Bhavnagar News: ભાવનગર જિલ્લાના ઘોઘા તાલુકાના ઉખલા ગામમાં મોડી રાત્રે કરુણ ઘટના (Ukhla Village Incident) બની છે. વાડી વિસ્તારમાં ભેગા થયેલા કેટલાક લોકો વચ્ચે અચાનક ભાગદોડ મચતાં ત્રણ યુવકો કૂવામાં પડી ગયા હોવાનું સામે આવ્યું છે. ઘટનામાં ત્રણેય યુવકોના મોત થતાં સમગ્ર ગામમાં શોકનો માહોલ છવાઈ ગયો છે.
Ukhla Village Incident: વાડી વિસ્તારમાં 11 લોકો ભેગા હોવાની માહિતી
પ્રાથમિક માહિતી મુજબ, ઉખલા ગામના વાડી વિસ્તારમાં અંદાજે 11 જેટલા લોકો ભેગા થયા હતા. આ દરમિયાન અચાનક ભાગદોડ થતાં ત્રણ યુવકો દોડતા દોડતા નજીકના કૂવામાં પડી ગયા (Three Youth Death) હોવાનું સામે આવ્યું છે. મૃતકોમાં રાહુલ ચૌહાણ, નિલેશ ડાભી અને અજીતસિંહ નામના યુવકોનો સમાવેશ થાય છે. ત્રણેય યુવકો કૂવામાં પડતાં ગંભીર ઘટના સર્જાઈ હતી અને તેમના જીવ બચાવી શકાયા નહોતા.
સવારે એક પછી એક ત્રણ મૃતદેહ મળી આવ્યા
ઘટનાની જાણ પોલીસને થતાં વરતેજ પોલીસ (Vartej Police) સ્ટેશનની ટીમ તાત્કાલિક ઉખલા ગામે પહોંચી હતી. પોલીસને શરૂઆતમાં વાડી વિસ્તારમાં એક વ્યક્તિનો મૃતદેહ હોવાની માહિતી મળી હતી. તપાસ આગળ વધતાં કૂવામાંથી એક પછી એક કુલ ત્રણ મૃતદેહ મળી આવ્યા હોવાનું પોલીસે જણાવ્યું છે. ત્રણેય મૃતદેહોને બહાર કાઢીને પોસ્ટમોર્ટમ માટે સર ટી. હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટ અને પોલીસ તપાસ બાદ મોતનું ચોક્કસ કારણ વધુ સ્પષ્ટ થશે.
જુગાર દરમિયાન ભાગદોડનો પરિવારજનોનો દાવો
પ્રાથમિક માહિતી અનુસાર, વાડી વિસ્તારમાં જુગાર (Bhavnagar Accident) રમાતો હોવાનો દાવો સામે આવ્યો છે. પરિવારજનો તરફથી પોલીસ રેડ અથવા ભાગદોડની સ્થિતિ સર્જાઈ હોવાના આક્ષેપો પણ કરવામાં આવ્યા છે. જોકે, વરતેજ પોલીસના અધિકારીએ પોલીસ રેડ થઈ હોવાના આક્ષેપને નકારી કાઢ્યો હોવાનું સામે આવ્યું છે. પોલીસના જણાવ્યા મુજબ, ઘટના સમયે કોણ-કોણ હાજર હતું અને લોકો વાડીમાં શા માટે ભેગા થયા હતા તે સહિતના તમામ મુદ્દાઓની તપાસ ચાલી રહી છે.
એકસાથે ત્રણ યુવકોના મોતની ખબર મળતાં તેમના પરિવારજનો અને ગ્રામજનોમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે. મોટી સંખ્યામાં પરિવારજનો હોસ્પિટલ ખાતે પહોંચ્યા હતા. હાલ પોલીસે સમગ્ર ઘટનાને લઈને તપાસ શરૂ કરી છે. કૂવામાં યુવકો કેવી રીતે પડ્યા, ઘટના સમયે ત્યાં શું બન્યું અને ભાગદોડ પાછળનું સાચું કારણ શું હતું તે સહિતના પ્રશ્નોના જવાબ પોલીસ તપાસ બાદ સામે આવશે.
આ પણ વાંચો: મનપસંદ જીમખાના જુગાર કેસ: આરોપી નિકુંજ ખત્રીની આગોતરા જામીન અરજી કોર્ટે ફગાવી
આ પણ વાંચો: ભોજદે ગીરના રિસોર્ટમાં જુગારધામનો પર્દાફાશ, 9 જુગારી ઝડપાયા
આ પણ વાંચો: અમદાવાદ મનપસંદ જીમખાના જુગારકાંડમાં DGPનીકાર્યવાહી, 3 પોલીસ અધિકારીઓ સસ્પેન્ડ
