Junagadh News/ જૂનાગઢના વિલિંગ્ડન ડેમમાં નહાવા ગયેલા 3 પરપ્રાંતીય યુવાનોના ડૂબી જવાથી મોત

Junagadhના વિલિંગ્ડન ડેમમાં નહાવા ગયેલા ઉત્તર પ્રદેશના ૩ શ્રમિક યુવાનોના ડૂબી જવાથી મોત થયા છે. ફાયર વિભાગે કલાકોની જહેમત બાદ મૃતદેહો બહાર કાઢ્યા. જાણો સમગ્ર ઘટના.

Top Stories Ahmedabad Gujarat
Junagadh Willingdon Dam Accident

Junagadh Willingdon Dam Accident: ગિરનારની તળેટીમાં આવેલા પ્રખ્યાત પ્રવાસન સ્થળ વિલિંગ્ડન ડેમ ખાતે રજાની મજા આજે માતમમાં ફેરવાઈ ગઈ છે. ઉત્તર પ્રદેશથી અહીં મજૂરીકામ અર્થે આવેલા સાત મિત્રોનો સમૂહ જ્યારે ડેમની કૂંડીમાં નહાવા પડ્યા, ત્યારે ત્રણ યુવાનો ઊંડા પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. ફાયર વિભાગની કલાકોની જહેમત બાદ ત્રણેય કમનસીબ યુવાનોના મૃતદેહ મળી આવ્યા છે.

Junagadh : મિત્રોની નજર સામે જ ‘કાળ’ ત્રાટક્યો

પ્રાપ્ત માહિતી અનુસાર, રવિવારની રજા હોવાથી સાતેય મિત્રો સાંજે 5 વાગ્યે વિલિંગ્ડન ડેમ ખાતે મોજ-મસ્તી કરવા પહોંચ્યા હતા. ડેમની કૂંડીમાં નહાતી વખતે અચાનક ત્રણ યુવાનો ઊંડા પાણીના વહેણમાં ખેંચાઈ ગયા હતા. તેમની સાથેના અન્ય ચાર મિત્રો સુરક્ષિત રીતે બહાર નીકળી ગયા હતા, પરંતુ પોતાની નજર સામે જ જીગરજાન મિત્રોને ડૂબતા જોઈને તેઓ સ્તબ્ધ થઈ ગયા હતા અને ચીસાચીસ કરી મૂકી હતી.

Junagadh Willingdon Dam Accident

મૂળ ઉત્તર પ્રદેશના હતા યુવાનો

ઘટનાસ્થળે બચી ગયેલા મિત્ર ગુલામહુસેને રડતી આંખે જણાવ્યું કે, તેઓ ઉત્તર પ્રદેશના બહરાઈચ જિલ્લાના બૈરાગી ગામના વતની છે અને જૂનાગઢમાં રહીને મજૂરીકામ કરે છે. તેમની સાથે હસનૈન, શિવમ, કલામ, મનોજ, અહેમદ હુસૈન અને અમિત નાહવા આવ્યા હતા. આ તમામ યુવાનો પરપ્રાંતીય શ્રમિકો હતા જેઓ વતનથી હજારો કિમી દૂર રોજીરોટી માટે આવ્યા હતા, પરંતુ કુદરતને કંઈક બીજું જ મંજૂર હતું.

Junagadh Willingdon Dam Accident

રેસ્ક્યુ ઓપરેશન અને કરુણ અંજામ

બનાવની જાણ થતા જ જૂનાગઢ પોલીસ અને ફાયર વિભાગનો કાફલો સ્થળ પર દોડી ગયો હતો. ફાયર ફાઈટરોએ ઓક્સિજન સિલિન્ડર અને લાઈફ જેકેટ સાથે ડેમની ઊંડી કૂંડીમાં તપાસ હાથ ધરી હતી. કલાકોની જહેમત બાદ ત્રણેય યુવાનોના નિષ્પ્રાણ દેહ મળી આવ્યા હતા. પોલીસે મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલ ખસેડ્યા છે.

જોખમી સ્થળોએ નાહવાનું ટાળો

આ ઘટનાને પગલે મૃતક યુવાનોના પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે. સ્થાનિક તંત્ર અને પોલીસ દ્વારા પ્રવાસીઓને વારંવાર અપીલ કરવામાં આવે છે કે, ડેમ કે નદીઓના અજાણ્યા અને જોખમી વિસ્તારોમાં નહાવા ન પડવું જોઈએ. મોજ-મસ્તીમાં રાખેલી સહેજ બેદરકારી આખા પરિવાર માટે આજીવનની વેદના બની શકે છે.


આ પણ વાંચો: જૂનાગઢમાં લગ્નના વરઘોડામાં ઘોડી નચાવતા યુવાનને આવ્યો બ્રેન સ્ટ્રોક, ઘટનાસ્થળે જ મોત

આ પણ વાંચો: જૂનાગઢ–આણંદ રૂટની એસટી બસમાં યુવતી સાથે છેડતી, આરોપીની ધરપકડ

આ પણ વાંચો: જૂનાગઢના મેઘાણીનગરમાં ભીષણ આગ, 10 વાહનો બળીને રાખ