Valsad News/ વલસાડમાં ઐતિહાસિક કાર્યવાહી ! ત્રણ વાર ‘તલાક’ બોલી પત્નીને તરછોડનાર પતિ જેલભેગો

લસાડ પોલીસે ત્રિપલ તલાક (Triple Talaq) વિરોધી કાયદા હેઠળ જિલ્લાનો પ્રથમ ગુનો નોંધી આરોપી પતિની ધરપકડ કરી છે. શંકાના આધારે પત્નીને તલાક આપનારને જેલભેગો કરાયો.

Top Stories Gujarat Others
Valsad Triple Talaq Case

Valsad Triple Talaq First FIR: કેન્દ્ર સરકાર દ્વારા વર્ષ 2019માં અમલી બનાવાયેલા ‘ત્રિપલ તલાક’ વિરોધી કાયદા હેઠળ વલસાડ પોલીસે કડક કાર્યવાહી કરી છે. જિલ્લાના ઇતિહાસમાં પ્રથમ વખત આ કાયદા હેઠળ ગુનો નોંધીને પત્નીને તરછોડી દેનારા પતિની ધરપકડ કરવામાં આવી છે. આ કિસ્સો એવા લોકો માટે લાલબત્તી સમાન છે જેઓ હજુ પણ સ્ત્રીના સન્માન સાથે રમત કરે છે.

શંકાના ભૂતે સુખી સંસારમાં લગાડી આગ

ઘટનાની વિગત મુજબ, હુમેરાબેનના નિકાહ વર્ષ 2019માં સુરતના ફરહાદ ખાન સાથે થયા હતા. બે સંતાનો સાથે તેમનો સંસાર સુખેથી ચાલતો હતો, પરંતુ છેલ્લા ચાર મહિનાથી પતિ ફરહાદના મગજમાં પત્નીના ચરિત્ર પર ‘શંકા’નું ભૂત સવાર થયું હતું. પતિના શારીરિક અને માનસિક ત્રાસથી કંટાળીને હુમેરાબેન પોતાના પિયર વલસાડ આવી ગયા હતા.

Valsad Triple Talaq Case

સગા-સંબંધીઓની હાજરીમાં આપ્યા ‘Triple Talaq‘

વિવાદ ઉકેલવા માટે જ્યારે બંને પક્ષો અને સગા-સંબંધીઓ ભેગા થયા, ત્યારે ફરહાદ ખાને આવેશમાં આવીને તમામની હાજરીમાં હુમેરાબેનને અપમાનિત કર્યા હતા. એટલું જ નહીં, તેણે જૂની અને ગેરકાયદેસર પદ્ધતિનો સહારો લઈ ત્રણ વાર ‘તલાક’ બોલી સંબંધ તોડી નાખ્યો હતો. તેને લાગ્યું હતું કે તે આ રીતે છુટકારો મેળવી લેશે, પરંતુ કાયદો તેની રાહ જોઈ રહ્યો હતો.

વલસાડ પોલીસે કરાવ્યું કાયદાનું ભાન

હુમેરાબેને હિંમત બતાવી વલસાડ સિટી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરતા ‘મુસ્લિમ મહિલા લગ્ન અધિકાર અધિનિયમ 2019’ હેઠળ ગુનો નોંધી આરોપી પતિ ફરહાદની ધરપકડ કરી તેને જેલના સળિયા પાછળ ધકેલી દીધો છે. વલસાડ જિલ્લામાં આ કાયદા હેઠળ નોંધાયેલો આ પ્રથમ કેસ છે, જે મહિલાઓના અધિકાર માટે માઈલસ્ટોન સાબિત થશે.


આ પણ વાંચો: અમદાવાદ પ્રોફેસર ત્રિપલ તલાકની ઘટના: પતિએ ત્રાસ આપીને અન્ય મહિલાને અપનાવી

આ પણ વાંચો: કલમ 370-ત્રિપલ તલાકનો અંત, કેમ ઈતિહાસમાં યાદ રાખવામાં આવશે 17મી લોકસભા?

આ પણ વાંચો: અમદાવાદમાં રસ્તા પર જ યુવકે પત્નીને આપી દીધા ‘ત્રિપલ તલાક’