Not Set/ વજુભાઈની રીએન્ટ્રી સૌરાષ્ટ્રમાં ભાજપને ફળશે ?

સૌરાષ્ટ્ર-કચ્છની તમામ બેઠકોની જવાબદારી ‘ઈ-કરીને’ તકિયા કલમવાળા નેતાને સોંપાય તેવી પૂરી શક્યતા

Gujarat Trending
વજુભાઈ વાળા

@ હિંમતભાઈ ઠક્કર, ભાવનગર 

કર્ણાટકના રાજ્યપાલ તરીકેનો સમયગાળો (સાત વર્ષનો) પૂર્ણ કરીને આવેલા તળપદી કાઠીયાવાડી શૈલી એ જેની વિશિષ્ટતા છે અને જેને જમીન પરના નેતા કહી શકાય તેવા મજબૂત જનાધાર ધરાવે છે અને સૌરાષ્ટ્રના દરેક જ્ઞાતિ અને પક્ષમાં જેના મિત્રો છે તે વજુભાઈ વાળાએ તાજેતરમાં કહ્યું છે કે હું પહેલા પણ ભાજપમાં હતો અને આજે પણ છું અને ભાજપમાં જ રહેવાનો છું. વજુભાઈ વાળાના આ વિધાનો ઘણું બધું કહી જાય છે. તેઓ સાત વર્ષ સુધી કર્ણાટકના રાજ્યપાલ ભલે રહ્યા હોય પણ તેઓ નિવૃત્તિમાં માનતા નથી. પ્રવૃત્તિમાં માને છે. જનસંઘ વખતથી સક્રિય છે અને નાના હોદ્દા પરથી મોટા હોદ્દા સુધી પહોંચ્યા છે. સૌરાષ્ટ્રમાં ભાજપે મોટાભાગની બેઠકો ગુમાવી હતી. સંસદમાં બધી બેઠકો કોંગ્રેસને મળી હતી તેવે સમયે ૧૮૮૫માં વજુભાઈ વાળા રાજકોટ – ૨ ની બેઠક પરથી જીત્યા હતાં. ત્યાર પછીની દરેક ચૂંટણીમાં તેઓ જીતતા આવ્યા છે. ૧૯૯૫માં પ્રથમ વખત ગુજરાતમાં ભાજપની સરકાર આવી અને કેશુબાપા મુખ્યમંત્રી બન્યા તે વખતથી નરેન્દ્ર મોદીના મુખ્યમંત્રી પદના લાંબા ગાળા સુધી કેટલાક અપવાદરૂપ સમયને બાદ કરતા વજુભાઈએ રાજ્યનું નાણામંત્રી પદ ભોગવ્યું છે. ગુજરાતમાં અંદાજપત્ર રજૂ કરવાનો વિક્રમ પણ તેમના નામે છે. ૨૦૦૧માં નરેન્દ્ર મોદી મુખ્યમંત્રી બન્યા ત્યારે તેમણે તેમના માટે પોતાની બેઠક ખાલી કરી આપી હતી અને નરેન્દ્રભાઈ મોદી પ્રથમ વખત રાજકોટ-બે ની બેઠક જીતી ધારાસભ્ય બન્યા હતા. જાે કે ૨૦૦૨માં મોદી મણીનગરની બેઠક પર લડવા ગયા અને ત્યારથી ફરી વજુભાઈ વાળા આ બેઠક પરથી ચૂંટાયા હતાં. ૨૦૧૨માં મોદીના નેતૃત્વ હેઠળ ગુજરાત ભાજપે વધુ એક વખત વિજય મેળવ્યો તે વખતે પ્રથમવાર વજુભાઈને રાજ્ય વિધાનસભાના અધ્યક્ષ બનાવવામાં આવ્યા. ૨૦૧૪માં મોદી વડાપ્રધાન બન્યા. ત્યારબાદ અમૂક સમય બાદ વજુભાઈને કર્ણાટકના રાજ્યપાલ બનાવાયા. જે હમણા સુધી ત્યાં હતાં પરંતુ તેઓ દરેક ચૂંટણીમાં મત આપવા તો રાજકોટ આવતા જ હતાં અને કૌટુંબિક કારણોસર પણ તેમની અવરજવર તો ચાલું જ હતી.

