પશ્ચિમ બંગાળ,કેરળ કે ગુજરાત હોય,ચૂંટણી ટાણે રાજકારણીઓને ધર્મની યાદ આવી જાય છે અને પછી મંદિરો અને મસ્જિદની મુલાકાત લેતા થઈ જાય છે.
@હિંમતભાઈ ઠક્કર, ભાવનગર
જાણીતા રામકથાકાર અને માનસ મર્મજ્ઞ પૂ. મોરારીબાપુ સહિત ઘણા સંતો-મહાપુષો ધર્મની વાત આવે ત્યારે હંમેશા એવું કહેતા હોય છે કે રાજકારણમાં ધર્મ જરૂરી છે પણ ધર્મમાં રાજકારણ લાવવું જરી નથી. આ વાત સાચી છે. રાજકારણમાં ધર્મનું પાલન થાય એટલે કે પછી તે રાજ ધર્મ હોય પ્રજા પ્રત્યેની ફરજનો ધર્મ હોય પ્રજાને તેમના હકક બજાવવા દેવાનો ધર્મ હોય તેનું પાલન થાય તો જ રામ રાજય આવે. પ્રજાની આકાંક્ષાઓ પુર્ણ કરવી તે પણ એક પ્રકારનું રામ રાજય છે. પ્રજા અગવડો વેઠતી રહે અને રાજકારણી પોતાનું રાજકારણ ખેલતો રહે તેવા સ્થળે કે દેશમાં રામ રાજય ચાલે છે તેવું કહી શકાય નહિ. પ્રજાનો અવાજ સાંભળવાને બદલે દબાવી દેવાય તે બાબત પણ કયારેય રામ રાજયની વ્યાખ્યામાં આવતી નથી. જો કે આપણા રાજકારણીઓને ધર્મ ગમે ત્યારે યાદ આવે છે. ભૂતકાળમાં થઇ ગયેલા ધર્મ પુરૂષો ત્યારે જ યાદ આવે છે જયારે ચૂંટણી હોય.
તાજેતરમાં કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધી દક્ષિણના રાજયો પૈકી તમિલનાડુ અને પોંડીચેરીના પ્રવાસે ગયા ત્યારે તેમણે ત્યાંના પ્રસિઘ્ધ મંદિરોમાં દર્શનાર્થે ગયા હતાં. પુજા અર્ચના કરી હતી અને ત્યાર બાદ ચૂંટણી સભાઓને પણ સંબોધી હતી. આજ મહિલા નેતાએ થોડા સમય પહેલા ગંગામાં પણ ડુબકી લગાવી હતી અને પુજા અર્ચના બાદ નૈયા પણ પાર કરી હતી. અસમમાં ગયા ત્યારે ત્યાં પણ મંદિરોમાં દર્શન કર્યા હતાં.
પ્રિયંકાના ભાઇ અને તેમના હરિફ રાજકારણીઓ કોંગ્રેસના યુવરાજ સહિતના અનેક નામોથી નવાજે છે તે રાહુલ ગાંધી પણ જે રાજયોમાં જાય છે ત્યાં ધર્મસ્થાનો પર જાય છે પોતાના મત વિસ્તાર કેરળના વાયનાડની મુલાકાત વખતે તેઓ ત્યાંના મંદિર અને મસ્ઝિદએ બન્ને સ્થળની મુલાકાત લે છે. આજ રાહુલ ગાંધી ગુજરાતમાં 2017માં યોજાયેલી વિધાનસભા ચૂંટણીના પ્રચારમાં આવ્યા હતા ત્યારે અંબાજી, દ્વારકા, સોમનાથ સહિતના સ્થળોએ ગયા હતાં. સાથો સાથ આદિવસી વિસ્તારોમાં જે મંદિરો આવેલા છે તેની મુલાકાત લઇ દર્શન કર્યાં હતા અને આરતી ભજન સહિતના કાર્યક્રમોમાં ભાગ લીધો હતો.
