Not Set/ વડનગરમાં 12મી અને 13મી નવેમ્બરના રોજ યોજાશે તાના-રીરી મહોત્સવ

તાનસેનને દીપક રાગનું ગાન કરતાં, તેના શરીરમાં અગનજવાળાઓ ઉઠી હતી. જેને મેઘ મલ્હાર રાગ ગાઇ તાના-રીરી બહેનોએ શાંત કરી હતી. આ બાબતની જાણ થતાં અકબર બાદશાહે બે બહેનોને દીલ્હી દરબારમાં બોલાવ્યા હતા પરંતુ તેઓ ત્યાં ન જતા વડનગર ખાતે જાતે અગ્નિસ્નાન કર્યું હતું.

Top Stories Gujarat
વડનગરમાં તાનારીરી મહોત્સવ યોજાશે વડનગરમાં 12મી અને 13મી નવેમ્બરના રોજ યોજાશે તાના-રીરી મહોત્સવ

કવિ નરસિંહ મહેતાની દૌહિત્રી શર્મિષ્ઠાની સુપુત્રીઓ તાના-રીરીની યાદમાં દર વર્ષે વડનગર ખાતે તાના-રીરી મહોત્સવનું આયોજન કરવામાં આવે છે. આ વર્ષે 12મી નવેમ્બરના રોજ વડનગર ખાતે તાના-રીરી મહોત્સવ-2021 નો શુભારંભ કરવામાં આવશે. જ્યારે 13મીએ સાંજે તાના-રીરી મહોત્સવનો સમાપન સમારોહ યોજાશે.  આ પ્રસંગની પૂર્વ તૈયારીના ભાગરૂપે મહેસાણા જિલ્લા કલેકટર દ્વારા બેઠક બોલાવવામાં આવી હતી અને તૈયારીઓ વિશે ચર્ચા કરવામાં આવી હતી.

ઉલ્લેખનીય છે કે, તાનસેનને દીપક રાગનું ગાન કરતાં, તેના શરીરમાં અગનજવાળાઓ ઉઠી હતી. જેને મેઘ મલ્હાર રાગ ગાઇ તાના-રીરી બહેનોએ શાંત કરી હતી. આ બાબતની જાણ થતાં અકબર બાદશાહે બે બહેનોને દીલ્હી દરબારમાં બોલાવ્યા હતા પરંતુ તેઓ ત્યાં ન જતા વડનગર ખાતે જાતે અગ્નિસ્નાન કર્યું હતું. આ બે બહેનોની યાદમાં રાજ્ય સરકાર દ્વારા દર વર્ષે તાના-રીરી મહોત્સવ ઉજવાય છે.

આ મહોત્સવ દર વર્ષે કારતક સુદ નોમના દિવસે ઉજવવામાં આવે છે. વર્ષ 2010થી તાના-રીરી સંગીત સન્માન એવોર્ડ આપવાની શરૂઆત તત્કાલીન મુખ્યમંત્રી અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા કરવામાં આવી હતી.

અત્યારસુધી કોને મળ્યા એવોર્ડ?

૨૦૧૦માં સુપ્રસિદ્ધ ગાયિકા સ્વર કિન્નરી લતામંગેશકર-ઉષા મંગેશકર બહેનોને, ૨૦૧૧-૧૨માં પદ્મભુષણ ગિરીજાદેવી, ૨૦૧૨-૧૩માં કિશોરી આમોનકર, ૨૦૧૩-૧૪માં બેગમ પરવીન સુલ્તાના, ૨૦૧૪-૧૫માં સ્વર યોગીની ડૉ. પ્રભા અત્રે તેમજ ર૦૧૬-૧૭માં શ્રીમતી મંજુબહેન મહેતા અને શ્રીમતી ડૉ. લલીથ રાવને તથા ર૦૧૭-૧૮માં પદ્મશ્રી આશા ભોંસલે અને ર૦૧૮-૧૯માં વિદૂષી સુશ્રી રૂપાંદે શાહ અને ર૦૧૯-ર૦માં અશ્વિની ભીંડે તથા પિયુ સરખેલ જેવા સ્વનામ ધન્ય મહિલા કલાકારો રાજ્ય સરકાર દ્વારા આ એવોર્ડ સન્માનથી વિભૂષિત કરવામાં આવેલા છે.

વર્ષ 2019માં એક જ દિવસમાં ત્રણ વિશ્વક્રમ નોંધાયા

પહેલો વર્લ્ડ રેકોર્ડ : તબલા તાલીમ સંસ્થા અમદાવાદના 8 પ્રજ્ઞાચક્ષુ સહિત 150 કલાકારો દ્વારા તબલાવાદન કરાયું. જેમાં 30 મિનિટમાં 28 તાલ રજૂ કરાયા. 6થી 60 વર્ષ સુધીના કલાકારોએ તબલાની એવી તો સંગીત રચી દર્શકો આફરીન પોકારી ગયા. આ કાર્યક્રમનું સંચાલન મુંજાલ મહેતાએ કર્યુ, જ્યારે હાર્મોનિયમની સંગત આપી હતી કલ્પેશ ભોજકે.  આ 28 તાલ રજૂ કરાયા : કહેરવા, દાદરા, ત્રીતાલ, જયતાલ, એકતાલ, ખેમરા, રૂપક, તેવરા, ચૌતાલ, ઘુમાળી, હિંચ, દીપચંદી, શૂલ, તીલવાડા, ચિત્ર, નટ, મોહિની, સદાનંદ, હંસલી, ધમાર, ઝુમર, અધ્ધા, પંજાબી, જત, ટપ્પા, પસ્તો, કૂરોદસ્ત, અને વસંત તાલ.

બીજો વર્લ્ડ રેકોર્ડ : કલાગુરુ શીતલબેન બારોટ દ્વારા એક જ મિનિટમાં નવરસની પ્રસ્તુતિ ભરતનાટ્યમ નૃત્ય શૈલીમાં કરાઇ. આ નવરસમાં શૃંગાર રસ, હાસ્ય રસ, કરુણ રસ, રૌદ્ર રસ, વીર રસ, ભયાનક રસ, બીભત્સ રસ, અદભૂત રસ અને શાંત રસ.

ત્રીજો વર્લ્ડ રેકોર્ડ : 108 વાંસળીવાદકો દ્વારા ગાંધીજીની 150મી જન્મ જયંતી નિમિત્તે ગાંધીજીને અંજલી સ્વરૂપે વૈષ્ણવજન તો તેને રે કહીએ…. રાગ ખમાજ પર અને ત્યારબાદ તરત જ રાષ્ટ્રગાન જન ગણ મન. પાંચ મિનિટમાં વગાડી નવો વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો. જેના ગૃપ લીડર હતા ભરત વ્યાસ અને ગૃપ માર્ગદર્શક હતા સંજીવ ધારૈયા.