 

himmat thhakar 1 વજુભાઈની રીએન્ટ્રી સૌરાષ્ટ્રમાં ભાજપને ફળશે ?
વજુભાઈએ તાજેતરમાં એક ટીવી ચેનલની મુલાકાતમાં જે વિધાનો કર્યા તેના પરથી એવું લાગે છે કે તેઓ ફરી સક્રિય થવા માગે છે. ઉંમરના કારણે કદાચ તેમને પાર્ટી ધારાસભ્ય ન બનાવે તેવી પુરી શક્યતા છે. કારણ કે વજુભાઈને જાે પાર્ટી અપવાદ આપે તો બીજા ઘણા વયોવૃદ્ધ નેતાઓ (૭૫ વર્ષથી ઉપરના) ધારાસભાની ચૂંટણી લડવા તૈયાર થઈ જાય તેમ છે. આ ઉપરાંત વજુભાઈ શાંત બેસે તેવા નથી અને મોદી-શાહ, જેપી નડ્ડા અને સીઆર પાટીલ પોતે પણ વજુભાઈની શક્તિથી વાકેફ છે. પ્રદેશ ભાજપના પ્રમુખ તરીકે પણ તેમણે અસરકારક કામગીરી બજાવી હતી તે પણ એક હકિકત છે.

chatak 3 વજુભાઈની રીએન્ટ્રી સૌરાષ્ટ્રમાં ભાજપને ફળશે ?

સૌરાષ્ટ્રમાં ૨૦૧૭ની ચૂંટણીમાં ભાજપનો દેખાવ નબળો હતો. અમરેલી ગીર-સોમનાથ, મોરબી સહિત ચાલ જિલ્લામાં તો ભાજપને એક પણ બેઠક મળી નહોતી. જ્યારે જૂનાગઢ જિલ્લામાં માત્ર એક અને પોરબંદરમાં એક બેઠક મળી હતી. રાજકોટમાં પણ કોંગ્રેસે ૪ બેઠક જીતી હતી. જાે કે રાજકોટ શહેરની ચાર બેઠક ભાજપને ફાળે ગઈ હતી. જ્યારે જામનગર અને દેવભૂમિ દ્વારકામાં ફીફ્ટી-ફીફ્ટી જેવી સ્થિતિ હતી. કચ્છમાં ૪ બેઠક ભાજપ અને બે કોંગ્રેસને મળી હતી. સુરેન્દ્રનગરમાં પણ માત્ર એક જ બેઠક ભાજપને મળી હતી. ટૂંકમાં સૌરાષ્ટ્રના કિલ્લામાં મોટુ ગાબડું પડ્યું હતું. ભલે પેટાચૂંટણી અને સ્થાનિક ચૂંટણીમાં ભવ્ય વિજય સાથે ભાજપે આ ગાબડું પુરી દીધું હોય પરંતુ ધારાસભા અને સ્થાનિક ચૂંટણી બન્ને અલગ બાબત છે. અમિત શાહે ૨૦૧૭માં ૧૫૦ પ્લસનો લક્ષ્યાંક ગુજરાતમાં આપ્યો હતો. ભલે મળી ૯૯ તે અલગ વાત છે પણ અત્યારે આ સંખ્યા ૧૧૨ને વટાવી ગઈ છે.

chatak 5 વજુભાઈની રીએન્ટ્રી સૌરાષ્ટ્રમાં ભાજપને ફળશે ?