પશ્ર્ચિમ બંગાળના મુખ્યમંત્રી અને જેમનું ગોત્ર કોંગ્રેસી છે તેવા તૃણમુલ કોંગ્રેસ એટલે કે ટીએમસીના નેતા મમતા બેનરજી અત્યારે પશ્ર્ચિમ બંગાળનો ચૂંટણી જંગ પોતાના એક પછી એક સાથીઓ ભાજપમાં જઇ રહ્યા હોવા છતાં લડી રહ્યા છે. અને ભાજપ કોંગ્રેસ અને ડાબેરીઓ સહિતના નેતાઓની આક્ષેપ બાજીનો જવાબ પણ આપે છે અને તેમણે પણ નંદીગ્રામની બેઠક પર ફોર્મ ભરતી વખતે શીવના મંદિરમાં દર્શન કર્યા હતા. અને શિવરાત્રીના કાર્યક્રમોમાં ભાગ પણ લીધો હતો. જયારે બીજી બાજુ ભાજપના ધાર્મિક નારા સામે તેવા જ પ્રકારના નારાઓ આપી જવાબ આપી રહ્યા છે. ટુંકમાં ચૂંટણી પહેલા તેમણે ધર્મનું શરણું તો તેવું જ પડ્યું છે.
જયારે કેન્દ્રના ગૃહમંત્રી અમિતભાઇ શાહ તાજેતરમાં કેરળની મુલાકાતે ગયા ત્યારે તેમણે રામકૃષ્ણ મઠ ખાતે સાધુ સંતો સાથે બેઠક કરી હતી અને મંદિરોમાં દર્શન પણ કર્યા હતાં. તામિલનાડુમાં પણ તેમણે ધાર્મિક મંદિરોમાં દર્શન કર્યા હતાં. વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી પણ જે સ્થળે પ્રચારમાં ગયા હોય ત્યાં નજીકના સ્થળે મંદિરમાં જવાની એકપણ તક ચુકતા નથી. ભાજપના રાષ્ટ્રીય ઉપાઘ્યક્ષ જેવી નડ્ડા પશ્ર્ચિમ બંગાળમાં ધામા નાખીને પડ્યા છે તેઓ પણ મહાકાળી મંદિર સહિત પશ્ર્ચિમ બંગાળના લગભગ દરેક મંદિરોમાં દર્શન કરી ચુકયા છે.
ભૂતકાળની ચૂંટણીઓ પર નજર નાખીયે તો 1991ની ચૂંટણી પહેલાનો રામ મંદિરનો નારો ગાજે છે. તે વખતે ચૂંટણી પહેલા રામમંદિરના નારા શરૂ થઇ જતા હતાં. હવે જયારે કોર્ટના ચુકાદા બાદ રામમંદિરનું નિર્માણ થઇ રહ્યું છે ત્યારે તે અમારા કારણે થયું તેવો પ્રચાર થઇ રહ્યો છે. ગુજરાતમાં સ્થાનિક સ્વરાજયની ચૂંટણી સમયે જ રામમંદિર નિર્માણ માટે ફંડ ઉધરાવવાની કામગીરીનો મુળ હેતું પણ મર્યાદા પુરષોત્તમ ભગવાન રામના નામે ચૂંટણી રૂપી વૈતરણી પાર કરવાનો હતો. રામાયણમાં તો રામના નામે પથ્થરો તર્યાની ઘટના છે. રામેશ્ર્વરમ પાસે આવેલો સેતુબંધ જેનો પુરાવો ગર્વ સાથે કહી શકાયે તેમ છીએ.
બધા રાજકારણીઓ ત્યાં આવેલા રામેશ્ર્વર મંદિરની મુલાકાત લે છે અને ધર્મના વિદેશ જઇ ધર્મનો પ્રચાર કરનારા સ્વામિ વિવેકાનંદ સ્મારકની પણ મુલાકાત લે છે. પણ આ સ્થળોએ જનારા રાજકારણીઓ ભગવાન રામ દેવાધિદેવ મહાદેવ અને યુવાનોના પ્રેરણામુર્તિ એવા સ્વામિ વિવેકાનંદના આદર્શોનું પાલન કરે છે ખરા ? જો તેઓ ભગવાન રામ, મહાદેવ, સંત વિવેકાનંદજીના ચીંધેલા માર્ગે ચાલતા હોત, અથવા તો ભગવાન બુઘ્ધ, મહાવીર સ્વામી, ગુરૂનાનક દેવ જેવા ધર્મપુષો કે મહાત્મા ગાંધી સરદાર વલ્લભાઇ પટેલ જેવા મહાપુષોના માર્ગે ચાલતા હોત તો દેશની આ દશા જ ન હોત.
