Ahmedabad News/ અમદાવાદમાં ટ્રાફિક ASI લાંચ લેતા ઝડપાયો

અકસ્માત કેસ દફતરે કરવા ₹10 હજારની લાંચ (Bribe)લેતા એસીબીની જાળમાં ફસાયો

Gujarat Ahmedabad
L ડિવિઝન ટ્રાફિક પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા ASI મુકેશજી રાજપૂત અકસ્માતના કેસમાં કાર્યવાહી ન કરી અરજી દફતરે કરવા માટે ₹10 હજારની લાંચ (Bribe) લેતા રંગે હાથ ઝડપાયો છે

Ahmedabad News : અમદાવાદ શહેરમાં ભ્રષ્ટાચાર સામે એન્ટી કરપ્શન બ્યુરો (ACB)એ વધુ એક સફળ કાર્યવાહી કરી છે. L ડિવિઝન ટ્રાફિક પોલીસ (Traffic Police)સ્ટેશનમાં ફરજ બજાવતા ASI મુકેશજી રાજપૂત અકસ્માતના કેસમાં કાર્યવાહી ન કરી અરજી દફતરે કરવા માટે ₹10 હજારની લાંચ (Bribe) લેતા રંગે હાથ ઝડપાયો છે. ACBએ આરોપી સામે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.

માહિતી મુજબ, રાણીપ વિસ્તારમાં બનેલા અકસ્માતના કેસની તપાસ ASI મુકેશજી રાજપૂત કરી રહ્યા હતા. અકસ્માત કેસમાં નામ આવેલા વ્યક્તિને તપાસ માટે બોલાવવામાં આવ્યો હતો. તે પોતાના વકીલ સાથે હાજર રહ્યો હતો. આ દરમિયાન ASIએ કેસમાં આગળની કાર્યવાહી ન કરી અરજી દફતરે કરવા બદલ ₹10 હજારની લાંચ (Bribe) ની માંગણી કરી હતી.

વકીલે લાંચ આપવાનો ઇનકાર કરી સમગ્ર ઘટનાની જાણ એસીબીને કરી હતી. ફરિયાદના આધારે એસીબીએ છટકું ગોઠવ્યું હતું. ત્યારબાદ ASIએ લાંચ (Bribe) ની રકમ લેવા માટે રાણીપ પોલીસ ચોકી અને કલેક્ટર કચેરી વચ્ચે આવેલી શ્રીજી ચાની દુકાને બોલાવ્યા હતા.

નક્કી કરેલી યોજના મુજબ વકીલે ASIને ₹10 હજાર આપતા જ એસીબીની ટીમે સ્થળ પર જ દરોડો પાડી તેમને રંગે હાથ ઝડપી લીધો હતો. ત્યારબાદ આરોપી સામે ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ હેઠળ ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે તાજેતરમાં જ અમદાવાદ પોલીસ કમિશનરે ટ્રાફિક પોલીસને માત્ર ટ્રાફિક નિયમન પર ધ્યાન કેન્દ્રિત કરવા અને દંડ વસૂલાત સહિતની ગેરરીતિથી દૂર રહેવા સૂચના આપી હતી. તેવા સમયે ટ્રાફિક પોલીસના જ અધિકારી લાંચ લેતા ઝડપાતા પોલીસ વિભાગની કામગીરી પર ફરી પ્રશ્નો ઊભા થયા છે.

આ સમગ્ર પ્રકરણમાં L ડિવિઝન ટ્રાફિક પોલીસ સ્ટેશનના અન્ય કોઈ અધિકારી અથવા કર્મચારીની સંડોવણી છે કે કેમ તેની પણ ACB દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. ઉપરાંત લકઝરી બસોને ગેરકાયદેસર રીતે પરવાનગી આપવાના મુદ્દે પણ તપાસનો વ્યાપ વધે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.


આ પણ વાંચો : દાહોદના આંકલી ગામનો સરપંચ લાંચ લેતા ઝડપાયો

આ પણ વાંચો : ડોલવણનો નાયબ મામલતદાર લાંચ લેતા ઝડપાયો

આ પણ વાંચો : વડોદરામાં લાંચ લેતા ASI ઝડપાયો, મહિલા PSI સામે કાર્યવાહી