Bhavnagar Alang Ship Breaking: રશિયા-યુક્રેન કે ઈઝરાયેલ-હમાસ જેવા વૈશ્વિક યુદ્ધોની અસર હવે સ્થાનિક સ્તરે ભાવનગરના ઉદ્યોગો પર વર્તાવા લાગી છે. વિશ્વના સૌથી મોટા શિપ બ્રેકિંગ યાર્ડ ‘અલંગ’ સહિતના ભાવનગરના મુખ્ય વ્યવસાયો અત્યારે ગંભીર કટોકટીનો સામનો કરી રહ્યા છે. ખાસ કરીને LPG ગેસના પુરવઠામાં સર્જાયેલી અછતને કારણે ઉદ્યોગ જગતમાં ફફડાટ વ્યાપી ગયો છે.
Alang Ship કટિંગ કામ અટક્યું
અલંગ શિપ બ્રેકિંગ યાર્ડમાં જહાજોને તોડવા અને કટિંગ કરવા માટે મોટા પ્રમાણમાં LPG ગેસની જરૂરિયાત રહે છે, પરંતુ વર્તમાન યુદ્ધની સ્થિતિને કારણે આંતરરાષ્ટ્રીય સ્તરે સપ્લાય ચેઈન ખોરવાતા ગેસની ભારે અછત સર્જાઈ છે. ગેસના આ અભાવને લીધે જહાજોનું કટિંગ કામ અત્યંત ધીમું પડી ગયું છે અથવા તો કેટલાય પ્લોટ પર કામ સંપૂર્ણપણે અટકી ગયું છે. કામગીરી સમયસર પૂરી ન થવાને કારણે શિપ બ્રેકરોને મોટા પાયે આર્થિક નુકસાન વેઠવાનો વારો આવ્યો છે, જેની અસર સમગ્ર ઉદ્યોગ પર જોવા મળી રહી છે.
રોલિંગ મિલ અને રેસ્ટોરન્ટ વ્યવસાયને પણ ફટકો
માત્ર અલંગ જ નહીં, પરંતુ ભાવનગરના અન્ય વ્યવસાયો પણ આ યુદ્ધની લપેટમાં આવ્યા છે, જેના કારણે સ્થાનિક અર્થતંત્ર પર વિપરીત અસર પડી રહી છે. સ્ટીલ અને રોલિંગ મિલોમાં ઈંધણની તંગી અને કાચા માલના ભાવમાં થયેલા અસહ્ય વધારાને કારણે ઉત્પાદન ખર્ચમાં મોટો ઉછાળો આવ્યો છે. બીજી તરફ, રેસ્ટોરન્ટ ઉદ્યોગ પણ મુશ્કેલીમાં મુકાયો છે, કારણ કે કોમર્શિયલ ગેસના ભાવમાં વધારો અને સપ્લાયમાં થઈ રહેલા વિલંબને લીધે સંચાલકો માટે વ્યવસાય ચલાવવો પડકારજનક બની ગયો છે.

હજારો શ્રમિકોના પરિવારો પર ચિંતાના વાદળો
ભાવનગર અને અલંગમાં હજારો શ્રમિકો ઉત્તર પ્રદેશ, બિહાર અને ઓડિશા જેવા રાજ્યોમાંથી આવીને રોજીરોટી મેળવે છે. જો ઉદ્યોગો લાંબો સમય સુધી મંદીમાં રહેશે, તો આ શ્રમિકોની રોજીરોટી પર મોટું સંકટ આવી શકે છે. ઉદ્યોગપતિઓને ડર છે કે જો સ્થિતિ નહીં સુધરે તો મોટા પાયે છટણી કરવાની ફરજ પડી શકે છે.
સરકાર પાસે રાહત પેકેજની માંગ
ભાવનગરના ઉદ્યોગ જગતે આ કપરી પરિસ્થિતિમાંથી બહાર આવવા માટે સરકાર પાસે મદદની ગુહાર લગાવી છે. ઉદ્યોગપતિઓની મુખ્ય માંગ છે કે ઉદ્યોગોને પૂરતો ગેસ અને ઈંધણ સપ્લાય સતત મળી રહે તેવી સંગીન વ્યવસ્થા કરવામાં આવે, જેથી ઉત્પાદન કાર્ય અટકે નહીં. આ ઉપરાંત, આંતરરાષ્ટ્રીય મંદી અને યુદ્ધની અસરો વચ્ચે સ્થાનિક ઉદ્યોગોને ટકાવી રાખવા માટે સરકાર દ્વારા વિશેષ રાહત પેકેજ જાહેર કરવામાં આવે તેવી પણ અપીલ કરવામાં આવી છે. સ્થાનિક સંગઠનોનું કહેવું છે કે જો સમયસર સરકાર દ્વારા અસરકારક પગલાં લેવામાં નહીં આવે, તો ભાવનગરના આર્થિક માળખાને ખૂબ જ મોટું અને લાંબા ગાળાનું નુકસાન થઈ શકે છે.
આ પણ વાંચો: LPGની તંગી વચ્ચે રાહતના સમાચાર: શિવાલિક અને નંદાદેવી જહાજ હોર્મુઝ સ્ટ્રેટ પાર કરી ભારત તરફ
આ પણ વાંચો: LPG સિલિન્ડરોનું કાળાબજારનો પર્દાફાશ, ભારત ગેસ એજન્સી પર કાર્યવાહી, વેરહાઉસ સીલ
આ પણ વાંચો: સરકારે LPG સિલિન્ડરોના સંગ્રહને રોકવા માટે ESMA કર્યો લાગુ
