Vadodara News/ નિવૃત્ત અધિકારીને 18 દિવસ ઘરમાં જ ‘ડિજિટલ એરેસ્ટ’ રાખી ₹1.59 કરોડ પડાવ્યા

Vadodaraના વાસણા રોડ પર ઇન્સ્યોરન્સ કંપનીના નિવૃત્ત અધિકારીને CBI અને પોલીસનો ડર બતાવી 18 દિવસ સુધી ડિજિટલ એરેસ્ટ રાખી ₹1.59 કરોડ પડાવી લેવાયા. સાયબર પોલીસે તપાસ શરૂ કરી.

Top Stories Gujarat Vadodara
Vadodara Digital Arrest Case

Vadodara Digital Arrest Case: સંસ્કારી નગરી વડોદરામાં સાયબર ગુનેગારોનો આતંક અને હિંમત સતત વધી રહ્યા છે, જેનો તાજો શિકાર એક સિનિયર સિટીઝન બન્યા છે. વડોદરાના વાસણા રોડ પર આવેલા હરીનગર વિસ્તારમાં રહેતા એક પ્રતિષ્ઠિત ઇન્સ્યોરન્સ કંપનીના નિવૃત્ત અધિકારીને સીબીઆઈ (CBI), મુંબઈ પોલીસ અને કોર્ટના જજનો ખોટો ડર બતાવી સાયબર ઠગોએ સતત 18 દિવસ સુધી ઘરમાં જ ‘ડિજિટલ એરેસ્ટ’ (Digital Arrest) કરી રાખ્યા હતા. આ સમય દરમિયાન વેરિફિકેશન અને તપાસના બહાને નિવૃત્ત અધિકારી પાસેથી આશરે ₹1.59 કરોડની માતબર રકમ પડાવી લેવામાં આવી હોવાની ચોંકાવનારી ફરિયાદ વડોદરા સાયબર સેલ પોલીસ મથકે નોંધાતા સમગ્ર શહેરમાં ચકચાર મચી ગઈ છે.

Vadodara : એક ફેક ફોન કોલથી શરૂ થઈ ઠગાઈની જાળ

ભોગ બનનાર નિવૃત્ત અધિકારી અતુલ કાશીદેવે સાયબર પોલીસને જણાવ્યું કે, ગત 10મી માર્ચે તેમના મોબાઈલ પર ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી (TRAI) માંથી માનવ શર્મા નામના વ્યક્તિનો ફોન આવ્યો હતો. તેણે ધમકાવતા જણાવ્યું કે, “મહારાષ્ટ્રમાંથી તમારા નામે ઇસ્યુ થયેલા એક સીમકાર્ડનો ગેરકાયદે અને રાષ્ટ્રવિરોધી પ્રવૃત્તિઓમાં ઉપયોગ થઈ રહ્યો છે, જેથી તમારે ક્રાઈમ બ્રાન્ચના અધિકારી ઇન્દ્રજીત રાણા પાસેથી ક્લિયરન્સ સર્ટિફિકેટ લેવું પડશે.” જ્યારે અતુલભાઈએ ડરના માર્યા કથિત અધિકારી ઇન્દ્રજીત સાથે વાત કરી ત્યારે તેણે વધુ ડરાવી-ધમકાવીને તેમના તમામ બેંક ખાતાની ગુપ્ત વિગતો મેળવી લીધી હતી.

 મની લોન્ડરિંગનો આરોપ અને 7 વર્ષની જેલની ધમકી

ત્યારબાદ આ સ્ક્રિપ્ટેડ કેસમાં સીબીઆઈ (CBI) ના નકલી ઓફિસર વિજય પ્રકાશ નામના વ્યક્તિની એન્ટ્રી થઈ હતી. તેણે અતુલભાઈ પર માનસિક દબાણ વધારતા કહ્યું કે, “નરેશ રોયલ નામના મોસ્ટ વોન્ટેડ ગુનેગારે તમારા નામે બેંક એકાઉન્ટ ખોલાવીને ₹538 કરોડના ગેરકાયદે નાણાકીય વ્યવહારો કર્યા છે અને અલગ-અલગ 242 બેંક ખાતા ખોલ્યા છે. આ મોટા કૌભાંડમાં કમિશન પેટે તમને પણ ₹25 લાખ મળ્યા છે.” ઠગોએ સ્કાઇપ (Skype) વીડિયો કોલ મારફતે અતુલભાઈને ઓફિશિયલ દેખાતી નકલી એફઆઈઆર (FIR), સીબીઆઈ અને સુપ્રીમ કોર્ટના બોગસ લેટરપેડ વાળી નોટિસો મોકલી આપી હતી. તેમણે ધમકી આપી હતી કે જો તેઓ કોઈને પણ કહેશે તો તેમને 7 વર્ષની જેલ થશે અને સમાજમાં તેમની આબરૂ ધૂળમાં મળી જશે.

