Maharashtra Marathi Language Rule: મહારાષ્ટ્રમાં ઓટો-રિક્ષા અને ટેક્સી ચલાવતા ડ્રાઇવરો માટે મરાઠી ભાષાનું કાર્યકારી જ્ઞાન હોવું હવે ફરજિયાત બનાવવામાં આવ્યું છે. આ નિયમનો કડક અમલ કરવા માટે રાજ્ય સરકાર ગુરુવારથી ખાસ ઝુંબેશ શરૂ કરશે.
રાજ્યના પરિવહન પ્રધાન પ્રતાપ સરનાઇકે બુધવારે જાહેરાત કરી હતી કે મરાઠી ભાષાનું જરૂરી જ્ઞાન ન ધરાવતા ડ્રાઇવરો સામે કાર્યવાહી કરવામાં આવશે. આ ઉપરાંત નવા બેજ આપતી વખતે ડ્રાઇવરને મરાઠી ભાષા આવડે છે કે નહીં તેની ચકાસણી કરવામાં આવશે.
મંત્રાલય ખાતે યોજાયેલી પત્રકાર પરિષદમાં સરનાઇકે જણાવ્યું હતું કે પ્રાદેશિક પરિવહન કચેરી (RTO)ના અધિકારીઓને ડ્રાઇવરના મરાઠી જ્ઞાનની ચકાસણીની સમગ્ર પ્રક્રિયાનું વીડિયો રેકોર્ડિંગ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. અધિકારીઓએ નક્કી કરાયેલી પ્રક્રિયાનું પાલન કરવાનું રહેશે.
તાજેતરમાં રાજ્યના મોટર વાહન નિયમોમાં કરવામાં આવેલા સુધારા બાદ ઓટો-રિક્ષા અને ટેક્સી ડ્રાઇવરો માટે મરાઠીનું ‘કાર્યકારી જ્ઞાન’ ફરજિયાત કરવામાં આવ્યું છે.
નિયમ મુજબ, જરૂરી પ્રમાણપત્ર ન ધરાવતા અથવા મરાઠીનું પૂરતું જ્ઞાન ન ધરાવતા ડ્રાઇવરોને ભાષા શીખવા માટે એક મહિનાનો સમય આપવામાં આવશે. આ સમયગાળા બાદ પણ નિયમનું પાલન નહીં થાય તો ડ્રાઇવિંગ લાઇસન્સ અને બેજ ત્રણ મહિના સુધી સસ્પેન્ડ કરવાની કાર્યવાહી થઈ શકે છે.
જો ત્યારબાદ પણ ડ્રાઇવર મરાઠી શીખવાની શરત પૂરી નહીં કરે તો તેનું લાઇસન્સ અને બેજ રદ કરવાની કાર્યવાહી કરવામાં આવશે. સરકાર દ્વારા આવા ડ્રાઇવરોની ઓળખ અને કાર્યવાહી માટે ગુરુવારથી એક મહિનાની વિશેષ ઝુંબેશ હાથ ધરાશે.
મહારાષ્ટ્રમાં અંદાજે 6 લાખ ઓટો-રિક્ષા અને ટેક્સી ડ્રાઇવરો છે. તેમાં મુંબઈ મેટ્રોપોલિટન રિજનમાં મોટી સંખ્યામાં ડ્રાઇવરો કાર્યરત છે. સરકારનું કહેવું છે કે આ નિયમનો હેતુ કોઈની રોજગારી છીનવવાનો નથી, પરંતુ ડ્રાઇવરોને રાજ્યની સ્થાનિક ભાષા શીખવા માટે પ્રોત્સાહિત કરવાનો છે.
આ પણ વાંચો: મહારાષ્ટ્રમાં 28 ઓગસ્ટથી ધર્મ સ્વતંત્રતા કાયદો અમલમાં, જાણો નવા કાયદાની મહત્વની જોગવાઈઓ
આ પણ વાંચો: મહારાષ્ટ્રમાં કરોડો રૂપિયાનું દૂધ ભેળસેળ કૌભાંડ ઝડપાયું
આ પણ વાંચો: મહારાષ્ટ્રમાં ફરી કોરોના વાયરસની એન્ટ્રી: 21 નવા કેસ સાથે કુલ સંખ્યા 48 પર પહોંચી, આરોગ્ય વિભાગ એલર્ટ
