Surat News/ ઉમરપાડામાં જંગલ જમીન દબાણ મુદ્દે આદિવાસીઓનો આક્રોશ, 2 હજાર લોકોની રેલી; ઉગ્ર આંદોલનની ચીમકી

ઉમરપાડામાં જંગલ જમીન (Umarpada Forest Land) પર કથિત દબાણ અને ખેડાણના વિરોધમાં આશરે 2 હજાર આદિવાસીઓએ રેલી યોજી મામલતદારને આવેદનપત્ર આપ્યું. સ્થાનિક આગેવાનોએ કાર્યવાહી નહીં થાય તો ઉગ્ર આંદોલનની ચીમકી આપી છે.

Top Stories Gujarat Surat Breaking News
Umarpada Forest Land પર દબાણનો આક્ષેપ, 2 હજાર આદિવાસીઓ રસ્તા પર ઉતર્યા

Surat News: સુરત જિલ્લાના ઉમરપાડા તાલુકામાં જંગલ જમીન (Umarpada Forest Land) પર ખેડાણ અને દબાણના મુદ્દે સ્થાનિક આદિવાસી સમાજમાં રોષ જોવા મળી રહ્યો છે. સાગબારા તાલુકાના કેટલાક લોકો દ્વારા ઉમરપાડાની જંગલ જમીન પર ગેરકાયદેસર રીતે ખેડાણ અને દબાણ કરવામાં આવતું હોવાના આક્ષેપ સાથે આશરે 2 હજાર જેટલા આદિવાસીઓ એકત્ર થયા હતા. સ્થાનિકોએ ‘જંગલ બચાવો, આદિવાસી બચાવો’ના નારા સાથે વિશાળ વિરોધ રેલી યોજી હતી. રેલી બાદ આદિવાસીઓ ઉમરપાડા મામલતદાર કચેરી ખાતે પહોંચ્યા હતા અને રાજ્યપાલને સંબોધીને તૈયાર કરાયેલું આવેદનપત્ર મામલતદારને સુપરત કર્યું હતું.

Umarpada Forest Land
Umarpada Forest Land

Umarpada Forest Land: ‘ઉમરપાડાની જમીનનો એક ઇંચ પણ નહીં આપીએ’

ઉમરપાડાના આદિવાસી મહિલા આગેવાન અને ખોટારામપુરાના સરપંચ ચંદનબેન વસાવાએ આ મુદ્દે તંત્ર સમક્ષ પોતાની નારાજગી વ્યક્ત કરી હતી. તેમણે આક્ષેપ કર્યો હતો કે સાગબારા વિસ્તારના કેટલાક લોકો પોતાના વિસ્તારમાં જમીન ધરાવતા હોવા છતાં ઉમરપાડામાં જંગલ જમીન (Umarpada Forest Land) પર દબાણ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. સ્થાનિક લોકોને ધમકાવવામાં આવતા હોવાનો પણ તેમણે આક્ષેપ કર્યો હતો. ચંદનબેન વસાવાના જણાવ્યા પ્રમાણે, સ્થાનિક વિસ્થાપિતોના જમીન સંબંધિત હકો હજુ પણ બાકી છે. આવી સ્થિતિમાં બહારના લોકો દ્વારા ઉમરપાડાની જમીન પર દબાણ કરવામાં આવે તે આદિવાસી સમાજ કોઈપણ સંજોગોમાં સહન નહીં કરે. તેમણે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું કે ઉમરપાડાની જમીનનો એક પણ ઇંચ આપવા માટે સ્થાનિકો તૈયાર નથી.

‘ખોટા પુરાવાથી સરકારને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ’

તાલુકા આદિવાસી આગેવાન અને વડગામના સરપંચ જીવણભાઈ વસાવાએ પણ સમગ્ર મામલે ગંભીર આક્ષેપો કર્યા હતા. તેમણે દાવો કર્યો હતો કે સાગબારા વિસ્તારના લોકો દ્વારા ખોટા પુરાવા ઊભા કરીને સરકાર અને વહીવટી તંત્રને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ થઈ રહ્યો છે. તેમના જણાવ્યા પ્રમાણે, સાગબારા તાલુકાના આશરે 12 જેટલા ગામોના લોકો ઉમરપાડાની જમીન પર દાવો કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. જીવણભાઈ વસાવાએ કહ્યું હતું કે જંગલ અને જમીનના રક્ષણ માટે સ્થાનિક આદિવાસી સમાજ એકજૂથ છે અને કોઈપણ પ્રકારના ગેરકાયદેસર દબાણ સામે સામૂહિક રીતે અવાજ ઉઠાવવામાં આવશે.

મામલતદારને આવેદન આપી રજૂઆત

વિરોધ રેલી દરમિયાન મોટી સંખ્યામાં લોકો ઉમટ્યા હતા. રેલી બાદ મામલતદાર કચેરી પહોંચેલા આગેવાનોએ જમીન દબાણ અને ગેરકાયદેસર ખેડાણ અંગે તંત્રનું ધ્યાન દોર્યું હતું. આદિવાસી સમાજ દ્વારા રાજ્યપાલને સંબોધીને આવેદનપત્ર સુપરત કરવામાં આવ્યું હતું. આવેદનમાં જંગલ જમીન (Umarpada Forest Land) પર થઈ રહેલા કથિત દબાણ અને ખેડાણ સામે કાર્યવાહી કરવાની તેમજ સ્થાનિકોના હકોનું રક્ષણ કરવાની માગ કરવામાં આવી હોવાનું જણાવાયું છે.

કાર્યવાહી નહીં થાય તો ઉગ્ર આંદોલનની ચીમકી

સ્થાનિક આદિવાસીઓએ તંત્રને ચેતવણી આપી છે કે જો આગામી દિવસોમાં જંગલ જમીન (Umarpada Forest Lan) પર થતું કથિત ગેરકાયદેસર ખેડાણ અને દબાણ અટકાવવામાં નહીં આવે તો આંદોલનને વધુ ઉગ્ર બનાવવામાં આવશે. આગામી દિવસોમાં મોટી સંખ્યામાં આદિવાસીઓ રસ્તા પર ઉતરી ધરણા કરશે તેવી ચીમકી પણ આપવામાં આવી છે. હાલ સમગ્ર મામલે સ્થાનિક આદિવાસીઓના આક્ષેપો વચ્ચે વહીવટી તંત્ર દ્વારા શું કાર્યવાહી કરવામાં આવે છે તેના પર સૌની નજર છે.


આ પણ વાંચો:નર્મદાના સાગબારામાં જંગલ જમીન મુદ્દે ચોથા દિવસે પણ ધરણાં, ધારાસભ્યએ આપ્યું આશ્વાસન

આ પણ વાંચો:સાગબારામાં જંગલ જમીનના હક્ક માટે 300થી વધુ ખેડૂતોના ધરણાં, મનસુખ વસાવાની CM સાથે મુલાકાત

આ પણ વાંચો:સાગબારામાં જંગલ જમીન વિવાદ ઉગ્ર, મોટી સંખ્યામાં આદિવાસીઓ એકત્ર