રાજકારણીઓ માટે ધર્મ અને મહાપુષોએ ચૂંટણી ટાણે એક યા બીજા પ્રકારની વોટબેંક કબજે કરવાનું માઘ્યમ બની ગયા છે. તે પણ બની ગયા છે. જયારે અયોઘ્યામાં રામમંદિરના શિલાન્યાસ થયો કે તે જગ્યાનું ભૂમિપૂજન થયું તે સમયગાળામાં મઘ્યપ્રદેશમાં કોંગ્રેસી નેતા કમલનાથ પણ પોતાના નિવાસ સહિત ઘણા સ્થળોએ રામ ભકત હનુમાનજીના ગુણગાન ગાતા હનુમાન ચાલીસાના પાઠ પણ કરાવ્યા હતાં. જયારે છતીશગઢની કોંગ્રેસી સરકારે તો ભગવાન રામ વનવાસ સમયે જયાંથી પસાર થયા હોવાનો ઉલ્લેખ છે તેવા વિસ્તારોમાં ખાસ વિકાસ યોજનાઓ હાથ ધરી છે. ટુંકમાં ચૂંટણી ટાણે ધર્મનું નામ કે ધર્મનું શરણ લેવામાં કોઇ પક્ષ નાનપ અનુભવો નથી. ચુંટણી પછી ભલે તે ગ્રામપંચાયતની હોય તાલુકા પંચાયતની હોય, જિલ્લા પંચાયતી હોય કે પછી વિધાનસભા કે લોકસભાની હોય પરંતુ દરેક ચૂંટણી સમયે ભગવાનના મંદિરે દર્શન કર્યા બાદ ફોર્મ ભરવાની કે પ્રચાર કરવાની ફેશન થઇ ગઇ છે. અથવા તો પરંપરા થઇ ગઇ છે.
માત્ર ગુજરાતમાં દરેક ચૂંટણી વખતે શીર્ષસ્થ રાજકીય નેતાઓ કાં તો માતા અંબાજીના દર્શન કરીને પ્રચાર કરે છે. અથવા તો સોમનાથ મહાદેવના મંદિરે દર્શન પુજા અને આરતી સાથે પ્રચાર શરુ કરે છે. ઘણા રાજકીય નેતાઓ પોતાના ચૂંટણી પ્રચાર વખતે જો તે વિસ્તારમાં હોય તો દ્વારકામાં દ્વારકાધીશ, ડાકોરમાં રણછોડરાય તેમજ ઉત્તરમાં શામળાજી કે પછી કચ્છ જાય તો માતાના મઢ ખાતે જઇ માતા આશાપુરાના દર્શન કરવાની તક ઝડપી લે છે.
પંજાબમાં સુવર્ણ મંદિર ખાતે પણ મોકો મળે ત્યારે જવાની તક રાજકારણીઓ ગુમાવતા નથી. રાજસ્થાન જનારા મોટાભાગના રાજકારણીઓ શ્રીનાથલાય જઇ શ્રીનાથજીના દર્શન કરે જ છે. તો સાથો સાથ અજમેર ખાતે આવેલ મુસ્લિમ હિંદુ બન્ને જેમાં શ્રઘ્ધા ધરાવે છે તે જગપ્રસિઘ્ધ દરગાહ પર ચાદર ચડાવવાની તક પણ જતી કરતાં નથી. આમ રાજકારણીઓ ખાસ કરીને ચૂંટણી ટાણે ધર્મમ્ શરણમ્ ગચ્છામી એટલે કે ધર્મના શરણે જાય છે.