ભક્તિ/ શ્રદ્ધા હોય ત્યાં પુરાવાની જરૂર નથી!નવાપુરા ગામના બે માઇ ભક્તોની માઁ એ રાખી લાજ

આજના દિવસે ત્રિપુરા સુંદરી મા બાળી બહુચરે સાક્ષાત ભક્તનું સ્વરૂપ લઇને બ્રાહ્મણની મેવાડાની નાતને ભર શિયાળે રસ રોટલી જમાડેલી અને ભક્તનું મહેણું ભાગેલું

Gujarat
3 11 શ્રદ્ધા હોય ત્યાં પુરાવાની જરૂર નથી!નવાપુરા ગામના બે માઇ ભક્તોની માઁ એ રાખી લાજ

આજે માગશર સુદ બીજ.આજના દિવસે ત્રિપુરા સુંદરી મા બાળી બહુચરે સાક્ષાત ભક્તનું સ્વરૂપ લઇને બ્રાહ્મણની મેવાડાની નાતને ભર શિયાળે રસ રોટલી જમાડેલી અને ભક્તનું મહેણું ભાગેલું. સાચી ભક્તિ હોય તો મા ખુદ કોઈ પણ સ્વરૂપે વ્હારે આવી જ જાય છે તે વાતનો પરચો આપેલો. નવાપુરા ગામમાં બે માઇભક્તો રહે વલ્લભ અને ધોળા.. આખો દિવસ મા બહુચરની ભક્તિ કરે. ઘરમાં તો અન્નનો દાણો ના જોવા મળે. ઘરે ઘરે જઈ ભજન કરે..કોઈ બ્રાહ્મણ સમજી બે રૂપિયા આપે અને જેમ તેમ કરી જીવનનિર્વાહ ચલાવે. એક દિવસ બન્ને ભાઈઓ પોતાની મેવાડા જ્ઞાતિમંડળમાં ભોજન કરવા ગયા ત્યાં કોઈએ કટાક્ષમાં બન્ને ભાઈઓ ને કહ્યું અહીંયા ભોજન કરવા આવી જાવ છો ક્યારેક તો જ્ઞાતિજનો ને તો જમાડો

સભામાંથી કોઈક બોલ્યું અરે જમાડશે જ ને કેમ નહિ જમાડે ભર શિયાળે રસ રોટલી જમાડશે.અને રંગે ચંગે જ્ઞાતિજનોને રાજી કરશે. આખો દિવસ ભજન કરે છે તો શું મા તેમનું નહિ સાંભળે? અને ના સાંભળે તો ભક્તિ કરવી નકામી.આ સાંભળી વલ્લભ ધોળાની આંખમાં આંસુ આવી ગયા અને તેમણે મા બહુચર ને અરજી કરી કે મા અમારી લાજ જશે તો હાંસી તારી પણ થશે.આ બન્ને ભાઈઓ એ મા બહુચર પર શ્રદ્ધા રાખી જ્ઞાતિજનો ને તેડાવ્યા અને ભજન કરવા લાગ્યા. અને મા એ તો વલ્લભ ધોળાનું સ્વરૂપ ધારણ કર્યું અને રસ રોટલી હાજર કરી. અને સર્વે જ્ઞાતિજનો ને ભાવપૂર્વક જમાડ્યા અને આખી નાત વિચારમાં પડી ગઈ.બધાને જાણ થઇ ગઈ કે મા જ ભક્તના વ્હારે આવી છે. મા એ ભક્તની લાજ રાખી છે. મહેણું ભાગ્યું છે. અને તે દિવસ માગશર સુદ બીજનો દિવસ હતો. એટલે જ આજે જ્યાં મા બહુચરના બેસણા હશે કે મંદિર હશે ત્યાં મા ને રસ રોટલી નો પ્રસાદ ધરાવવામાં આવશે અને ભક્તો પણ પ્રેમથી આ પ્રસાદ ગ્રહણ કરશે.

આવા પ્રસંગને ઘણા લોકો અંધશ્રદ્ધાના રૂપે લેતા હોય છે પણ આજે હું પૂરી શ્રદ્ધા સાથે કહું છું કે આજે પણ મા કોઈ પણ સ્વરૂપે આવીને આપણી લાજ રાખે જ છે. જીવનમાં મુશ્કેલ પરિસ્થિતિમાંથી ઉગરી જઈએ તો તેને મા નો પરચો જ માનજો. કોઈક કુદરતીશક્તિ હંમેશા આપણા આયખું સાચવતી જ હોય છે. બસ જીવનમાં બધું મળી જાય તો પણ શ્રદ્ધા ભક્તિ અને પ્રાર્થનાના માર્ગને ના છોડતા. જયારે કંઈ પણ નહિ હોય ત્યારે એ જ વ્હારે આવશે..