Local Body Elections 2026: વાવ-થરાદ જિલ્લામાં આવનારી સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓને લઈને વહીવટી તંત્ર સંપૂર્ણ તૈયારીઓ સાથે સજ્જ થઈ ગયું છે. આ પ્રસંગે જિલ્લા ચૂંટણી અધિકારી જે. એસ. પ્રજાપતિએ મતદારોને સંબોધતા સૌને 26મી તારીખે અનિવાર્ય રીતે મતદાન(Vote) કરવા અપીલ કરી છે. તેમણે લોકશાહી મજબૂત બનાવવા દરેક નાગરિકની સક્રિય ભાગીદારી જરૂરી હોવાનું જણાવ્યું છે.

તેમણે જણાવ્યું કે સ્થાનિક સ્વરાજની ચૂંટણી માત્ર એક પ્રક્રિયા નથી, પરંતુ વિસ્તારના વિકાસ સાથે સીધી રીતે જોડાયેલ છે. રસ્તા, પાણી, શિક્ષણ અને અન્ય સુવિધાઓના વિકાસ માટે યોગ્ય પ્રતિનિધિ પસંદ કરવો જરૂરી છે, અને તે માટે મતદાન(Vote) કરવું દરેકની પ્રાથમિક જવાબદારી બને છે.
ચૂંટણી અધિકારીએ વધુમાં કહ્યું કે મતદારોને પોતાના વિસ્તારમાં કામ કરી શકે એવા યોગ્ય અને નિષ્ઠાવાન ઉમેદવારને પસંદ કરવો જોઈએ. કોઈપણ લાલચ કે દબાણ વગર નિર્ભય બનીને મતદાન કરવું જોઈએ, જેથી સાચા અર્થમાં લોકશાહી મૂલ્યો જળવાઈ રહે.
અંતમાં તેમણે જણાવ્યું કે 26મી તારીખે યોજાનાર મતદાન માટે તમામ સુવિધાઓ મતદાન મથકો પર ઉપલબ્ધ કરાવવામાં આવી છે. તેથી દરેક મતદારે મતદાન કરીને લોકશાહીને વધુ મજબૂત બનાવવા યોગદાન આપવું જોઈએ.
