સૈનિકોમાં નારાજગી/ ‘ક્યાં છે નેતન્યાહુનો પુત્ર’, યુદ્ધ વચ્ચે ઇઝરાયલના પીએમ પર કેમ ગુસ્સે થયા સૈનિકો?

ઇઝરાયેલ-હમાસ વચ્ચે છેલ્લા 19 દિવસથી યુદ્ધ ચાલી રહ્યું છે, તેવામાં નેતન્યાહૂનો પુત્ર ઇઝરાયલમાં ન પહોંચતા સૈનિકો નારાજા

World
ઇઝરાયલ હમાસ યુદ્ધ 'ક્યાં છે નેતન્યાહુનો પુત્ર', યુદ્ધ વચ્ચે ઇઝરાયલના પીએમ પર કેમ ગુસ્સે થયા સૈનિકો?

ઇઝરાયેલ-હમાસ વચ્ચે છેલ્લા 19 દિવસથી યુદ્ધ ચાલી રહ્યું છે. ગાઝાથી થયેલા હુમલા બાદ ઈઝરાયેલના પીએમ બેન્જામિન નેતન્યાહુએ કહ્યું હતું કે અમે હમાસને ખતમ કરી નાંખીશુ. યુદ્ધ દરમિયાન ઇઝરાયેલે લગભગ 360,000 રિઝર્વ સૈનિકોને બોલાવી લીધા છે. આ દરમિયાન ઈઝરાયેલના સૈનિકોએ પીએમ નેતન્યાહુને તેમના 32 વર્ષના પુત્ર યાયરને લઈને નિશાન બનાવ્યા છે. સૈનિકોનું કહેવું છે કે ઇઝરાયેલ સરકારે હમાસ સામે લડવા માટે 360,000 રિઝર્વ સૈનિકોને બોલાવ્યા છે. તેથી, વિદેશમાં રહેતા ઘણા લોકો પોતાના દેશમાં પાછા ફર્યા છે, પરંતુ PM નેતન્યાહુના પુત્ર યાયર પોતે ક્યાં છે?

પોતાની નારાજગી વ્યક્ત કરતા ઈઝરાયેલના સૈનિકોએ કડક સ્વરમાં પૂછ્યું છે કે યાયર હજુ પણ અમેરિકામાં કેમ રહે છે. તે તેમની સાથે યુદ્ધ કેમ નથી લડતો? તે હમાસ સામે લડવા હજુ સુધી ઈઝરાયેલ કેમ નથી આવ્યો? અહેવાલો અનુસાર, યાયર આ વર્ષની શરૂઆતમાં ફ્લોરિડા ગયો હતો. 32 વર્ષીય યાયરનો બીચ ફોટો વાયરલ થઈ રહ્યો છે, જેમાં ઘણા લોકો દાવો કરી રહ્યા છે કે તે મિયામીમાં મજા કરી રહ્યો છે જ્યારે તેના દેશવાસીઓ હમાસ સામેની લડાઈમાં જોડાવા માટે ઘરે પરત ફરી રહ્યા છે.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, એક ઇઝરાયલી સૈનિકે કહ્યું કે હું એવા દેશમાંથી પાછો ફર્યો છું જ્યાં મારી પાસે નોકરી, જીવન અને પરિવાર છે. સંકટના આ સમયમાં મારા ત્યાં રહેવાનો કોઈ અર્થ નહોતો. હું મારા દેશના લોકોને આ હાલતમાં છોડી શકતો નથી. પરંતુ હું પૂછું છું કે વડા પ્રધાન નેતન્યાહૂનો પુત્ર ક્યાં છે. તે ઈઝરાયેલમાં કેમ નથી?

