નાચણ : સુમધુર ગાતી જાય, એક જગ્યાએ સ્થિર બેસ્યા વિના ચપળતા પૂર્વક સ્ફૂર્તિથી ફરતી જુવો તો મીઠડી નાચણ ચોક્કસ મનમાં વસી જાય! કેટલી નિરાલી પંખાકાર પાંખો, સુડોળ શરીર અને નજાકત ભરેલું શરીર. કુદરતે મોહક નાચણને મન મૂકીને નિરાંતે ઘડી હશે.
લેખક : @જગત કીનખાબવાલા (સ્પેરો મેન)
નાચણ કુળમાં ગુજરાતમાં બે પ્રકારની, ખુબજ ઓછા તફાવત વાળી બે પ્રજાતિ જોવા મળે છે. એક વહાઇટ બ્રોવડ/ નાચણ અને બીજી ટપકીલી નાચણ. દૂરથી જુવો તો બંને સરખી દેખાય પરંતુ બંનેના રંગમાં, ટપકીલી નાચણના સફેદ ટપકાના લીધે અને આંખની ઉપરના ભ્રમરમાં સફેદ રંગના પટ્ટાનો ફરક હોય છે. બંનેના અવાજમાં અને ગાવામાં ફરક હોય છે. નાચનમાં ફક્ત ધુમાડિયો કાળો/ ગ્રેઈશ બ્લેક એન્ડ વહાઈટ એમ બેજ રંગ પણ એ બંને રંગની અદભુત રચના એટલે વહાઇટ બ્રોવડ અને બીજો પ્રકાર કે જેને છાતી ઉપર ઘણા સફેદ ટપકાં હોય તે ટપકીલી નાચણ, પહાડી નાચણ!
સફેદ અને ધુમાડિયા કાળા રંગનું ખુબ સુંદર પક્ષી છે અને તે પ્રમાણે તેના નામ પડેલા છે. નાચતી લાગે માટે નાચણ અને અસામાન્ય પંખા આકારની પાંખો હોય માટે પંખો એવા નામ, તેના નામ તેવા ગુણ છે. નાચણને આંખોની ઉપરના પાંપણના ભાગમાં નર્તકીનો મેકઅપ કરેલી હોય તેવી લાંબી પટ્ટીની સફેદ પાંપણ. આ પાંપણનો લાંબો પટ્ટો જતો હોય જે છેક ચાંચથી ડોકના ભાગ સુધી જાય. માથાનો મુગટનો ભાગ અને કાનનો ભાગ ધુમાડિયો, ગળાના ભરાવદાર ચરબીવાળા ભાગમાં ધુમાડિયો અને કાળાનુ મિશ્રણ હોય જ્યારે પેટાળ સફેદ હોય. વચ્ચેની પાંખો ધુમાડિયા કાળા રંગની હોય છે. પાંખો મુખ્યત્વે ધુમાડિયા રંગની જેમાં સફેદ પીંછાના છેડાના ભાગ સફેદ હોય અને તેમાં સફેદ ટપકા પણ હોય. પગ રાખોડી સફેદ હોય અને ચાંચ શ્યામ હોય. અણીદાર અને ટૂંકી ચાંચ અને ચાંચના ગળા પાસેના ભાગમાં વાળ જેવા સીધા અને નાના પીંછા હોય. માદા નાચણમાં સફેદ ભાગ ફિક્કો હોય અને માથાના ભાગમાં કથ્થઈ રંગ હોય જે નર કરતા જુદો પડે જે કારણે દૂરથી જુવો તો નર અને માદા સરખા દેખાય. ટપકીલી નાચણમાં દેખાવ ઘણો બધો. નાચણ જેવી પણ દેખાવના મુખ્ય ફરકમાં આંખ ઉપરનો સફેદ પટ્ટો/ રેખા ઘણો પાતળો અને તે ઉપરાંત છાતી ઉપર સફેદ ટપકાં જેનાથી તે વધારે જુદી પડે. બાકીનું પેટાળ સફેદ હોય છે. ટપકીલી નાચણને વધારે ઝાડી અને જંગલ જેવો વિસ્તાર રહેવા માટે પસંદ પડે જ્યારે બાકીનું બધું જીવન બંને પ્રકારની નાચણમાં સરખું હોય છે.
