંતા વ્યક્ત કરતા કહ્યું કે, નવી પેઢી જો વૈચારિક રીતે મજબૂત ન હોય તો કુટુંબ અને સમાજને મોટું નુકસાન કરી બેસે છે. આ જોખમ નિવારવા માટે તેમણે સૌને ભારપૂર્વક અનુરોધ કર્યો હતો કે, આવા સામાજિક અને વૈચારિક કાર્યક્રમોમાં બાળકોને અચૂક સાથે લાવવા જોઈએ. વડીલોના સંપર્ક અને સંવાદ તેમજ અનુભવીઓના માર્ગદર્શન દ્વારા બાળકોને જીવનનું જે શિક્ષણ મળે છે તે કોઈ શાળા આપી શકતી નથી એમ જણાવી નવી પેઢીમાં સંસ્કાર અને વૈચારિક શક્તિનું (Thursday Thoughts) સિંચન એ જ સાચી રાષ્ટ્રસેવા હોવાનું સ્પષ્ટપણે કહ્યું હતું.

પૂર્વજોએ કરેલી તપસ્યા અને પરિશ્રમના ફળ ત્યારે જ જળવાઈ રહેશે જ્યારે આપણે આપણી આવનારી પેઢીને મજબૂત વૈચારિક ભાથું આપીશું એમ જણાવી રાજ્યપાલએ ઉમેર્યું કે, સંપત્તિ અને વૈભવ જો સદ્દવિચારો અને સંસ્કારથી યુક્ત નહીં હોય તો તે પતનનું કારણ બનશે. શ્રેષ્ઠ વિચારો અને સંસ્કારો જ મનુષ્યને સાચા અર્થમાં પ્રબુદ્ધ બનાવે છે.

થર્સ ડે થોટ્સમાં (Thursday Thoughts) રાજ્યપાલે સમાજ હિતલક્ષી પ્રવૃત્તિઓને બિરદાવી 

રાજ્યપાલે વિચાર યજ્ઞને પ્રજ્વલિત કરનાર સુરતના પાટીદાર અગ્રણીઓ અને જાગૃત્ત યુવાનોને બિરદાવતા જણાવ્યું કે, પટેલ સમાજે ‘રાષ્ટ્ર પ્રથમ’ અને ‘જનની-જન્મભૂમિ’ પ્રત્યેના પ્રેમને વ્યવહારમાં ચરિતાર્થ કર્યો છે. પોતાની મહેનતની કમાણીનો અંશ ગામના વિકાસ, સમાજના ભલા અને પરોપકારમાં ખર્ચીને તેઓ રાષ્ટ્રની સંપત્તિ સમાન પુરવાર થયા છે એમ જણાવી સમાજ હિતલક્ષી પ્રવૃત્તિઓને બિરદાવી હતી.

તેમણે પ્રાકૃતિક ખેતી અને સામાજિક સદ્દભાવના પર પણ ભાર મૂકી ઝેરમુક્ત પ્રાકૃતિક ખેતી જ નિરોગી કાયા અને સ્વસ્થ જીવનશૈલીનો એકમાત્ર તરણોપાય છે એમ જણાવ્યું હતું.

સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ-સુરતના પ્રમુખ કાનજીભાઈ ભાલાળાએ સ્વાગત પ્રવચનમાં જણાવ્યું હતું કે, હેલ્થ, વેલ્થ અને હેપ્પીનેસને કેન્દ્રમાં રાખીને દર ગુરૂવારે થર્સ ડે થોટ્સ (Thursday Thoughts) વિચારોના વાવેતર કાર્યક્રમ યોજાઈ રહ્યા છે. 16 માર્ચ, 2023થી શરૂ થયેલી આ સફર આજે 150માં પડાવ પર પહોંચી છે. સમાજ તરફથી મળી રહેલા અભૂતપૂર્વ પ્રતિસાદને કારણે જ આ પ્રવૃત્તિ આજે વટવૃક્ષ બની છે. ઉત્તમ વિચારો જીવનમાં ઉજાસ પાથરે છે, ખુશીનું કારણ બને છે. મહાન કાર્યો હંમેશા સારા વિચારોથી થતા હોય છે.

કાનજીભાઈએ થર્સ ડે થોટ્સ (Thursday Thoughts)માં કહ્યું કે વિચારો એ જીવનની ખરી તાકાત છે. જેવુ વિચારીએ તેવુ પામીએ. વિચારોના વાવેતર થકી હજારો લોકો જાગૃત અને પ્રગતિશીલ બન્યા છે. જે લોકો સભાનતા, વૈચારિક નિષ્ઠા અને સદ્દભાવનાથી જીવે તે જ સુખનું સાચું સરનામું છે એવો મત વ્યક્ત કર્યો હતો.

યુવા અગ્રણી ઉદ્યોગપતિ રાકેશભાઈ દુધાતે જણાવ્યું હતું કે, એક સારા વિચારથી સકારાત્મક પરિવર્તનનો માર્ગ નિર્માણ થાય છે. એક વ્યક્તિનો નાનો અમથો સારો વિચાર ક્યારેક આખા સમાજ કે રાષ્ટ્ર માટે પ્રેરણાનું ઝરણું બની શકે છે એમ જણાવી આવનારા દિવસોમાં આ વિચારયાત્રા (Thursday Thoughts) વધુ વ્યાપક બને અને વધુમાં વધુ લોકો તેમાં જોડાય એવી અપેક્ષા વ્યક્ત કરી હતી.

આ પ્રસંગે ઈફ્કોના ચેરમેન દિલીપભાઈ સંઘાણી, ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિજ્ઞાન યુનિવર્સિટીના કુલપતિ ડૉ. સી.કે. ટીંબડિયા, સુરતના અગ્રણી ઉદ્યોગપતિઓ અને સમાજ સેવકો, સવજીભાઈ વેકરિયા, ઈશ્વર ધોળકિયા, અરવિંદ ધડૂક, ઘનશ્યામભાઈ શંકર, મનહરભાઈ સાસપરા, સામાજિક અગ્રણીઓ અને મોટી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.


આ પણ વાંચો: વિધાનસભામાં પોલીસ ભરતી પર મોટો નિર્ણય! રાજ્યમાં ટૂંક સમયમાં 10 હજાર કોન્સ્ટેબલોની ભરતી કરાશે

આ પણ વાંચો: હર ઘર સ્વદેશી, ઘર ઘર સ્વદેશી, ગાંધીનગર વિધાનસભામાં ‘મહિલા આર્ટ એન્ડ ક્રાફ્ટ ફેસ્ટિવલ’ શરૂ

આ પણ વાંચો: આજથી લગ્ન નોંધણીના નવા નિયમો જાહેર થશે,વિધાનસભામાં ના. મુખ્યમંત્રી હર્ષ સંઘવી કરશે જાહેરાત