Vadodara News/ કોણ છે સતિષ પટેલ? માંજલપુરમાંથી જંગી જીત મેળવનાર સતિષ પટેલની સંપત્તિ જાણો

ચૂંટણી એફિડેવિટ મુજબ સતિષ પટેલ (Satish Patel)પાસે અંદાજે 51.52 કરોડ રૂપિયાની કુલ સંપત્તિ છે.

Gujarat Vadodara
ભાજપના ઉમેદવાર સતિષ પટેલે (Satish Patel)કોંગ્રેસના ઉમેદવાર ભીખાભાઈ રબારીને 30,630 મતના વિશાળ અંતરથી હરાવીને વિધાનસભામાં પ્રવેશ કર્યો છે

Vadodara News : વડોદરા (Vadodara)ની માંજલપુર વિધાનસભા બેઠક પર યોજાયેલી પેટાચૂંટણી (Manjalpur By Election)માં ભારતીય જનતા પાર્ટીએ જંગી જીત નોંધાવી છે. ભાજપના ઉમેદવાર સતિષ પટેલે (Satish Patel)કોંગ્રેસના ઉમેદવાર ભીખાભાઈ રબારીને 30,630 મતના વિશાળ અંતરથી હરાવીને વિધાનસભામાં પ્રવેશ કર્યો છે. આ જીત સાથે ભાજપે માંજલપુર બેઠક પર પોતાનો કબજો યથાવત રાખ્યો છે.

આ બેઠક પૂર્વ ધારાસભ્ય યોગેશ પટેલના નિધન બાદ ખાલી પડી હતી, જેના કારણે અહીં પેટાચૂંટણી યોજાઈ હતી.

મતગણતરીમાં ભાજપને સ્પષ્ટ બહુમતી

ચૂંટણી પરિણામ મુજબ BJPના ઉમેદવાર સતિષ પટેલ (Satish Patel)ને 55,481 મત મળ્યા, જ્યારે કોંગ્રેસના ઉમેદવાર ભીખાભાઈ રબારી (Bhikhabhai Rabari)ને 24,851 મત મળ્યા. મતદારોનો સ્પષ્ટ વિશ્વાસ ભાજપ તરફ જોવા મળ્યો અને સતિષ પટેલે જંગી બહુમતી સાથે જીત નોંધાવી.

કોણ છે સતિષ પટેલ?

62 વર્ષીય સતિષ પટેલ (Satish Patel)લાંબા સમયથી સહકારી ક્ષેત્ર, કૃષિ અને સામાજિક સેવાકીય પ્રવૃત્તિઓ સાથે જોડાયેલા છે. ચૂંટણી પંચમાં દાખલ કરેલા એફિડેવિટ મુજબ તેમણે પોતાને ખેડૂત, કારોબારી અને સમાજસેવક તરીકે દર્શાવ્યા છે.

તેમણે વર્ષ 1983માં વડોદરામાંથી ધોરણ-10 સુધીનો અભ્યાસ પૂર્ણ કર્યો હતો. તેમના પરિવારની વાત કરીએ તો તેમની પત્ની ગૃહિણી છે.

કેટલી સંપત્તિના માલિક?

ચૂંટણી એફિડેવિટ મુજબ સતિષ પટેલ પાસે અંદાજે 51.52 કરોડ રૂપિયાની કુલ સંપત્તિ છે. મહત્વની વાત એ છે કે તેમના સામે કોઈપણ પ્રકારનો ફોજદારી ગુનો નોંધાયેલો નથી, જે તેમની જાહેર પ્રોફાઇલનો મહત્વનો પાસો માનવામાં આવે છે.

જીત બાદ શું કહ્યું?

જીત બાદ સતિષ પટેલે મતદારોનો આભાર વ્યક્ત કરતાં જણાવ્યું કે, માંજલપુરની જનતાએ જેમ પૂર્વ ધારાસભ્ય યોગેશ પટેલ (યોગેશ કાકા) પર વિશ્વાસ મૂક્યો હતો, તે જ વિશ્વાસ હવે તેમના પર પણ વ્યક્ત કર્યો છે.

તેમણે કહ્યું કે માંજલપુર પહેલેથી જ વિકસિત વિધાનસભા વિસ્તાર છે અને યોગેશ પટેલે મોટાભાગના વિકાસકાર્યો પૂર્ણ કર્યા છે. હવે બાકીના વિકાસકાર્યોને વધુ ઝડપથી આગળ વધારવાની પોતાની પ્રતિબદ્ધતા તેમણે વ્યક્ત કરી.

કોંગ્રેસે લગાવ્યા ગંભીર આરોપ

પરિણામ બાદ કોંગ્રેસના ઉમેદવાર ભીખાભાઈ રબારીએ હાર સ્વીકારી હતી. જોકે તેમણે આરોપ લગાવ્યો કે મતદાનના અંતિમ તબક્કામાં ભાજપ દ્વારા ભયનું વાતાવરણ ઉભું કરવામાં આવ્યું હતું, જેના કારણે ઘણા મતદારો મતદાન કરવા બહાર આવી શક્યા નહોતા.

તેમણે આક્ષેપ કર્યો કે આ સમગ્ર ઘટનાથી ચૂંટણીની નિષ્પક્ષતા પર પ્રશ્નો ઊભા થયા છે. સાથે જ તેમણે જણાવ્યું કે પરિણામ ભલે જે આવ્યું હોય, પરંતુ તેઓ લોકોની સેવા સતત ચાલુ રાખશે.


આ પણ વાંચો : વડોદરાની માંજલપુર પેટાચૂંટણીમાં હોબાળો, અલવા નાકા ખાતે ભાજપ-કોંગ્રેસ કાર્યકરો સામસામે

આ પણ વાંચો : માંજલપુર પેટાચૂંટણી: ભાજપના ઉમેદવાર સતીશ પટેલે ભર્યું ઉમેદવારી ફોર્મ, ભવ્ય જીતનો વ્યક્ત કર્યો વિશ્વાસ

આ પણ વાંચો : ભાજપે માંજલપુર પેટાચૂંટણી માટે સતીષ પટેલને ઉમેદવાર જાહેર કર્યા, 30 જુલાઈએ મતદાન