Vadodara News: વડોદરા શહેરના ગોરવા પોલીસ સ્ટેશન (Vadodara Gorwa Police) હેઠળ આવેલી ઇલોરાપાર્ક પોલીસ ચોકીમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. અરજીના અનુસંધાને નિવેદન આપવા આવેલા યુવક પર યુવતીએ પોલીસની હાજરીમાં જ થપ્પડ મારી દીધી હોવાનો મામલો સામે આવ્યો છે. સાથે જ યુવતીએ પોતાના ઓળખીતાઓને બોલાવી યુવકને જાનથી મારી નાખવાની ધમકી અપાવ્યાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે.આ સમગ્ર ઘટનાએ પોલીસ તંત્ર અને કાયદો-વ્યવસ્થાને લઈને અનેક સવાલો ઊભા કર્યા છે.
Vadodara Gorwa Police: પોલીસ ચોકીમાં જ થપ્પડ અને ધમકીનો આક્ષેપ
ગોરવા પોલીસમાં નોંધાયેલી ફરિયાદ મુજબ, કરોડિયા રોડ વિસ્તારમાં રહેતા પાર્થ અશોકભાઈ રોહિત સામે યુવતી ઉર્વશી નાઈએ અરજી કરી હતી. આ મામલે નિવેદન નોંધાવવા પાર્થ પોતાના પરિવારજનો અને મિત્રોને સાથે લઈને ઇલોરાપાર્ક પોલીસ ચોકી પહોંચ્યો હતો.આ દરમિયાન ઉર્વશી નાઈ અને પાર્થ વચ્ચે બોલાચાલી થઈ હતી.
ફરિયાદ અનુસાર, ઉશ્કેરાયેલી યુવતીએ પોલીસ ચોકીમાં જ પાર્થને જાહેરમાં થપ્પડ મારી દીધી હતી. ત્યારબાદ તેણે ફોન કરીને પોતાના ઓળખીતાઓને સ્થળ પર બોલાવ્યા હતા.આરોપ છે કે સ્થળ પર આવેલા શખ્સોએ પાર્થને રૂપિયા પરત આપવા અને નહીં તો જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. પોલીસ સ્ટાફ અને અન્ય લોકો વચ્ચે પડતાં મામલો વધુ ઉગ્ર બનતા અટક્યો હતો.

યુવતીના ગંભીર આક્ષેપો: “તાંત્રિક વિધિથી લગ્ન કરાવ્યા”
બીજી તરફ યુવતી ઉર્વશી નાઈએ યુવક પાર્થ રોહિત સામે ગંભીર આક્ષેપો કર્યા છે. યુવતીના જણાવ્યા અનુસાર, બંનેની ઓળખ એક્સિસ બેંકમાં નોકરી દરમિયાન થઈ હતી. પાર્થએ અગાઉ તેની પાસેથી મોટી રકમ લીધી હતી અને પૈસા પાછા માંગતાં પ્રેમ સંબંધ માટે દબાણ કરવાનું શરૂ કર્યું હતું.યુવતીનો આક્ષેપ છે કે નડિયાદના એક તાંત્રિક મારફતે તેના પર તાંત્રિક વિધિ કરાવી તેને લગ્ન કરવા મજબૂર કરવામાં આવી હતી.
“લગ્ન બાદ બંધક બનાવી ત્રાસ અપાયો”
ઉર્વશીના જણાવ્યા અનુસાર, લગ્ન બાદ તેને લગભગ સાડા ત્રણ મહિના સુધી ઘરમાં બંધક બનાવી રાખવામાં આવી હતી અને શારીરિક તેમજ માનસિક ત્રાસ આપવામાં આવ્યો હતો. યુવતીએ એવો પણ દાવો કર્યો છે કે આ પરિસ્થિતિથી કંટાળીને તેણે આત્મહત્યાનો પ્રયાસ પણ કર્યો હતો.
“7 અરજીઓ છતાં ફરિયાદ નોંધાઈ નહીં” – યુવતીનો આક્ષેપ
યુવતીએ પોલીસ (Vadodara Gorwa Police) તંત્ર પર પણ ગંભીર સવાલો ઉઠાવ્યા છે. તેના જણાવ્યા અનુસાર, છેલ્લા દોઢ વર્ષમાં તેણે અલગ-અલગ જગ્યાએ કુલ સાત લેખિત અરજીઓ કરી હતી, છતાં યોગ્ય કાર્યવાહી કરવામાં આવી નથી.ઉર્વશીએ ગોરવા પોલીસ સ્ટેશનના PI સામે પણ મૂળ ફરિયાદ ન નોંધવાના આક્ષેપ કર્યા છે.
PIનો જવાબ: “યુવતીની ફરિયાદ અગાઉ લેવાઈ હતી”
આ સમગ્ર મામલે ગોરવા પોલીસ સ્ટેશન (Vadodara Gorwa Police)ના PI કે.એન. લાઠિયાએ જણાવ્યું કે દોઢ વર્ષ પહેલા યુવતીની ફરિયાદ લેવામાં આવી હતી. તેમણે કહ્યું કે યુવતી દ્વારા કેટલાક ખોટા આક્ષેપો સાથે અરજીઓ કરવામાં આવી હતી. હાલ સમગ્ર મામલે તપાસ ચાલી રહી છે. પોલીસ ચોકીમાં બનેલી આ ઘટનાએ હવે સોશિયલ મીડિયા પર પણ ભારે ચર્ચા જગાવી છે. એક તરફ યુવક સામે ગંભીર આક્ષેપો છે, તો બીજી તરફ પોલીસ ચોકીમાં જ થયેલી મારામારી અને ધમકીઓએ સુરક્ષા વ્યવસ્થાને લઈને સવાલો ઊભા કર્યા છે.
આ પણ વાંચો:જુનાગઢના મેળામાં “અતિથિ દેવો ભવ”ના ધજાગરા ઉડ્યા, વિદેશી યુવતીની જાહેરમાં છેડતી
આ પણ વાંચો:‘ગર્લફ્રેન્ડને થપ્પડ મારી, ચહેરા પર લાત મારી અને બેહોશ થાય ત્યાં સુધી મારી’
આ પણ વાંચો:વડોદરાના નવાયાર્ડમાં સહેબાઝ પઠાણની દાદાગીરી, ઉભેલા એક્ટિવા ચાલકને આવીને માર્યો લાફો