ગુજરાત પ્રદેશ ભાજપના પ્રમુખ સી.આર. પાટીલ ગુજરાતમાં તમામ ૧૮૨ બેઠકો ભાજપ જીતે તેમ ઈચ્છે છે. એટલે સૌરાષ્ટ્ર-કચ્છની તમામ બેઠકો આવી જાય છે. જે લગભગ ૫૨ જેટલી છે. હવે અત્યારે આમાની ૬૦ ટકા કરતાં વધુ બેઠક કોંગ્રેસ પાસે છે. ભલે સ્થાનિક ચૂંટણીમાં કોંગ્રેસનો રકાસ થયો છે પરંતુ આમ આદમી પાર્ટી નામનો નવો પક્ષ પણ ઉમેરાયો છે અને કોંગ્રેસ અને ભાજપના પાટીદાર અને અન્ય સમાજના લડાયક આગેવાનો તેમાં છે. સુરતમાં તો ભાજપ સોનો પડકાર કોંગ્રેસ નહિ પણ ‘આપ’ છે અને તેના કારણે સૌરાષ્ટ્રમાં પણ આપ ધીમે ધીમે ઘૂસી રહી છે. જિલ્લા પંચાયતની બે બેઠકો તો મેળવી જ છે. તાલુકાની ૧૮ બેઠકો તેની પાસે છે. સૌરાષ્ટ્રના તમામ જિલ્લામાં અને તેમાંય ખાસ કરીને શહેરી વિસ્તારોમાં તેનું માળખું ગોઠવાઈ રહ્યું છે. ખેડૂત આંદોલનનો લાભ ભલે કોંગ્રેસ સ્થાનિક ચૂંટણીમાં ન લઈ શકી પરંતુ આમ આદમી પાર્ટને ગ્રામ્ય વિસ્તારમાં પણ ટેકો પણ મળ્યો છે. ભાજપ અને કોંગ્રેસથી કંટાળેલો મોટો વર્ગ આપ તરફ ઢળી રહ્યો છે તો એન્ટી ઈન્કમબન્સી પણ ભાજપને નડે તેવી શક્યતા છે. બધી બેઠકો જીતવાની વાત લોકશાહી વિરોધી છે તેવું કહેનારાઓની ટકાવારી હવે ૫૦ ટકાને વટાવી ગઈ છે.

 

chatak 6 વજુભાઈની રીએન્ટ્રી સૌરાષ્ટ્રમાં ભાજપને ફળશે ?
આ બધા સંજાેગો વચ્ચે ભૂતકાળમાં ભાજપના ગઢ તરીકે પૂરવાર થયેલ સૌરાષ્ટ્રમાં જે ક્ષતિ ભાજપને થઈ છે તે ધ્યાનમાં રાખીને કદાચ એવું બની શકે કે સૌરાષ્ટ્ર કચ્છની તમામ બેઠકો જીતી લાવવાની જવાબદારી વજુભાઈ વાળાને સોંપાય તો કોઈને આશ્ચર્ય નહિ થાય.
વજુભાઈ વાળાની સંગઠન શક્તિ અને શહેરીજનો અને ગ્રામજનોને સ્પર્શી જતું તેમનું તળપદી શૈલીવાળું વકતવ્ય અને ડેમેજ કન્ટ્રોલ કરવાની આવડતનો ૨૦૨૨ની ચૂંટણીમાં ભાજપ કરશે જ એવું અત્યારે લાગે છે.
રાજકીય સૂત્રો પણ એવું માને છે કે વજુભાઈ વાળાને સૌરાષ્ટ્ર-કચ્છ ભાજપના સારથી તરીકેની જવાબદારી સોંપીને આ રથ ગાંધીનગર સુધી સલામત રીતે પહોંચાડવાની જવાબદારી સોંપાય તેવી શક્યતા નકારી શકાતી નથી.

 

નિવેદન / ટ્રાયલના પરિણામો સપ્ટેમ્બર મહિનામાં જાહેર થતાં જ બાળકોની કોરોના વેક્સિન લોન્ચ : ડો.ગુલેરિયા

મહારાષ્ટ્ર સરકારનો મોટો નિર્ણય / પૂરગ્રસ્ત જિલ્લાઓમાં નિ: શુલ્ક રાશન અને કેરોસીન મળશે