New Delhi News : વેનેઝુએલા (Venezuela) અને અમેરિકા વચ્ચેનો સંઘર્ષ વધુ ઉગ્ર બનતો જઈ રહ્યો છે. વેનેઝુએલામાં શનિવારે થયેલા હુમલાઓ બાદ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની પહેલી પ્રતિક્રિયા સામે આવી છે. ટ્રમ્પે દાવો કર્યો હતો કે વેનેઝુએલાના રાષ્ટ્રપતિ નિકોલસ માદુરો અને તેમની પત્ની અમેરિકાના નિયંત્રણમાં છે. આ નિવેદનથી બંને દેશો વચ્ચેના તણાવમાં વધુ વધારો થયો છે.
વેનેઝુએલા (Venezuela)માં હાલની અસ્થિર અને જોખમી પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ભારત સરકારે ત્યાં રહેલા તેમજ ત્યાં જવા ઇચ્છતા ભારતીય નાગરિકો માટે મહત્વપૂર્ણ સલાહ જાહેર કરી છે. ભારત સરકારે ભારતીયોને વેનેઝુએલા (Venezuela)માં બિનજરૂરી મુસાફરી ટાળવા કહ્યું છે. સાથે જ, ત્યાં પહેલેથી રહેલા ભારતીયોને અત્યંત સતર્ક રહેવા, તેમની હિલચાલ મર્યાદિત રાખવા અને સતત ભારતીય દૂતાવાસના સંપર્કમાં રહેવા સૂચના આપવામાં આવી છે.
ભારતીય દૂતાવાસ, કારાકાસ દ્વારા ઇમરજન્સી માટે હેલ્પલાઇન નંબર અને ઇમેઇલ પણ જાહેર કરવામાં આવ્યા છે. વેનેઝુએલામાં રહેલા ભારતીયો [email protected] પર ઇમેઇલ કરી શકે છે અથવા ઇમરજન્સી ફોન નંબર +58-412-9584288 પર સંપર્ક કરી શકે છે. આ નંબર વોટ્સએપ કોલ્સ માટે પણ ઉપલબ્ધ છે.
વેનેઝુએલાના સંરક્ષણ પ્રધાનએ ગંભીર આરોપ લગાવતા જણાવ્યું હતું કે, “3 જાન્યુઆરીની વહેલી સવારે યુનાઇટેડ સ્ટેટ્સ સરકાર દ્વારા વેનેઝુએલા (Venezuela) ને લશ્કરી હુમલાનું નિશાન બનાવવામાં આવ્યું હતું.” આ હુમલાઓ બાદ દેશમાં રાષ્ટ્રીય કટોકટી જાહેર કરવામાં આવી છે. વેનેઝુએલાની સરકારનો દાવો છે કે આ સમગ્ર મામલો ડ્રગ હેરફેરના બહાને કરવામાં આવેલા આક્રમણ સાથે જોડાયેલો છે.
અમેરિકા લાંબા સમયથી વેનેઝુએલા (Venezuela)પર આરોપ લગાવતું આવ્યું છે કે ત્યાંથી મોટા પ્રમાણમાં નશીલા પદાર્થો અમેરિકામાં મોકલવામાં આવે છે. ટ્રમ્પ વહીવટીતંત્રે રાષ્ટ્રપતિ નિકોલસ માદુરો પર સીધા આરોપો લગાવી તેમની તથા તેમના પરિવારની અમેરિકામાં આવેલી સંપત્તિઓ પણ ફ્રીઝ કરી દીધી છે. આ ઉપરાંત કેરેબિયન સમુદ્ર વિસ્તારમાં પણ અમેરિકાએ સૈન્ય કાર્યવાહી વધારી છે.
તણાવનું એક મોટું કારણ વેનેઝુએલા (Venezuela)નું તેલ પણ છે. વર્ષ 1976માં વેનેઝુએલાની સરકારે તેલ ઉદ્યોગનું રાષ્ટ્રીયકરણ કરી વિદેશી તેલ કંપનીઓના તમામ હક્કો રાજ્યની માલિકીની કંપની PDVSAને સોંપી દીધા હતા. આ નિર્ણયથી અમેરિકાની કંપનીઓને મોટો ફટકો પડ્યો હતો અને ત્યારથી બંને દેશો વચ્ચેના સંબંધો સતત બગડતા ગયા છે.
આ તમામ ઘટનાઓને કારણે વેનેઝુએલા (Venezuela) માં રહેલા વિદેશી નાગરિકો, ખાસ કરીને ભારતીયો માટે સ્થિતિ વધુ સંવેદનશીલ બની છે. ભારત સરકાર પરિસ્થિતિ પર સતત નજર રાખી રહી છે અને જરૂરી પડે ત્યારે વધુ પગલાં લેવાની તૈયારીમાં છે.
