8 ઓગસ્ટના રોજ ટોક્યો ઓલિમ્પિક રમતોત્સવ સમાપ્ત થયો. આ વર્ષની ઓલિમ્પિક રમતોમાં ભારતીય ખેલાડીઓએ પોતાનું શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું અને કુલ 7 મેડલ જીત્યા. જેમાં નીરજ ચોપરાનો ગોલ્ડ મેડલ પણ સામેલ હતો. છેલ્લા કેટલાક સમયથી ઓલિમ્પિકમાં ક્રિકેટને સામેલ કરવાની સતત ચર્ચા ચાલી રહી છે.
શું ક્રિકેટ ઓલિમ્પિકમાં જોવા મળશે?
ક્રિકેટ ચાહકો વારંવાર કહેતા રહે છે કે ક્રિકેટને ઓલિમ્પિક ગેમ્સમાં પણ સામેલ કરવો જોઈએ. હવે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે આ બાબતે મોટો પ્રતિસાદ આપ્યો છે. બીસીસીઆઈનું કહેવું છે કે તે ક્રિકેટને ઓલિમ્પિકમાં સમાવવા માટે તૈયાર છે. બીસીસીઆઈના સચિવ જય શાહે હિન્દુસ્તાન ટાઈમ્સને આપેલા ઈન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે બીસીસીઆઈ ક્રિકેટને ઓલિમ્પિકમાં સામેલ કરવા માટે તૈયાર છે.
2028 ઓલિમ્પિકમાં ક્રિકેટનો સમાવેશ થઈ શકે છે
અહેવાલો અનુસાર, જો લોસ એન્જલસમાં યોજાનારી 2028 ઓલિમ્પિક ગેમ્સ સુધી બધુ બરાબર ચાલશે તો ઓલિમ્પિકમાં ક્રિકેટ પણ જોવા મળશે. જય શાહે કહ્યું, ‘BCCI અને ICC બંને ઓલિમ્પિકમાં ક્રિકેટના સમાવેશ માટે તૈયાર છે. જો આવું થાય તો ભારતની પુરુષ અને મહિલા બંને ટીમો ઓલિમ્પિકમાં મેડલ માટે રમતી જોવા મળશે.
ભારતે શાનદાર પ્રદર્શન કર્યું
આ વર્ષે ટોક્યોમાં યોજાયેલી ઓલિમ્પિક રમતોમાં ભારતનું પ્રદર્શન શાનદાર રહ્યું હતું. ભારતીય ખેલાડીઓએ કુલ 7 મેડલ જીત્યા હતા. ભારત માટે નીરજ ચોપરાએ ગોલ્ડ, મીરાબાઈ ચાનુ અને રવિ દહિયાએ સિલ્વર, જ્યારે પીવી સિંધુ, બજરંગ પુનિયા, લવલીના અને ભારતીય પુરુષ હોકી ટીમે બ્રોન્ઝ મેડલ જીત્યા હતા.