રથયાત્રા/ બે વર્ષ બાદ ભગવાન જગન્નાથજીની 145મી જળયાત્રાનો પ્રારંભ : ભક્તોમાં ઉત્સાહ અને આવું છે આયોજન

આ અભિષેકથી ‘વ્રજકુંવર’ એ ‘વ્રજરાજ’ બન્યા હતા અને એટલે જ આ દિવસે દેવને જ્યેષ્ઠાભિષેક કરવાનો વિશેષ મહિમા છે.

Top Stories Ahmedabad Gujarat
રથયાત્રા

અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રાનું વર્ષોથી અનેરું મહત્વ છે. ત્યારે બે વર્ષોથી બંધ રહેલી યાત્રાનું આજે અમદાવાદમાં ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આજે ભગવાનની જગન્નાથની જળયાત્રા નીકળે છે.  જળયાત્રાની પરંપરા મુજબ સાબરમતી નદીના ભુદરના આરે ગંગાપૂજન થશે. હાલમાં ભગવાન જગન્નાથજીની આરતી થઇ રહી છે. જમાલપુર મંદિરથી નીકળેલી જળયાત્રામાં 108 કળશ, ધજા-પતાકાની સાથે 18 ગજરાજને જોડવામાં આવ્યા છે.થોડીવારમાં જળયાત્રા સાબરમતી નદીના કિનારે પહોંચશે.જ્યાં વેદાંત પંડિતોની ઉપસ્થિતિમાં સાબરમતી નદીનું પૂજન કરવામાં આવશે. ત્યારબાદ તેમાંથી જળ એકત્ર કરીને વાજતે-ગાજતે તેને નિજમંદિર લઈ જવાશે. તે જળથી ભગવાન જગન્નાથનો જળાભિષેક કરવામાં આવશે.

કોરોના મહામારીના કારણે બે વર્ષ રથયાત્રાનું ધામધૂમથી આયોજન થઈ શક્યું ન હતું. માત્ર ધાર્મિક વિધિ પ્રમાણે રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. પરંતુ આ વર્ષે કોરોનાના નહિવત કેસો હોવાના કારણે ભવ્ય રીતે ભગવાન જગન્નાથની 145મી રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે.  આયોજન અનુસાર ભગવાન જગન્નાથની જળયાત્રા આજે નીજ મંદિરથી નીકળશે. જેમાં સાબરમતી નદીના ભૂદરના આરે ગંગાપૂજન થશે. બાદમાં 108 કળશમાં જળ ભરીને મંદિરે લાવવામાં આવશે શોડષોપચાર પૂજા વિધિ કરવામાં આવશે. ભગવાનનો જળાભિષેક કરવામાં આવશે. અને ત્યારબાદ ભગવાનના ગજવેશના દર્શન થશે. ભગવાન જગન્નાથની જળયાત્રા ભાગરૂપે બળદગાડા, હાથી અને બેન્ડવાજા સહિતની ધામધૂમથી નગરયાત્રાએ કાઢવામાં આવશે.

આ જળયાત્રામાં મુંબઈ અને ડાકોરના માધવાચાર્ય મહારાજ, અન્ય સાધુ સંતો, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવી, પૂર્વ ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજા સહિત શહેરના તમામ ધારાસભ્યો, સાંસદ સભ્યો , મેયર અને મ્યુનિસિપલ કોર્પોરેશનના પદાધિકારીઓ હાજર રહ્યા છે.

ઉલ્લેખનીય છે કે, વૈષ્ણવ પરંપરામાં આ જ્યેષ્ઠાભિષેકનું વિશેષ માહાત્મ્ય છે અને તેની સાથે એક રોચક દંતકથા જોડાયેલી છે. પ્રચલિત કથા અનુસાર શ્રીકૃષ્ણ વ્રજવાસીઓમાં ખૂબ જ લોકપ્રિય હતા. વ્રજવાસીઓ માટે તો શ્રીકૃષ્ણ જ તેમનું જીવન અને સર્વશ્વ હતા. ત્યારે વૃદ્ધાવસ્થાએ પહોંચેલાં નંદબાબાને વિચાર આવ્યો કે, ‘આ જ યોગ્ય સમય છે કે હું મારા પુત્ર કૃષ્ણને મારી જગ્યાએ વ્રજનો રાજા બનાવી દઉં. તેનો રાજ્યાભિષેક કરી દઉં’. નંદબાબાએ તેમના કુલગુરુ ગર્ગાચાર્યજી આગળ તેમનો વિચાર અભિવ્યક્ત કર્યો અને ગર્ગાચાર્યજીએ જેઠ સુદ પૂનમનું મુહૂર્ત કાઢી આપ્યું. શ્રીકૃષ્ણના રાજ્યાભિષેક માટે બધી જ પવિત્ર નદીઓના જળ મંગાવવામાં આવ્યા. આખરે, જેઠ સુદ પૂર્ણિમાનો રૂડો અવસર આવી પહોંચ્યો. ત્યારબાદ પવિત્ર નદીઓના જળથી તેમનો અભિષેક કરવામાં આવ્યો. આ સમયે ઋષિમુનિઓએ પુરુષસુક્તના મંત્રોચ્ચાર કર્યા અને અંતે શ્રીનંદરાયજીએ તેમના પુત્ર શ્રીકૃષ્ણનો રાજ્યાભિષેક કર્યો. શ્રીકૃષ્ણ પર થયેલો આ અભિષેક જ્યેષ્ઠા નક્ષત્રમાં થયો હોઈ તે ‘જ્યેષ્ઠાભિષેક’ તરીકે પ્રસિદ્ધ થયો. આ અભિષેકથી ‘વ્રજકુંવર’ એ ‘વ્રજરાજ’ બન્યા હતા અને એટલે જ આ દિવસે દેવને જ્યેષ્ઠાભિષેક કરવાનો વિશેષ મહિમા છે.

આ પણ વાંચો : રાહુલ ગાંધી ED સમક્ષ હાજર થતા કોંગ્રેસનો આક્રમક વિરોધ