અમે ફ્રન્ટલાઈનમાં ઊભા છીએ, યાયરનો પત્તો નથી

ઈઝરાયલના ઉત્તરી મોરચા પર ફરજ બજાવતા એક સૈનિકે કહ્યું કે યાયર મિયામી બીચ પર તેની જિંદગીનો આનંદ માણી રહ્યો છે, જ્યારે હું ફ્રન્ટલાઈન પર ઉભો છું. તેમણે કહ્યું કે આપણે જ આપણા પરિવાર અને દેશની રક્ષા માટે આપણું કામ, આપણું કુટુંબ, આપણા બાળકો છોડી રહ્યા છીએ, આ પરિસ્થિતિ માટે જવાબદાર લોકો નથી. ઈઝરાયલી સૈનિકે કહ્યું કે અમારા ભાઈઓ, અમારા પિતા, પુત્રો બધા આગળની હરોળમાં છે, પરંતુ યાયર હજી અહીં નથી. તે દેશના નેતૃત્વમાં વિશ્વાસ વધારવામાં મદદ કરતું નથી. ગાઝા બોર્ડર પર તૈનાત સૈનિકે કહ્યું કે આપણા તાજેતરના ઈતિહાસમાં ઈઝરાયેલ માટે એક થવાનો આ સમય છે. વડા પ્રધાનના પુત્ર સહિત આપણામાંના દરેકે અત્યારે અહીં હોવું જોઈએ.

ઇઝરાયેલમાં લશ્કરી સેવાનો નિયમ શું છે?

હાઈસ્કૂલમાં થિયેટરનો અભ્યાસ કરનાર યાયરે ફરજિયાત લશ્કરી સેવા કરી હતી અને લડાયક સૈનિક તરીકેની જગ્યાએ IDFના પ્રવક્તા યુનિટમાં સેવા આપી હતી. તમને જણાવી દઈએ કે ઈઝરાયેલમાં તમામ યુવાનો માટે ફરજિયાત નિયમો છે કે જ્યારે તેઓ 18 વર્ષના થાય ત્યારે તેમણે સેનામાં ફરજ બજાવવી પડે છે. પુરુષોએ 32 મહિના અને મહિલાઓએ 24 મહિના લશ્કરી સેવા કરવી પડે છે.

આ પછી તેમાંથી મોટા ભાગનાને રાષ્ટ્રીય કટોકટીની સ્થિતિમાં 40 વર્ષ કે તેથી વધુ વય સુધી અનામત એકમોમાં બોલાવી શકાય છે અને તેઓ યુદ્ધના સમયે નિયમિત સૈનિકો સાથે લડે છે. અનામત સૈનિકોનો ઉપયોગ નોન-કોમ્બેટ ભૂમિકાઓમાં પણ થાય છે, એટલે કે યાયરને ફ્રન્ટલાઈન અનુભવનો અભાવ હોય તો પણ તેને છૂટ આપવામાં આવશે નહીં.

ઇઝરાયેલના હુમલામાં કેટલા મૃત્યુ?

તમને જણાવી દઈએ કે 7 ઓક્ટોબરના રોજ હમાસે ગાઝા પટ્ટીથી ઈઝરાયેલ પર માત્ર 20 મિનિટમાં 5 હજાર રોકેટ છોડ્યા હતા. જો કે, ઈઝરાયેલે આ હુમલાનો જવાબ આપ્યો અને ગાઝા પર રોકેટ ફાયર કરીને આપ્યો. અલ જઝીરા અનુસાર, ઈઝરાયેલના હુમલાને કારણે ગાઝામાં 5791 લોકોના મોત થયા છે, જ્યારે વેસ્ટ બેંકમાં 103 લોકોના મોત થયા છે. જ્યારે ઈઝરાયેલમાં 1405 લોકોના મોત થયા છે. ગાઝામાં 16297 લોકો ઘાયલ થયા હોવાનું કહેવાય છે. જ્યારે ઈઝરાયેલમાં હમાસના હુમલામાં 5431 લોકો ઘાયલ થયા છે.

આ પણ વાંચો- તુર્કીના રાષ્ટ્રપતિએ ઇઝરાયેલની યાત્રા રદ કરતા કહ્યું ‘હમાસ આતંકવાદી સંગઠન નથી,જમીન બચાવી રહ્યું છે’

આ પણ વાંચો- કેનેડામાં જ જસ્ટિન ટ્રૂડોને લાગ્યો મોટો ઝટકો; વિપક્ષે કહ્યું- હિન્દુઓ પર હુમલા સહન કરીશું નહીં