Mehsana news/ વિજાપુર મર્ડર મિસ્ટ્રી: અકસ્માત નહીં, પત્નીએ ભત્રીજા મારફતે પતિની કરાવી હત્યા; CCTV અને લોકેશનથી ખુલ્યો ભેદ

મહેસાણાના વિજાપુરમાં હિટ એન્ડ રનનો કેસ હત્યા (Vijapur Murder Case)ના કાવતરામાં ફેરવાયો. પત્નીએ કથિત રીતે ભત્રીજાને લોકેશન આપી પતિની હત્યા કરાવી હોવાનો પોલીસનો ખુલાસો. CCTV અને ટેકનિકલ તપાસના આધારે ત્રણ આરોપીઓ ઝડપાયા.

Top Stories Gujarat Others Breaking News
Vijapur Murder Case: અકસ્માત નહીં, પત્નીએ જ ઘડ્યું પતિની હત્યાનું કાવતરું

Mehsana News: મહેસાણા જિલ્લાના વિજાપુર તાલુકામાં થોડા દિવસો પહેલાં બનેલો હિટ એન્ડ રનનો કેસ હવે હત્યા (Vijapur Murder Case)ના સુનિયોજિત કાવતરામાં ફેરવાયો છે. શરૂઆતમાં સામાન્ય માર્ગ અકસ્માત માનવામાં આવેલી ઘટનાની પોલીસ તપાસમાં ચોંકાવનારા ખુલાસા થયા છે. તપાસમાં સામે આવ્યું છે કે મૃતકની પત્નીએ જ પતિની હત્યાનું કાવતરું ઘડી પોતાના સગાની મદદથી અકસ્માતનું સ્વરૂપ આપીને ગુનાને અંજામ અપાવ્યો હતો.

8 જુલાઈએ થયો હતો જીવલેણ અકસ્માત

પોલીસના જણાવ્યા અનુસાર, 8 જુલાઈ, 2026ના રોજ એક વ્યક્તિ એક્ટિવા પર વિજાપુર વિસ્તારમાંથી પસાર થઈ રહ્યા હતા. તે દરમિયાન સફેદ રંગની બ્રેઝા કારે તેમને જોરદાર ટક્કર મારી હતી. ગંભીર ઈજાઓને કારણે તેમનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. અકસ્માત બાદ કાર ચાલક સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો અને શરૂઆતમાં સમગ્ર ઘટના હિટ એન્ડ રન તરીકે નોંધાઈ હતી.

ટેકનિકલ તપાસથી સામે આવ્યું હત્યાનું કાવતરું

વિજાપુર પોલીસે ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને ટેકનિકલ સર્વેલન્સ, મોબાઈલ ડેટા, હ્યુમન સોર્સ અને આસપાસના CCTV ફૂટેજના આધારે તપાસ આગળ વધારી હતી. તપાસ દરમિયાન પોલીસને ઘટનાસ્થળ નજીક શંકાસ્પદ રીતે ફરતી સફેદ બ્રેઝા કારના પુરાવા મળ્યા હતા. વધુ તપાસમાં જાણવા મળ્યું કે આ કોઈ અકસ્માત નહોતો, પરંતુ અગાઉથી ઘડાયેલું હત્યા (Vijapur Murder Case)નું કાવતરું હતું.

Vijapur Murder Case: પત્નીએ જ આપતું હતું પતિનું લોકેશન

પોલીસ તપાસમાં સામે આવ્યું કે મૃતકની પત્ની રીટાબેન પટેલ પતિ સાથેના કથિત મતભેદો અને વહેમને કારણે લાંબા સમયથી અસંતોષમાં હતી. તેણે પોતાના પતિને રસ્તામાંથી હટાવવા માટે ભત્રીજા વિમલકુમાર પટેલને પૈસાની લાલચ આપીને હત્યા (Vijapur Murder Case) કરવા તૈયાર કર્યો હતો. તપાસ મુજબ, ઘટનાના દિવસે પત્ની સતત પતિનું લાઈવ લોકેશન ભત્રીજાને મોકલતી હતી. લોકેશન મળ્યા બાદ આરોપીએ બ્રેઝા કાર વડે એક્ટિવાને ટક્કર મારી ઘટનાને અકસ્માતનું સ્વરૂપ આપવાનો પ્રયાસ કર્યો હતો.

તપાસમાં અન્ય પરિવારજનોની પણ સંડોવણી

પોલીસના જણાવ્યા અનુસાર તપાસ દરમિયાન મૃતકની દીકરી શ્રદ્ધાબેન પટેલની પણ કાવતરામાં સંડોવણી સામે આવી હતી. ટેકનિકલ પુરાવા અને પૂછપરછના આધારે સમગ્ર ષડયંત્રનો ભેદ ઉકેલાયો હતો. પોલીસે ગુનામાં વપરાયેલી બ્રેઝા કાર કબજે કરી ત્રણેય આરોપીઓની ધરપકડ કરી છે.

ધરપકડ કરાયેલા આરોપીઓ:

વિમલકુમાર રોહિતભાઈ પટેલ (24) – કાર ચલાવી ઘટનાને અંજામ આપનાર

રીટાબેન વિનોદકુમાર પટેલ (49) – મૃતકની પત્ની અને કથિત માસ્ટરમાઈન્ડ

શ્રદ્ધાબેન સાગરકુમાર પટેલ (27) – તપાસ મુજબ કાવતરામાં સંડોવાયેલી

વધુ તપાસ ચાલુ

વિજાપુર પોલીસે ત્રણેય આરોપીઓ સામે હત્યા (Vijapur Murder Case)નો ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસ સમગ્ર કાવતરાના અન્ય પાસાઓ અને સંભવિત સંડોવાયેલા લોકો અંગે પણ તપાસ કરી રહી છે. આ ઘટનાએ સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચાવી છે અને એક વખત ફરી પરિવારજનો વચ્ચેના અવિશ્વાસ અને ગુનાખોરી અંગે ગંભીર ચર્ચા જગાવી છે.


આ પણ વાંચો:મહેસાણાના વિસનગરમાં 25 વર્ષીય યુવકની હત્યા, ગળે ટૂંપો આપી મોતને ઘાટ ઉતાર્યાનો આરોપ

આ પણ વાંચો:મહેસાણામાં ભાજપ ઉમેદવારના ભાણાની હત્યામાં 6 ઝડપાયા

આ પણ વાંચો:મહેસાણામાં ચૂંટણીના તેજ માહોલમાં રાજકીય હિંસા, વોર્ડ-4માં ભાજપ ઉમેદવારના ભાણાની છરી-લાકડીથી હત્યા