દર 2 કલાકે વીડિયો કોલ પર હાજરીનો આદેશ!

સાયબર ઠગોએ અતુલભાઈ પર એવો ભયંકર સાયકોલોજિકલ પ્રેશર બનાવ્યો હતો કે નિવૃત્ત અધિકારી સંપૂર્ણપણે હિંમત હારી ગયા હતા. ઠગોએ તેમને ઘરના બારી-બારણાં હંમેશા બંધ રાખવા, પત્નીને પણ સાથે જ રૂમમાં બેસાડી રાખવા અને કામવાળી કે અન્ય કોઈ પણ સગા-સંબંધીને આ તપાસ અંગે વાત ન કરવા કડક આદેશ આપ્યો હતો. એટલું જ નહીં, રાષ્ટ્રીય સુરક્ષાના નામે દર બે કલાકે સ્કાઇપ વીડિયો કોલ કરીને પોતાની ઓનલાઈન હાજરી પુરાવવાનું પણ દબાણ કર્યું હતું. આ આંધળા ડરના માર્યા નિવૃત્ત અધિકારીએ પોતાની જીવનભરની કમાણી, તમામ બેંક એફડી (FD) અને સેવિંગ્સ એકાઉન્ટ તોડીને કુલ ₹1.59 કરોડ ઠગોએ આપેલા અલગ-અલગ એકાઉન્ટ્સમાં ટ્રાન્સફર કરી દીધા હતા.

સાયબર સેલના એક્શનથી બાકીના લાખો રૂપિયા બચ્યા

જ્યારે અતુલભાઈ વધુ રકમ ઉપાડવા અને બાકીની એફડી તોડવા બેંક પહોંચ્યા, ત્યારે બેંકના મેનેજર અને સત્તાવાળાઓને આટલા મોટા શંકાસ્પદ વ્યવહારો જોઈને શંકા ગઈ હતી. તેમણે તાત્કાલિક અતુલભાઈની પુત્રીને ફોન કરીને આ બાબતની જાણ કરી. પુત્રીએ જ્યારે પિતાને વીડિયો કોલ કર્યો ત્યારે પિતાએ પોતે કોઈ મોટી સિક્રેટ તપાસમાં હોવાનું અને ડિજિટલ એરેસ્ટ હોવાનું જણાવ્યું હતું. પુત્રી તરત જ સમજી ગઈ કે તેના પિતા કોઈ સાયબર ગેંગની જાળમાં ફસાયા છે. તેણે સમય બગાડ્યા વગર તાત્કાલિક વડોદરા સાયબર સેલનો સંપર્ક કર્યો.

સાયબર પોલીસની ત્વરિત કાર્યવાહીને કારણે ઠગોના બેંક એકાઉન્ટ તાત્કાલિક હોલ્ડ (ફ્રીઝ) કરી દેવાયા હતા, જેના કારણે કોર્ટ મારફતે અતુલભાઈના ₹11.36 લાખ પરત મેળવવામાં મોટી સફળતા મળી છે. હાલ સાયબર ક્રાઈમ પોલીસે અજાણ્યા ઠગો સામે ગુનો નોંધીને આંતરરાજ્ય ગેંગને પકડવા તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.


આ પણ વાંચો: ભુજમાં નિવૃત્ત મહિલા PSIને ડિજિટલ એરેસ્ટના જાળમાં ફસાવીને રૂ. 83.44 લાખની ઠગાઈ

આ પણ વાંચો:  હૈદરાબાદ ડિજિટલ એરેસ્ટ ફ્રોડનું ભાવનગર કનેક્શન, બે શખ્સ ઝડપાયા

આ પણ વાંચો: સુરતમાં યુવાનને ડિજિટલ એરેસ્ટ કરનારા સાઇબર માફિયાને મદદરૂપ થનારાની ધરપકડ