પી….પી…..પી…પી….પીવી….વી…..એમ મન પ્રફુલ્લિત કરી દે તેવું સુમધુર સ્વરમાં મીઠડું બોલતું હોય. ચઢાવ સાથે ગાય અને પછી ધીમે રહી ઉતરતા ક્રમમાં ગાતું અટકે. નિરંતર નયનરમ્ય નાચે અને મીઠડું ગાય જે સતત સાંભળો તો પણ સાંભળવું ગમે. અન્યોન્ય એકબીજાને આકર્ષવા માટે સ્વિચ – વિચ, સ્વિચ – વિચ એમ બોલે જે થોડું કઠોર લાગે. સતત સ્ફૂર્તિથી ઉડતું જોવું તે નયનરમ્ય લાગે. એક ડાળી ઉપરથી બીજી ડાળી ઉપર ઉડતું દેખાય અને તેમાં જે ચઢાવ ઉતાર સાથે ઉડે ત્યારે તે નૃત્યની મુદ્રા બનાવી ઉડતું હોય તેવું દેખાય. ઉડવાનું પણ ચઢાવ ઉતાર સાથે અને ઝડપી હોય કે જમીન ઉપર જીવડું જુવે અને ખાવા જાય તો ડર લાગે કે ક્યાંક જમીન સાથે અથડાઈ મરશે.
શહેરી વિસ્તારમાં બગીચા, તળાવના કિનારાના વૃક્ષો તેમજ ઘનઘોર ઘટાદાર આંબા અને લીમડા જેવા વૃક્ષોમાં દેખાય તેમજ જંગલ વિસ્તારના બાહ્ય ભાગમાં તેઓ જોવા મળે છે. ખોરાકમાં પોતાને પ્રિય જીવડા ખાતું જાય. માખી, મચ્છર, તીતીઘોડા, તીડ જેવા ઉડતા જીવ, ઈયળો,ઉધઈ વગેરે ખાવા માટે એક જગ્યાએથી બીજી જગ્યાએ ઉડાઉડ કરતા ફરતા હોય છે.
ભારતના મોટાભાગના વિસ્તારમાં જોવા મળે છે. એશિયાના લગભગ બધા ઉષ્ણકટિબદ્ધ વિસ્તારમાં જોવા મળે છે. બાંગ્લાદેશ, શ્રીલંકા, મ્યાનમાર, થાઈલેન્ડ, કંબોડીયા, લાઓસ, વિએટનામ જેવા બધા દેશમાં તેઓ વસે છે. તે યાયાવર પક્ષી નથી પણ સ્થાય પક્ષી છે. તેઓની ઘટતી જતી સંખ્યા માટે મુખ્યત્વે માનવી જવાબદાર છે. તેમને પાળવાનો શોખ, તેમના જીવનમાં ડખલ કરવી, પેસ્ટસાઇડના ઉપયોગથી મરેલા જીવ ખાવા અને આવા કારણો તેમને અકારણ મૃત્યુ તરફ લઇ જાય છે.
તેઓનું એવરેજ આયુષ્ય ૪.૯ વર્ષનું હોય છે. વૃક્ષની અંદર કપ આકારના માળામાં અંડાકાર આકારના ૨ થી ૩ ઈંડા મૂકે છે જે રંગે ફીકા અને આછા પીળા હોય છે. માળો બનાવવાનું કામ નર અને માદા બંને ભેગા મળી લગભગ ૮ થી ૯ દિવસમાં બનાવી લે છે. ઈંડા સેવવાનું કામ નર અને માદા બંનેભેગા મળીને વારા ફરતી કરી લે છે. એક જણ ઈંડા સેવતું હોય ત્યારે બીજું પોતાના સાથીદારને છોડાવે જે જે બહાર જય શરીર છૂટું કરી ખોરાક ખાઈ પાછું આવે છે અને ત્યાર બાદ બીજો સાથીદાર બહાર જાય છે. ઈંડા ઉપર આછાથી ઘેરા કથ્થાઈ ટપકા હોય છે. તેઓ જ્યાં માળો બનાવે છે તે જગ્યાઓ સલામત ન હોય તેવું લગભગ ૫૦ થી ૬૦ ટકા માળામાં જોવા મળેલું છે અને તે અભ્યાસમાં એવું પણ નીકળે છે કે તે કારણે તેઓના ઈંડા કે બચ્ચા શિકારી પક્ષી કે બિલાડી વગેરેનો શિકાર બની જાય છે. માળા માટે જગ્યાની યોગ્ય પસંદગી ન હોવાના કારણે પણ વધારે વરસાદમાં તેમના માળા ધોવાઈ જાય છે અને ઈંડા કે બચ્ચા તેઓ ગુમાવી બેસે છે. સફળ માળો બીજા વર્ષે પણ વાપરતા જોવા મળે છે. રંગનો ભભકો ઓછો છે પરંતુ બાકી બધું કુદરતે તેને મન મૂકીને અદભુત અને અઢળક આપ્યું છે, કુદરતનું એક મનમોહક ઉત્તમ નજરાણું છે.
(ફોટોગ્રાફ્સ સહયોગ: શ્રી સેજલ શાહ ડેનિઅલ અને શ્રી દિપક પરીખ.).
આવો કુદરતના ખોળે, નિરાંત અનુભવીએ.
સ્નેહ રાખો – શીખતાં રહો – સંભાળ રાખો
Love – Learn – Conserve