Vadodara News: વડોદરા નજીક કરચિયા ગામ (Karachiya Village News)માં 19 વર્ષીય પરિણીતાનું એસિડ પીધા બાદ સારવાર દરમિયાન મોત થયું છે. યુવતીના પરિવારજનોએ તેના પતિ સામે દહેજની માંગણી, મારપીટ અને શારીરિક-માનસિક ત્રાસ આપવાના આક્ષેપ (Vadodara Dowry Case) કર્યા છે. આ મામલે યુવતીની માતાએ જવાહરનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે તપાસ શરૂ કરી છે.
મૃતકની ઓળખ કાજલ તળપદા (Kajal Talpada Death) તરીકે થઈ છે. તેના લગ્ન આશરે છ મહિના પહેલાં જ થયા હતા. પરિવારના જણાવ્યા અનુસાર, લગ્ન બાદથી તેને પતિ દ્વારા ત્રાસ આપવામાં આવતો હોવાનો આક્ષેપ છે.
Vadodara Dowry Case: છ મહિના પહેલાં જ થયા હતા લગ્ન
આણંદ જિલ્લાના બોરસદ તાલુકાના પામોલ રોડ પર આવેલા ગોકુલનગરમાં રહેતાં સજ્જનબેન તળપદાની દીકરી કાજલનાં લગ્ન 9 એપ્રિલ, 2026ના રોજ વડોદરાના કરચિયા ગામમાં રહેતા અશોકભાઈ માળીના પુત્ર હર્ષદ સાથે થયાં હતાં.
પરિવારની ફરિયાદ મુજબ, લગ્ન બાદ હર્ષદ દહેજના પૈસાની માંગણી કરીને કાજલ સાથે વારંવાર ઝઘડો કરતો અને મારપીટ કરતો હોવાનો આક્ષેપ છે. કાજલ જ્યારે પિયર આવતી ત્યારે માતાને સાસરે મળતા ત્રાસ વિશે જણાવતી હતી. માતાએ તેને સમજાવીને લગ્નજીવનમાં સમાધાન જાળવવાનો પ્રયાસ કર્યો હતો.
અગાઉ પણ ઝઘડા બાદ પિયર મૂકી ગયો હોવાનો આક્ષેપ
પરિવારના જણાવ્યા મુજબ, આશરે બે મહિના પહેલાં પણ પતિ સાથે ઝઘડો થયા બાદ કાજલને માર મારવામાં આવ્યો હતો અને તેને બોરસદ ખાતે પિયર મૂકી જવામાં આવી હતી. ત્યારબાદ નવરાત્રિ દરમિયાન સમાજના આગેવાનોની મધ્યસ્થીથી સમાધાન થયું હતું. દશેરાના દિવસે પરિવારજનો કાજલને ફરી તેના સાસરે કરચિયા મૂકી આવ્યા હતા.
પરિવારના જણાવ્યા અનુસાર, ઘટનાની આગલી રાત્રે કાજલે ફોન પર પરિવારજનો સાથે વાત કરી હતી. આ સમયે તે ગભરાયેલી જણાતી હતી.
વહેલી સવારે એસિડ પીધાની જાણ થઈ
25 ઑક્ટોબરની વહેલી સવારે આશરે 4 વાગ્યે કાજલના દાદા સસરા માનસિંગભાઈનો પરિવારને ફોન આવ્યો હતો. તેમણે કાજલે એસિડ પી લીધું હોવાનું જણાવ્યું હતું. ત્યારબાદ પરિવારજનો તેને વડોદરાના છાણી વિસ્તારમાં આવેલી શ્રીજી હોસ્પિટલમાં લઈ ગયા હતા. ત્યાં તેને ICUમાં દાખલ કરવામાં આવી હતી, પરંતુ સારવાર દરમિયાન તેનું મોત થયું હતું.
પિતાએ ન્યાયની માગ કરી
કાજલના પિતા કાભઈ તળપદાએ દીકરીના મોત બાદ ન્યાયની માગ કરી છે. તેમણે આક્ષેપ કર્યો હતો કે સાસરી પક્ષ તરફથી કેસમાં સમાધાન કરવા માટે તેમને રૂ. 10 લાખ આપવાની ઓફર કરવામાં આવી છે.
પિતાએ જણાવ્યું હતું કે, તેઓ પૈસાના બદલામાં સમાધાન કરવા માગતા નથી, પરંતુ પોતાની દીકરી માટે ન્યાય ઇચ્છે છે.
પતિ સામે ફરિયાદ, પોલીસ તપાસ શરૂ
કાજલની માતા સજ્જનબેને પતિ હર્ષદ અશોકભાઈ માળી સામે દહેજની માગણી, મારપીટ અને શારીરિક-માનસિક ત્રાસ આપવાના આક્ષેપ સાથે જવાહરનગર પોલીસ (Jawaharnagar Police) સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે ફરિયાદના આધારે તપાસ શરૂ કરી છે. આક્ષેપોની સત્યતા તપાસ બાદ સ્પષ્ટ થશે.
આ પણ વાંચો: દહેજ બ્લાસ્ટના પીડિતોને વળતર: સુપ્રીમ કોર્ટનો આદેશ, ગુજરાત HCને સુઓ મોટુ કેસ નોંધવા કહ્યું
આ પણ વાંચો: ભરૂચમાં દહેજ GIDCની કંપનીના સોલ્વન્ટના ડ્રમમાં આગ લાગતા ધુમાડાના ગોટેગોટા, 8 ફાયર ટેન્ડરોએ સંભાળ્યો મોરચો
આ પણ વાંચો: સિદ્ધપુરમાં રૂ.3 લાખ દહેજની માંગણીનો આક્ષેપ, પતિ સહિત 7 સાસરિયા સામે ફરિયાદ
