Vadodara News/ 7609 કરોડના બજેટ વચ્ચે વડોદરાના રાજકારણમાં વાયરલ વીડિયોએ મચાવ્યો ખળભળાટ

વડોદરા મહાનગરપાલિકા (VMC) ના 7609 કરોડના બજેટ વચ્ચે સ્થાયી સમિતિ અધ્યક્ષ અને વિપક્ષી કોર્પોરેટર ઝા ભરવાડ વચ્ચેનો વીડિયો વાયરલ થયો છે. સ્મશાનોના ખાનગીકરણ મુદ્દે ગંભીર સવાલો ઉઠ્યા છે.

Vadodara Top Stories Gujarat
Vadodara VMC Video Viral News

Vadodara VMC Video Viral News:વડોદરા મહાનગરપાલિકામાં 7609 કરોડના તોતિંગ બજેટની મંજૂરીની પ્રક્રિયા ચાલી રહી છે, ત્યારે જ એક કથિત વીડિયોએ રાજકારણમાં ગરમાવો લાવી દીધો છે. સ્થાયી સમિતિના અધ્યક્ષ અને વિપક્ષના કોર્પોરેટર વચ્ચેની ચર્ચાનો આ વીડિયો વાયરલ થતા શહેરના વિકાસ કામોની પારદર્શિતા પર અનેક સવાલો ઉભા થયા છે.

સ્મશાનોના ખાનગીકરણ મુદ્દે વિવાદનું વંટોળ

વાયરલ થયેલા વીડિયોમાં વિપક્ષી કોર્પોરેટર ઝા ભરવાડ દ્વારા સ્મશાનોનો વહીવટ ખાનગી કોન્ટ્રાક્ટરોને સોંપવાના મુદ્દે અધ્યક્ષને ઘેરવામાં આવ્યા હતા. ઝા ભરવાડે આક્ષેપ કર્યો હતો કે સત્તાધીશો મહેકમનો અભાવ બતાવીને શહેરની પવિત્ર જગ્યાઓ એવા સ્મશાનો પણ ખાનગી હાથોમાં સોંપી રહ્યા છે. આ મુદ્દે વિકાસ કાર્યોમાં પારદર્શિતાનો અભાવ હોવાનો સીધો આરોપ લગાવવામાં આવ્યો છે.

અધ્યક્ષનો લૂલો બચાવ અને સ્માર્ટ સિટી પર સવાલ

ચર્ચા દરમિયાન સ્થાયી સમિતિ અધ્યક્ષે સ્વીકાર્યું હતું કે મહેકમની અછતને કારણે આ વહીવટ સોંપવો પડ્યો છે. અધ્યક્ષના આ જવાબ બાદ વિવાદ વધુ વકર્યો છે. જે શહેરને ‘સ્માર્ટ સિટી’ બનાવવાની વાતો કરવામાં આવે છે, ત્યાં પાયાની જરૂરિયાત એવા મહેકમની ભરતી કેમ નથી કરવામાં આવતી? શું સ્માર્ટ સિટી માત્ર કાગળ પર જ છે? તેવા સવાલો હવે શહેરીજનો પૂછી રહ્યા છે.

VMC : મૂળભૂત સમસ્યાઓ યથાવત

બજેટમાં હજારો કરોડની જોગવાઈઓ હોવા છતાં, વિપક્ષે ખુલાસો કર્યો છે કે વડોદરાના અનેક વિસ્તારોમાં પાણી અને ગટર જેવી પ્રાથમિક સમસ્યાઓ હજુ પણ જૈસે થે સ્થિતિમાં છે. ભ્રષ્ટાચાર અને કોન્ટ્રાક્ટરોને ફાયદો કરાવવાની નીતિને કારણે સામાન્ય જનતા પીસાઈ રહી હોવાનો સુર ઉઠ્યો છે.

શહેરજનોમાં રોષ

સોશિયલ મીડિયા પર આ વીડિયો વાયરલ થતા જ વડોદરાના નાગરિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. 7609 કરોડનું બજેટ કોના માટે? અને જો સ્મશાન પણ કોન્ટ્રાક્ટરો ચલાવવાના હોય તો પાલિકાનું તંત્ર શું કરે છે? તેવા આકરા પ્રહારો અધ્યક્ષની કામગીરી પર થઈ રહ્યા છે.


આ પણ વાંચો: સુરતમાં ગુજસીટોક આરોપીનો ખુલ્લો પડકાર, ફરી દાદાગીરીનો વીડિયો વાયરલ

આ પણ વાંચો: વડોદરામાં ખાખીની આબરુ પર કલંક, PSI લાંચ લેતો વીડિયો વાયરલ

આ પણ વાંચો: રાજકોટમાં ધમકીથી પરેશાન મહિલાએ પોલીસ સ્ટેશનમાં જ પીધું ફિનાઇલ, વીડિયો વાયરલ